તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઈટ હાઉસ:પરેશાની હાલાત સે નહ, ખયાલાત સે હોતી હૈ

રાજુ અંધારિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિટલરની યાતના છાવણીમાં વિક્ટર ફ્રેન્કલ અને એમના પરિવાર પર અતિશય યાતના ગુજારવામાં આવી. એમાંથી ફક્ત વિક્ટર ફ્રેન્કલ જ બચી શક્યા. ત્રણ વર્ષ એમના પર સિતમ ગુજારવામાં આવ્યો એમાંથી એ કેવી રીતે બચી શક્યા? પોતાના જેલવાસ દરમિયાન એમણે નોંધ્યું કે ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ જેમનામાં કોઈ હેતુની પૂર્ણતાનો વિચાર (સેન્સ ઓફ પર્પઝ) સતત ચાલતો રહેતો હોય એ ટકી જાય છે. એમના જીવનનો એક હેતુ હતો કે એ જેના પર કામ કરી રહ્યા હતા એની હસ્તપ્રત પૂરી કરવી. ઓસ્ટ્રિયન લેખક-મનોચિકિત્સક વિક્ટર ફ્રેન્કલે વિચારોની આ તાકાતને ‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’ એવું નામ આપ્યું. વિચારોમાં જબરી તાકાત હોય છે. નાઝી કેમ્પમાં હાલત બહુ ખરાબ હોવા છતાં એમના વિચારોએ એમને પરેશાનીમાંથી મુક્તિ અપાવીને ટકાવી રાખ્યા. વાસ્તવમાં આપણે જે સ્થિતિમાં જીવતાં હોઈએ છીએ આપણા વિચારોનું જ પ્રતિબિંબ હોય છે. આપણે સૌ વિચારોના વિશ્વમાં જીવીએ છીએ. આપણા વિચારો અનુભવોનું સર્જન કરે છે. આપણી જિંદગીની ગુણવત્તાનો આધાર આપણા વિચારોની ગુણવત્તા પર છે. જાપાની સંશોધક ડો. માસારુ ઈમોટોએ કરેલ પ્રયોગોથી પુરવાર થયું છે કે આપણા વિચારો આપણા વાસ્તવિક જગતનું સર્જન કરી શકે છે. 1994માં એમણે પાણી પર એક પ્રયોગ કર્યો. એમણે નળનાં થીજેલા પાણી અને નદીના પાણીમાં રહેલાં સ્ફટિકો-ક્રિસ્ટલ્સમાંના તફાવતનો અભ્યાસ કર્યો. જોકે એમને એમાં કોઈ ફરક જોવા મળ્યો નહીં. જોકે એમના ધ્યાનમાં એ આવ્યું કે નૈસર્ગિક સરોવરો અને ઝરણાંમાંથી મળતા સ્ફટિકો ખૂબ જ સુંદર હતા ને દરેકનો અનોખો દેખાવ હતો. આ પાણીને બે બરણીમાં ભરવામાં આવ્યું. એક બરણીમાં ભરેલા પાણી માટે સ્નેહ અને વહાલભર્યા શબ્દો બોલવામાં આવ્યા ને બીજા માટે ધિક્કારભર્યા શબ્દ બોલવામાં આવ્યા. પોઝિટિવ શબ્દ બોલવામાં આવેલી બરણીનાં પાણીમાં સુંદર મજાના સ્ફટિકોનું સર્જન થયું ને નેગેટિવ શબ્દ બોલાયેલા એ બરણીનું પાણી વિકૃત થયું ને ગંદા સ્ફટિકોનું નિર્માણ થયું. પાણી પર પોઝિટિવ કે નેગેટિવ વિચારોની આવી અસર થાય છે, તો આપણું શરીર તો 70 ટકા પાણીનું બનેલું છે, એ જોતાં કલ્પના કરો કે આપણા દર સેકન્ડે ચાલતા પોઝિટિવ કે નેગેટિવ વિચારોની રોજિંદા જીવન પર કેટલી અસર પડતી હશે! વિચારો આપણી લાગણીને ટ્રિગર કરે છે, જેનાથી શરીર પ્રતિક્રિયા આપતા આપણે ચોક્કસ રીતે કાર્ય કરવા કે વર્તવા પ્રેરિત થઈએ છીએ. વિચારોની આ ઢબ-પેટર્ન આપણા મગજમાં એક માનસિક સર્કિટનું સર્જન કરે છે અને આપણે જેમ એનું પુનરાવર્તન કરતાં જઈએ એમ એ આપણી અર્ધજાગ્રત વર્તનની પેટર્ન બનતી જાય છે અર્થાત એ આપણું સ્વાભાવિક વર્તન બની જાય છે. આ રીતે આપણા વિચારો રોજિંદા જીવનને આકાર આપે છે. આમ વિચારો જ સર્વસ્વ છે. વિચારો અતિ તાકાતવાન છે. જે બહુબધા વિચારો આપણા મનમાં ચાલતા હોય છે એ જોયેલા સપનાંને સાકાર કરવા મદદરૂપ થઇ શકે છે અથવા પતનની ખાઈમાં ગબડાવવા માટે પણ નિમિત્તરૂપ બની શકે છે. જેવી જિંદગી જીવવી છે એ પ્રમાણેના વિચારોની પસંદગી કરવાની છે. ‘લો ઓફ અટ્રેક્શન’ મુજબ તમે એક લોહચુંબક સમાન છો, આથી જેવી બાબતો વિચારો છો એવી બાબતો તમારા તરફ આકર્ષાય છે. ⬛rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...