નીલે ગગન કે તલે:એવરેસ્ટ ઉપર શુભ વિવાહ

મધુ રાય15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માઉન્ટ એવરેસ્ટ કરતાંય ઊંચું શિખર છે, ‘મૌના કિયા! ’

આ મહિનાની 20મી તારીખે, બોલો કોનો જન્મદિવસ હતો? ન્યૂ ઝિલેન્ડના પર્વતારોહક સર એડમન્ડ પર્સિવિયલ હિલેરીનો, જે તથા નેપાલી શેરપા તેનસિંગ નોરગે માઉન્ટ એવરેસ્ટ ઉપર ઝંડો રોપનાર પ્રથમ માનવો ગણાય છે. એમણે 1953માં તે વિક્રમ સર્જેલો. દરિયાની સપાટીથી 29,032 ફૂટની ઊંચાઈએ ઊભેલ નગાધિરાજ માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર ગણાય છે. અને તેના ઊર્ધ્વ વિસ્તરણમાં એક ‘પુશ-પુલ ડાયનેમિક’ કામ કરે છે, જેમાં ‘પ્લેટ ટેકટોનિક’ તેને ગગનવિશાલમાં ઊંચે ને ઊંચે આગળ ધકેલે છે અને નગાધિપતિ એવરેસ્ટ દર વર્ષે સરેરાશ લગભગ 4 મિલીમીટર ઊંચાઈ વધારતો જાય છે. તેની વિશાળ પર્વતમાળા હિમાલય છ–છ દેશોમાંથી પસાર થાય છે: ચીન, નેપાલ, ભારત, પાકિસ્તાન, ભૂતાન અને અફઘાનિસ્તાન. તે હિમાલય આપણી ભારતની સંસ્કૃતિ, લોકકથાઓ અને પુરાણોમાં માતાના ધાવણની જેમ રસાયેલો છે, જય હિન્દ! પણ થોભો! આપણા નાદાન દિલને આઘાત લાગે એવી એક વાત તે છે ભગવન્ત, કે માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંચો પર્વત નથી! તેના કરતાંય ઊંચું શિખર છે, અમેરિકાના હવાઈ સ્ટેટનું 33,500 ફૂટનું મૌના કિયા! કિન્તુ મૌના કિયાનું અરધોઅરધ કદ સમુદ્રમાં સંતાયેલું છે, તેથી આપણું એવરેસ્ટ દરિયાની સપાટીથી 29,032 ફૂટની ઊંચાઈએ ઊભેલ ઊંચામાં ઊંચો પર્વત તો છે જ, જય હિન્દ! જય હિન્દ! જય હિન્દ! પણ અરે? માઉન્ટ એવરેસ્ટ તે માઉન્ટ ‘એવરેસ્ટ’ નથી? નો, ભગવન્ત! બ્રિટિશ ભૂગોલજ્ઞ કર્નલ સર જોર્જ એવરેસ્ટ 1830થી 1843 દરિયાના સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયા હતા અને સમસ્ત ઉપખંડના સમગ્ર ત્રિકોણોમિતિક સર્વેક્ષણ કાર્યમાં એમણે સિંહભાગ લીધેલો એટલું જ. તે આંગ્લ સાહેબ દરઅસલ વેયલ્શ હતા ને તેમની માતૃભાષામાં તેમના નામનો ઉચ્ચાર ‘ઈવરેસ્ટ’ થાય, નોટ ‘એવરેસ્ટ!’ ભારતની કોઈ ભાષામાં તે નામ સાચા ઉચ્ચારે લખી શકાય નહીં તેથી એમનો આગ્રહ હતો કે કોઈ લોકલ નામ રાખો. કેમકે તે શિખરની સાથે એમને કોઈ સીધો સંબંધ નહોતો. સન 1856માં ગણિતજ્ઞ બાંગ્લ સાહેબ રાધાનાથ સિકદરે જે કાંઈ ગુણાકાર ભાગાકાર કરીને ઠેરવ્યું હશે કે હિમાલયનું શિખર આટલું ઊંચું છે, તે Peak XV નામે ઓળખાતા શિખરને સર ઈવરેસ્ટ સાહેબે ફક્ત જાહેર કરેલું કે તે ટોલેસ્ટ શિખર છે, ને બસ તે પછી એમના અનુગામી એન્ડ્રુ સ્કોટ વૌઘે તે Peak XV શિખરને માઉન્ટ એવરેસ્ટ કહેવાનું ચાલુ કર્યું ને તમે ને અમે તે માની લીધું કે હાલો હાલો, એવરેસ્ટ તો એવરેસ્ટ. બાકી તિબેટી લોકોને એવરેસ્ટની કોઈ સાડાબારી ન્હીં મલે, તેઓ તે Peak XV ને કહે છે ‘ચોમોલુંગ્મા’ યાને ‘માતા જગત્માતા’ અને નેપાલી લોકો તેને કહે છે ‘સાગરમાથા’ યાને ‘નભમસ્તક!’ અહીં અમે સ્ટેજની આગળ આવીને સ્વગતોક્તિ કરવાની તક લઈએ છીએ. અંગ્રેજોએ ફક્ત ભારતની જ ભાષાઓ ઉપર હાથીપગો ભાર મૂકેલ છે એવું નથી; ખુદ બ્રિટનના વેયલ્સ પ્રદેશની વેલ્શ ભાષા અને આયર્લેન્ડની ગેયલિક, આયરિશ ભાષાઓ, સ્કોટલેન્ડની સ્કોટિશ અને કોર્નિશ વગેરે સ્થાનિક ભાષાઓ ઉપર પણ ઇંગ્લિશનો ડામરગોળો ફરી વળેલ છે. અને બધી જનતા હવે ઇંગ્લિશ જ વધુ બોલે છે! સો, લેડિઝો ને જેન્ટલમેનો, હિલેરી–તેનસિંગના નભવિજય બાદ લગભગ 4,000 પર્વતારોહકો ઈવરેસ્ટ ચડી આવ્યા છે. જાપાની મહિલા જુન્કો તાબેઈ એવરેસ્ટ ચડનાર (1975) પ્રથમ મહિલા હતાં. અમેરિકન કિશોર જોર્ડન રોમેરો તેર વર્ષનો સૌથી નનકડો આરોહક હતો (2010). સર એડમન્ડ હિલેરીનો સુપુત્ર પીટર હિલેરી પણ પિતાના પેંગડામાં પગ મૂકી આવ્યો હતો, સન 1990માં એવરેસ્ટ ચડીને. પણ દિવસેદિવસે તે આરોહણ મોઘું થતું જાય છે. હાલ તે ખર્ચ વ્વ્યક્તિદીઠ $45,000 છે, ને કેટલાક સાહસિકો તો $1,60,000 જેટલા ફૂંકી મારે છે! તેવા ગગનચુંબી ખર્ચ ઉપરાંત તે આરોહણની વસમી વાતો તે છે કે આરોહકોના ધાડાં ભીડભાડ મચાવે છે ને પવિત્ર પહાડ ઉપર કદરૂપા કચરાના ઢગલા વેરી જાય છે. હવે તેના આરોહણ ઉપર પ્રતિબંધ લાવવાની વિચારણા થઈ રહી છે! કિન્તુ યારો, ગગનવાલાના રોમાન્ટિક હૈયામાં હુલ્લડ કરે તેવી પ્યારામાં પ્યારી વાત તે છે કે સન 2004માં પેમ્બા દોરજે અને મોની મૂલેપતિ નામે નેપાલી યુગલે સાગરમાથા ઉપર સાત ફેરા ફરી પ્રભુતામાં પ્યાર કેરાં પગલાં માંડેલાં! જય ચુંદડી ને ચોખા!⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...