મનદુરસ્તી:તમારો ‘ફ્રેન્ડશિપ ડે’ હેપ્પી તો હશે ને!

ડૉ. પ્રશાંત ભીમાણી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રતામાં અધિકારપૂર્વકની મુક્તિ હોય છે. સાચો મિત્ર કોઇ અન્ય વ્યક્તિના નજીક આવવા કે જવાથી દૂર થઇ જતો નથી

ડોક્ટર, આમ તો સોશિયલ મીડિયા ઉપર મારા ઘણા ફ્રેન્ડ્ઝ છે, પણ ક્લોઝ કહેવાય એવા ચારેક ફ્રેન્ડ્ઝ જ છે. એમાં પણ ક્રિશા મારી ખાસ દોસ્ત છે. જાણે કે એ મારું સર્વસ્વ છે. જે વાત હું કોઇને ન કહી શકું એ ક્રિશાને બેધડક કહી શકું. આમ તો અમારી બધી જ વાત એકબીજાને ખબર જ હોય. ‘વી આર પાર્ટનર્સ ઇન ક્રાઇમ’ એવું કહીએ તો પણ ચાલે. અમે છેક સ્કૂલથી સાથે છીએ અને હવે મેરેજ પણ એક જ સીટીમાં થયાં છે. એના લવ-મેરેજમાં મેં મદદ કરી હતી અને મારા લવ-મેરેજમાં એણે..’ ‘ડોક્ટર તમે નહીં માનો પણ મારાં અને ક્રિશા વચ્ચે એટલા સોલિડ રિલેશન છે કે અમારા વિચારો 100 ટકા મળતા આવે. અરે! ક્યારેક તો અમારાં મોઢાંમાંથી આખેઆખાં વાક્યો એકસરખાં નીકળે. આવું ટ્યુનિંગ ભાગ્યે જ જોવા મળે. કદાચ બે બહેનો આટલી સારી રીતે જોડાયેલી નહીં હોય જેટલાં અમે બંને કનેક્ટેડ છીએ’ ઝરણાએ આગળ કહ્યું. ‘પ્રોબ્લેમ એ છે કે, હવે મને એવું લાગે છે કે ક્રિશા મારાથી દૂર થઇ જશે. આજકાલ એ એની ઓફિસમાં રિચા સાથે વધારે સમય ગાળે છે. એની વાતોમાં પણ રિચા-રિચા જ હોય છે. છેલ્લે ઘણીવાર એવું પણ બન્યું છે કે એણે રિચાને કારણે મારી સાથે આવવાનું ટાળ્યું હોય. રિચાની દરેક પોસ્ટને એ લાઇક કરે. કોમેન્ટ્સ પણ સરસ આપે અને હું તો જાણે હવે જૂની થઇ ગઇ એટલે ‘ઘર કી મુર્ગી દાલ બરાબર.’ મને સખ્ખત ઇગ્નોર્ડ ફીલ થાય છે. મારી સાથેના અલગ-અલગ ડી.પી. એ હંમેશાં રાખતી. ‘સોલમેટ’ એવું લખતી પણ હવે તો ડી.પી. પણ બદલી નાખ્યું. રિચા સાથે એ ક્યાંક કોફી પીવા ગઇ હશે એ ડી.પી. એણે મૂક્યું છે. લોકો મને પૂછે છે કે, ‘કેમ ક્રિશાએ આવું કર્યું ?’ હવે તમે જ કહો ડોક્ટર, મારે શું જવાબ આપવો? મારે કોઇ પણ ભોગે ક્રિશાને ગુમાવવી નથી. હું એને માટે કંઇ પણ કરવા તૈયાર છું.’ ઝરણાએ વાત પૂરી કરી. મૈત્રી અને ઇર્ષ્યાનો સંબંધ જૂનો છે. ‘જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજી’માં આ વિશે એક રસપ્રદ સંશોધન પ્રકાશિત થયું છે. એમાં જુદા જુદા 11 અભ્યાસોની શૃંખલામાં અમેરિકાના 2918 જેટલાં લોકો પર આ વિશે અભ્યાસ થયો. સારાંશ એ હતો કે જ્યારે વ્યક્તિને એવું લાગે છે કે મારી મૈત્રી ખતરામાં છે ત્યારે ઇર્ષ્યાવૃત્તિને કારણે વ્યક્તિ પોતાના મિત્રને ન ગુમાવવા માટે મૈત્રીને વધારે મજબૂત કરવાના પ્રયત્નો કરે છે. મતલબ આવી ઇર્ષ્યાથી ઘણાં લોકોમાં મૈત્રી પ્રબળ બને છે. આવા પ્રયત્નોની ઘણીવાર વ્યક્તિને પોતાને પણ જાણ નથી હોતી. ‘જો હું ફ્રેન્ડશિપમાં રીપ્લેસ થઇ જઇશ તો?’ આવી ચિંતા હંમેશાં કેટલીક મૈત્રીમાં રહ્યા કરે છે. એટલે પોતાને વધુ સારો કે વફાદાર મિત્ર સિદ્ધ કરવાના પ્રયાસો વધી જાય છે. જોકે, એ વાતની કોઇ ગેરંટી નથી હોતી કે આવા પ્રયાસો વાસ્તવિક મિત્રતાને જાળવી જ રાખશે. આવનાર ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મૈત્રી ઉપર અનેક સંદેશાઓ અને ઉપદેશો મોબાઇલ પર મળ્યા કરશે, પણ વાસ્તવિક માનસિક સ્તરે એનાં પરિમાણો અને ગતિશીલતા કંઇક જુદાં જ હોય છે. સાચા સહ્રદયી મિત્રોને ક્યારેય આવી ઇર્ષ્યા કે ચિંતા સતાવતી નથી. મૈત્રી ટકાવવાનું રસાયણશાસ્ત્ર પણ પ્રેમને મળતું આવે છે. બલ્કે પ્રેમ કરતાં પણ વધુ મોકળાશ અને હળવાશ એ સાચી મૈત્રીમાં જોવા મળે છે. મિત્રતામાં અધિકારપૂર્વકની મુક્તિ હોય છે. સાચો મિત્ર કોઇ અન્ય વ્યક્તિના નજીક આવવા કે જવાથી દૂર થઇ જતો નથી. સાચી મૈત્રીનું બંધન કુદરતી અને માનવસર્જિત બંને છે. કેટલાક સંબંધોનું આયુષ્ય પૂરું થાય તો જે તે વ્યક્તિની જીવનમાંથી એક્ઝિટ થતી હોય છે. આમાં એડજસ્ટમેન્ટ અને સ્વીકૃતિ એ એકમાત્ર ઉપાય છે, ઇર્ષ્યા નહીં. અરસપરસને મળવાની નિ:સ્વાર્થ ઝંખના રાખનાર તેમજ દુઃખને નિઃશબ્દપણે પારખી જનાર અને જીવનની અમૂલ્ય ક્ષણોનો આનંદ વહેંચવાની પરિતૃપ્તિ કરાવે તે જ સાચો મિત્ર. બાકી તો તાળી મિત્રો, લાઇક્સ મિત્રો, ઓળખાણ મિત્રો, સ્વાર્થ મિત્રો, જબરદસ્તીવાળા મિત્રો કે માથે પડેલા મિત્રોનો તોટો નથી. આ બધાંની વચ્ચે અવિરત આનંદનો ઓક્સિજન થઇ વિશ્વાસનો શ્વાસ બની સ્નેહ રગેરગમાં વહેતો હોય છતાં એનો ભારેખમ અહેસાસ કરાવ્યા ન કરે તેવો મિત્ર મળે તો ધન્ય માનજો. વિનિંગ સ્ટ્રોક : ઘણીવાર પરસ્પર લાગણીવાળા મિત્રો કુદરતી લોહીચુંબકની જેમ મળી જ જતા હોય છે, એના માટે પ્રયત્ન કે ઇર્ષ્યા કરવા પડતાં નથી. આવનાર ફ્રેન્ડશિપ્સ-ડે ની શુભેચ્છાઓ.⬛ drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...