ઈશ્વર પાસે જો માંગવું જ હોય તો શું માંગી શકાય? ધન, સંપત્તિ, આરોગ્ય, સંતાન, ગાડી, બંગલા, જમીન, જાયદાદ... હજુ આ યાદીની શરૂઆત છે. ઈચ્છાઓ લોભમાંથી જન્મે છે. લોભને કોઈ થોભ નથી. સુખની શોધ આખી જિંદગી કરીએ, પણ જ્યાં છે ત્યાં શોધતા નથી. ક્યારેક ઈશ્વરને પણ રાજી રાખવા માટે સારા વિચાર માંગીએ, સારા સંસ્કાર માંગીએ, કોઈનું ખરાબ ન કરીએ એવાં આચરણ માંગીએ, મારા લીધે કોઈને દુ:ખ ન થાય, મારાથી કોઇની હિંસા ન થાય. આવું પણ માંગી શકાય, પણ આ બધાંની આપણે ક્યાં જરૂર છે. સંસારની તમામ સુવિધા મને મળો, બસ આ જ આશાએ જીવીએ છીએ. ખરેખર આપણી પાસે કેટલા રૂપિયા હોય તો સુખી કહેવાઈએ? કોઈ આંકડો નક્કી થઈ શકે? કે કોઈ એક આંકડા પર અટકી શકીએ? ના! હરગીઝ નહીં. જ્યારે એક આંકડા પર અટકી નથી શકતા એટલે જ જાતે દુ:ખી થઈને કે અસંતોષી રહીને બીજાને પણ સુખ લેવા દેતા નથી. એકના બે કાળાને ધોળા કરવામાં જીવન વ્યતીત થઈ જાય છે. જ્યારે સમજાય ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. ખોટી દિશાની દોડ ક્યારેય સુખ આપી શકતી નથી. એક ખૂબ જૂની વાર્તા યાદ આવી કે એક રાજાએ પોતાની રાજસભામાં એક વ્યક્તિને બોલાવીને કહ્યું કે ‘તને જમીન જોઈએ છે?’ એ વ્યક્તિએ કહ્યું કે ‘હા મહારાજ! આપો તો આપનો આભાર માનીશ.’ રાજાએ કહ્યું કે ‘આવતીકાલે સવારે સૂર્ય ઊગે ત્યારથી કરીને સાંજે આથમે ત્યાં સુધી આપણા રાજની હદમાં તું જેટલા વિસ્તારમાં ચાલીશ કે દોડીશ એટલી જમીન તને આપી દઇશ, જા આ મારું વચન છે. મારા તરફથી બે ઘોડેસવાર તારી સાથે હશે. આપણે આવતીકાલે સાંજે ફરી પાછાં મળીશું.’ આ વ્યક્તિની તો ઊંઘ હરામ થઈ ગઈ. ક્યારે સવાર પડે અને દોડવાનું ચાલુ કરું! વહેલી સવારે સૂર્યોદય પહેલાં બે ઘોડેસવાર તેના ઘર પાસે આવીને ઊભા રહી ગયા. પેલો ભાઈ તો બસ સૂર્ય ઊગવાની રાહ જોઈને જ બેઠો હતો. સૂર્યનું પહેલું કિરણ દેખાયું અને તેણે દોડવાનું ચાલુ કર્યું. જેટલું દોડી શકાય, ચાલી શકાય તેટલા પ્રયત્નો કરવા લાગ્યો. ધોમધખતા તાપમાં પણ ખાવા કે પાણી પીવા પણ ઊભો ન રહ્યો. બસ ચાલવાનું અને દોડવાનું ચાલુ જ રાખ્યું. જેમ જેમ સૂર્ય ઢળવા લાગ્યો તેમ વધારે મેળવવા દોડ ચાલુ જ રાખી. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે એ એટલું દોડ્યો હતો કે ‘લાંબો લસ થઈને ઢળી પડ્યો.’ ઘોડેસવારે બાજુમાં જઈને જોયું તો તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. તેમણે રાજાને બોલાવ્યા. રાજાએ જોઈને કહ્યું કે ‘માણસને છ ફૂટ જમીન જોઈએ.’ સાર એટલો જ કે આખી જિંદગી કેટલો પણ લોભ કરીને, દોડીને ભૂખ્યા કે તરસ્યા ઉધામા કરીએ પણ અંતે તો ખાલી હાથે જ જવાનું છે. ગામડાંમાં સવારે જ્યારે વડીલો દાતણ કરવા બહાર ઓટલે બેસતા. ખૂબ ઘસીને દાંત સાફ કરતા. દાતણ ચીરીને તેમાંથી એક ચીરીથી જીભ પરની ઉલ ઉતારી, પાણીથી ધોઈને સૂર્યનારાયણને પગે લાગીને અરદાસ કરતા કે હે! સૂર્યનારાયણ અમને કોઈ દિ’ મોળા વિચાર ન આવવા દેતો. એવું બોલીને ચીરી ફેંકે ત્યારે જો બંને ચીરી ચત્તી પડે તો કહે હે! નાથ તેં મારી અરદાસ સાંભળી, રાજી થતા. આ વડીલોનો વારસો જેને મળ્યો હોય તે ક્યારેય કોઈનું અહિત ના કરે. સગવડતા ભોગવવા માટે સુખને ત્યાગી દેતા માનવીઓ માટે આ સંતોષ પ્રેરણાદાયી છે. ‘પહેલું સુખ તે જાતે નર્યાં, બીજું સુખ તે કોઠીએ જાર; ત્રીજું સુખ તે સુલક્ષણા નાર, ચોથું સુખ સંસ્કારી બાળ.’ આ જ સાચાં સુખ હતાં, પણ સુખની વ્યાખ્યા જ્યારે સગવડતામાં જ દેખાવા લાગી ત્યારે ખોટી દિશામાં અને દિવસભરની દોડથી ઊંઘ, આરામ, શાંતિ, મનગમતાં લોકો સાથે નિરાંતે વાતો કરવી આ બધાંને આપણે તિલાંજલિ આપી દીધી છે. અમે કેટલાં સુખી છીએ એ દેખાડવા માટે સાચી-ખોટી કમાણી પાછળ દોડાદોડીએ માણસનું સાચું સુખ છીનવી લીધું છે. કવિ કાગબાપુએ સરસ વાત કરી હતી કે ‘માણહ હખી થવા માટે કેટલો દખી થાય છે.’ ઊંઘ વેંચીને ઉજાગરો ખરીદ કરીશું તો અશાંતિ તેની સાથે મફતમાં આવશે. આ અશાંતિ અનેક પીડાઓને સાથે જ રાખે છે. તે પોતાનો મોટો પરિવાર ધરાવે છે, તેને લઈને જ આવશે. જે ક્યારેય તમને સાચા સુખની નજીક પહોંચવા દેશે નહીં. આ બાબતે ગામડું આજેય બચી શકે તેમ છે, જો આપણી પરંપરાને જાળવી રાખીએ. આપણી આજીવિકાનું જે કોઈ સાધન છે તેને જાળવી રાખીએ. લોભ કે લાલચમાં ખેંચાયા વિના તેને જાતે જ મજબૂત બનાવીએ.{ mavji.baraiya@adanifoundation.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.