ઓફબીટ:સુખ અને દુઃખનો ઓવરટાઈમ હોય?

અંકિત ત્રિવેદી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અઘરું કશું જ નથી. અશક્ય શબ્દમાં જ શક્યતાઓનો ભંડાર છે

વિષમ, આકરું, અઘરું, ઓશિયાળું– આવા શબ્દોથી જીવવાનું ફાવે જ કેમ? ધિક્કાર કરવો એના કરતાં પ્રેમ ચિક્કાર કરવો એ વધુ મૂલ્યવાન છે. આકાશ રોજ નીચે ઊતરે છે, આપણી આંખો સુધી અને રોજ ક્ષિતિજની આંગળી પકડીને ગુમ થઈ જાય છે. આપણા પ્રશ્નો આપણને મુબારક. દુનિયાને એમાં કોઈ રસ નથી! ઊલટાનું આપણે દુઃખી છીએ એવું સાંભળીને દુનિયાને વધારે આનંદ થશે. અહીંયા કોઈ સુખી નથી. બધાં પોતપોતાના સ્વભાવનાં કપડાં પહેરીને ઉદાસી જોડે સેલ્ફી પડાવવાની બાકી રાખે છે, બીજા કરતાં ઓછાં દુઃખી છીએ એવા વહેમમાં જીવીને આનંદને ઓછાવત્તા અંશે માણે છે. દરેકને બીજાના જેવી સાહ્યબી જોઈએ છે અને પોતાના જેવા પડકારો બીજાને આપીને જીવવું છે. દિવાળીમાં રંગોળી કેટલી સુંદર લાગતી હતી! નવું વર્ષ ઓસરતામાં જ એ જ રંગોળી ઝાંખી થઈ ગઈ. એને વાળીને ખૂણામાં ઢગલો કર્યો એટલામાં તો એનું અસ્તિત્વ કચરો થઈ ગયું. રંગો એકબીજામાં ભળી જાય પછી એનો કચરો થઈ જતાં વાર નથી લાગતી! કોક મોરપીંચ્છ એવું હોય જે રંગોમાં ઓગળ્યા પછી બધા જ રંગને એની લગની પાછી આપે છે. વિષમ સ્થિતિને વાગોળીને કે ઓશિયાળા બનીને જીવવાનો શું ફાયદો? આપણે આપણી ઉદાસીની પથારી છોડી જ નથી શકતાં! ન્હાયા પછી ઓફિસે જવાનો ઉન્માદ વીણી વીણીને ઘરના ખૂણામાંથી એકઠો કરવો પડે એ જ બતાવે છે કે આપણે ઘરમાં પણ પૂરેપૂરું જીવ્યા નથી. અઘરું કશું જ નથી. અશક્ય શબ્દમાં જ શક્યતાઓનો ભંડાર છે. જીવનના દરેક તબક્કા અઘરા નથી જતા હોતા! જે અનુભવ ધીરજ પાસે છે એ જ અનુભવ આવડત પાસે પણ છે. બિચારા થઈને જીવવામાં દુનિયા થોડાક દિવસ દિલાસાઓથી મદદ કરશે. પછી તો પોતાના જ કામમાં લાગી જશે. બધાંને આપણે રોજબરોજ તક આપીએ છીએ. આપણા સંબંધોને, આપણા ઋણાનુબંધને, અન્નજળને અરે, દુશ્મનોનું પણ ધ્યાન રાખીને જીવીએ છીએ. ક્યારેય આપણે આપણને તક આપી ખરી? ક્યારેય આપણી જાતને એકલામાં વખાણી ખરી? જે સારપ આપણામાં છે એને આપણી મજબૂતાઈ બનાવીને આગળ વધારી? પ્રત્યેક પળ જો પડકાર લાવે છે તો એ જ પળ એ પડકારનું રિઝલ્ટ પણ હાથમાં જ રાખે છે. સુખી થવું આપણા હાથની વાત છે. સુખી થવા માટે બીજા ઉપર આધાર રાખવો એ પળથી જ દુઃખી થવાની શરૂઆત છે. સુખ અને દુઃખ ક્યારેય ઓવરટાઈમમાં માનતાં નથી. એ તો એમનો સમય પૂરો થયે કહ્યા વગર ચાલ્યા જાય છે. આપણી માન્યતાઓ અને ભ્રમણાઓ આપણા ખભાને વજનદાર બનાવે છે. આપણી શંકા આપણામાં નહીં દેખાતી લંકામાં આપણને ફેરવે છે. નફીકરા ન બનીએ તો સારું પણ થોડાક બિન્દાસ્ત બનવાનું! ટાઈમટેબલને આનંદ આવે એમ એની બહાર જઈને જીવવાનું! નદીઓ વતી વહેતાં હોઈએ એમ એના કિનારે બેસીને હૈયાને બિરદાવવાનું! આપણે આપણા ઘરના સરનામાને ટપાલ લખ્યા વગર મનમાં ગણગણવાનું! ડોરબેલ વગાડીને મહેમાનની જેમ જ આપણા ઘરમાં આવવાનું! ⬛ ઑન ધ બીટ્સ ફકીર છે એ નફિકરો તો રહેવાનો, નદી સરીખો વાંકો ચૂંકો તો વહેવાનો. - ગાયત્રી ભટ્ટ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...