આ પણી જૂની ન્યાય પરંપરામાં એક સર્પરજ્જુ ન્યાય આવે છે જેનો મતલબ થાય અંધારામાં દોરડું પણ સાપ જેવું દેખાય છે...અને આપણે પાછા એનાથી છળી પણ મરીએ, કેમકે સહુને ભય હોય છે મૃત્યુનો...(અને મરવું તો કોને ગમે?) જોકે, મૃત્યુથી પણ વધારે બીક જીવનથી લાગવા માંડે એ પરિસ્થિતિ ઊભી થાય તો શું સમજવું? મિત્રો, આપણે રોજ છાપામાં વાંચીએ છીએ કે પરીક્ષામાં નાપાસ થતા યુવકે ગળાફાંસો ખાધો, ઠપકાથી માઠું લાગી આવતા વખ ઘોળ્યું, ઇત્યાદિ, ઇત્યાદિ. આપણી સહનશક્તિ કેટલી આછી થઈ ગઈ છે નહીં? આવા સમયે મારે તમારી સામે એક દૃશ્ય મૂકવું છે. એક સાવ નાના ગામડા પાસેથી પસાર થતો અસવાર જુદી જ જાતના સૂર સાંભળીને થંભી જાય છે. અવાજની દિશામાં જાય છે તો એક સ્ત્રી જંગલનાં ઝાડવાં તો શું પણ પાણેપાણા કળેળી ઊઠે એવા હૃદયદ્રાવક મરશિયા ગાય છે. જુવાન અસવાર ક્યાંય સુધી સાંભળી જ રહે છે અને પછી હળવે રહીને પેલી સ્ત્રીને વિનંતી કરે છે... ‘હેં માડી, તમે મારા મરશિયા નો ગાવ?’ ‘અરે બેટા, મારો તો જુવાન દીકરો પાછો થ્યો એના મરશિયા ગાઉં છું...તને માતાજી ક્રોડ દિવાળીનો કરે...જીવતા માણસના મરશિયા થોડા ગવાય?’ ‘માડી, હુંય જાઉં છું ધીંગાણે... ગઝનીની સેના ઉત્તરમાંથી આવી છે પાટણના પાદરે...હુંય સોમનાથદાદાની સખાતે શીશ સોંપવા જાઉં છું, એવામાં અંતઘડીએ જો આવા મીઠા મરશિયા તમે ગાવ તો મારું મોત સુધરી જાય.’ દોસ્તો, વાત જૂની જરૂર છે, પણ એની પ્રાસંગિકતા આજેય અકબંધ છે. સોમનાથના પ્રાંગણમાં આજે પણ જેનું પૂતળું વીરતાની સાક્ષી પૂરતું ઊભું છે એ હમીરજી ગોહિલ, અરઠીલા એટલે આજના લાઠીનો એ રાજપૂત યોદ્ધો...એવું તો ક્યું તત્ત્વ એના વ્યક્તિત્વમાં હતું કે મોતની સામે ન માત્ર એ ડગ ભરે પણ પોતાના મરશિયા સાંભળવા જેટલી મરણને ભેટવાની અદ્્ભુત તૈયારી...આપઘાત અને સમર્પણ વચ્ચે બસ આટલો જ ફર્ક હોય છે. એકમાં સંજોગો સામે ઝૂકી જવાની લાચારી તો બીજા છેડે જીવલેણ સંઘર્ષોમાં પણ રમી લેવાની એષણા... એકમાં દુઃખના ભારથી તૂટી ગયેલું અસ્તિત્વ તો બીજામાં દુઃખને ભરી પીવાની મર્દાનગી... હમીરજી ગોહિલ નામનું સોરઠી ઇતિહાસનું એ પાનું આપણને વિચારવા મજબૂર કરે છે કે નાની નાની વાતોને મોટું સ્વરૂપ આપવામાં આપણે ક્યારેક જીવન જેવી અમૂલ્ય ભેટને વેડફી કેમ શકીએ?? આપણી લોકકથા/ઇતિહાસના બધા હીરોના જીવનપ્રસંગો મોટિવેશનનો મહાધોધ છે. આપણે ત્યાં મોટિવેશન માટે એક પ્રચલિત ટીકા એવી થાય છે કે એ બધી વાતો સાંભળવામાં સારી લાગે, એનાથી રિયલ લાઈફના પ્રશ્નોનું સોલ્યુશન ન મળે! વાત આંશિક રીતે સાચી હોવા છતાં અધૂરી છે. મોટિવેશનનું મૂળ કામ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનું નથી પરંતુ એ સમસ્યાઓના ઉકેલ માટે વ્યક્તિને યોગ્ય રાહ ચીંધવાનું, એને પ્રેરણા પૂરી પાડવાનું છે. એ અર્થમાં હમીરજીના જીવનના કેટલાક પ્રસંગો મોડર્ન યુગમાં પણ એટલા જ પ્રસ્તુત છે. મહમૂદ ગઝનીનો સેનાપતિ ઝફર ખાન જ્યારે હમીરજીની સામે સોમનાથદાદાના પ્રાંગણમાં રૂબરૂ થાય ત્યારે હમીરજીને ગઝનીની વિશાળ સેનાનો પણ ખ્યાલ છે અને તેમની તાકાતનો પણ પરિચય છે. હમીરજી સારી રીતે જાણે છે કે આ યુદ્ધમાં વિજય થશે કે નહીં એ નક્કી નથી, પણ વીરગતિ પ્રાપ્ત થવાની એ અનિવાર્ય છે. આવા સમયે હમીરજી એવું વિચારે? કે આવું ‘લોસ્ટ કોઝ’ જેવું યુદ્ધ શા માટે લડવું જ જોઈએ, તો? હમીરજી એવું નથી વિચારતા કે આવી હાર અને મૃત્યુ બંને ખમવા કરતાં શા માટે મોત મીઠું ન કરવું? પણ આ જ તો ફર્ક છે...ફાઇટ અને ફ્લાઇટ વચ્ચેનો! યાદ રહે દોસ્તો, હીરો એ નથી જેની પાસે અપાર શક્તિઓ છે; હીરો તો એ છે જે તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ લડાઈ નથી મૂકતો. હમીરજીએ એ જ રસ્તો અપનાવ્યો અને આપઘાત કે હાર કે એવા કોઈ નબળા વિચાર કર્યા વગર પોતાના લોહીની છેલ્લી બુંદ સુધી શસ્ત્રો ચલાવ્યાં અને મહમૂદ ગઝનીની સેનાનો મુકાબલો કર્યો. યાર, મોત જેવી ભયંકર બાબત સામે કેટલી સહજતાથી સામનો કરી રહેલા એ હમીરજીમાંથી આપણે એટલી પ્રેરણા તો લઈ શકીએ કે ઓછા માર્ક્સ, પરિવારના પ્રશ્નો, બિઝનેસની ખોટ, કરિઅરની નિષ્ફળતા જેવી ‘ટેમ્પરરી’ બાબતો સામે તો આપણે લડી જ શકીએ. આપણા પ્રેમ કેટલા તકલાદી થઈ ગયા છે! નાનાથી લઈને મોટી વાતોમાં છૂટાછેડાના નિરંતર વધતા બનાવોની સામે વાત છે એક જ રાત્રિના સાયુજ્યની...રાજલ નામની એ ભીલ સરદાર વેગડાની દીકરી તો આજના સમયમાં કેટલી પ્રસ્તુત છે! સોમનાથની સખાતે જતા હમીરજી ગોહિલ એ કન્યા સાથે મંગળફેરા ફરે છે ત્યારે પણ એ દીકરીને પાક્કી ખબર હતી કે: પરણતા મેં પેંખિયો, મૂછાં તણી અણી હું તો લાંબી પેરશા, જદ પહેરશે ઘણી. (ફેરા ફરતી વખતે જ મારા ભરથારની મૂછની અણી પરથી મને ખ્યાલ આવી ગયો કે મારે તો વિધવાનો પોશાક પહેરવાનો જ છે પણ એ પહેલાં ઘણી સ્ત્રીઓને પહેરવી પડશે; એટલે કે, મારો પતિ પોતે ખપી જતાં પહેલાં ઘણા દુશ્મનોને મોતને ઘાટ ઉતારશે.) રાજલને ખ્યાલ જ છે કે વળતી જ સવારે હમીરજી ગઝનીની વિશાળ સેના સામે લડવા જશે અને તેની શહાદત નિશ્ચિત છે તે છતાં એ બહાદુર કન્યા કોઈ જ ખચકાટ વગર હમીરજી સાથે લગ્ન કરે છે. આવું વિચારવા માટે પણ રૂંવાડે રૂંવાડે બલિદાનની ભાવના હોવી જોઈએ. એ કન્યા કોઈ જ ભણતર વગર પણ ‘લગ્ન એ બે આત્માઓનું પવિત્ર મિલન છે’ એ ભારતીય સમાજને આત્મસાત કરી ચૂકેલી. ભારતના બહુધા શાસકોએ જ્યારે મહમૂદ ગઝનીને યા તો માર્ગ આપવાનું પસંદ કર્યું અથવા તટસ્થ રહેવાનું પસંદ કર્યું ત્યારે સાવ ખોબા જેવડા રાજ્યનો એ યોદ્ધો હમીરજી ગોહિલ એવું નહીં વિચારે કે આ મોટાં મોટાં રાજ્યો જ્યારે સંઘર્ષ ટાળે છે ત્યારે મારા જેવા નાના રાજ્યએ શું કામ ઉછીની આફત લેવી જોઈએ. આ હોય છે સાચા લીડરનાં લક્ષણ... બીજા પર જવાબદારીઓ ઢોળી દેવી કે પોતાની જવાબદારીમાંથી છટકી જવાનાં બહાનાંઓ નથી આપતા હમીરજી ગોહિલ...કોઈનો સાથ ન મળે ત્યારે તત્કાલીન સમાજમાં ઉપેક્ષિત ગણાતા ભીલ સમાજનો સાથ સામેથી માંગતા ખચકાતા નથી. (એ જ સંધિના ભાગ રૂપે તેઓ રાજલ સાથે લગ્ન પણ કરે છે.) સમાજના સહુથી છેવાડાના સમૂહને પણ પોતાની સાથે જોડવાની આ ક્વોલિટી જ હમીરજીને એક આદર્શ લીડર તરીકે સ્થાપિત કરે છે. મહમૂદ ગઝનીની સેનાને હમીરજીના મુઠ્ઠીભર સૈનિકો અને વેગડા ભીલના બરકંદાજ ભીલ બાણાવળીઓ બરાબરની ટક્કર આપે છે અને હમીરજી સહિત એ તમામ વીરો શહાદત પામે છે. હમીરજી યુદ્ધ તો હારી ગયા એ સહુ કોઈ જાણે છે પણ એ ઇતિહાસનાં પાનાંઓ કેટલીય પેઢીઓને એ સંદેશ આપવા માંગે છે કે હાર-જીત કરતાં મહત્ત્વનું હંમેશાં એ રહેશે કે એક યોદ્ધો યુદ્ધ કેવી રીતે લડેલો! અને હા, સોનબાઈ નામની પેલી ચારણ સ્ત્રીએ રણમેદાનમાં આવીને હમીરજીની અંતિમ ઈચ્છા પૂરી કરતાં મરશિયા ગાયા પણ ખરાં! એની વાત ફરી ક્યારેક...{ sairamdave@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.