અંદાઝે બયાં:સાવકાં સરનામાં હમ તો હૈ પરદેસ મેં…

સંજય છેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ સૌથી અઘરી ભાષા છે, મૌન. (છેલવાણી) 27-28 વરસ પહેલાં હું જ્યારે ‘નુકક્ડ-2’ સીરિયલ લખતો હતો ત્યારે મારી સાથે એક લેખક હતો જે ફિલ્મોની વાર્તા લઇને ઠેર ઠેર ધક્કા ખાતો. 1-2 વરસ પછી અચાનક મોડી રાતે એનો ફોન આવ્યો ને એણે કહ્યું કે એ કાયમ માટે કેનેડા જઇ રહ્યો છે. મેં અભિનંદન આપ્યા. તો એણે કહ્યું, ‘ના, હું હારીને જઇ રહ્યો છું. આ એક પરાજિત માણસની કથાનો અંત છે…આઇ એમ અ ફેલ્યોર! ત્યાં કોઇ નાની મોટી નોકરી કરીશ ને ચૂપચાપ ગુમનામ જીવી લઇશ..’ આટલું બોલીને એનો અવાજ ભારે થઇ ગયો. મેં હિંમત આપવાનો પ્રયત્ન કર્યો, પણ એણે ફોન કાપી નાખ્યો. એ ભારે ક્ષણ પછી મેં એનો અવાજ ફરી ક્યારેય સાંભળ્યો નથી. અનેક લોકો અહીંથી થાકી-હારીને વિદેશ નોકરી-ધંધો કરવા જાય છે, તો કોઇ ખુશી ખુશી ભણવા જાય છે ને ત્યાં સેટલ થઇ જાય છે તો કોઇ 1-2 પેઢીથી ત્યાં જ વસેલાં હોય છે. એવા દરેક તો નહીં પણ ઘણાં લોકો ત્યાં ‘આઉટસાઇડર’ ગણાતાં હોય છે. હમણાં અમેરિકામાં કેલિફોર્નિયા પાસેના એક ગામમાં, એક શીખ પરિવારના 4 સભ્યોનું અપહરણ કરીને અમેરિકને બેરહમીથી મારી નાખ્યા, જેમાં 8 મહિનાનું બાળક પણ હતું! વળી હત્યારાનું નામ છે: ‘જિસસ!’ ગયા જૂન મહિનામાં કેલિફોર્નિયામાં અનેક ભારતીય સ્ત્રીઓ, જેમણે ચાંદલો ને ઘરેણાં પહેર્યાં હોય એમના પર વારંવાર હુમલા થયેલા. લેથન જ્હોનસન નામના શખ્સે 14 સ્ત્રીઓને ડરાવીને ઘાતક હુમલા કર્યા ને છેક હવે એ પકડાયો. એ જ રીતે અમેરિકાના જર્સી શહેરમાં 1970-80ના દાયકામાં, ‘ડૉટ-બસ્ટર્સ’ નામની ગેંગ હતી, જે માથે બિંદી કરનારી ભારતીય મહિલોનાં કપાળમાં ગોળી મારીને મારી નાખતી કારણ કે એ લોકો, ભારતીયોની વધતી સંખ્યા કે રંગદ્વેષને કારણે આવું કરતા. મારી એક આસિસ્ટન્ટ, ફિલ્મમેકર બનવા માગતી હતી પણ પછી કંટાળીને કોઇ સાઉથ ઈન્ડિયન સાથે ભાગીને, પરણીને ચેન્નઇ જતી રહી. થોડા સમય પછી અચાનક એનો ફોન આવ્યો કે એ અજાણ્યા શહેરમાં, અજાણ્યા પરિવારમાં ગૂંગળાતી હતી. મેં એને હિંદી-અંગ્રેજીમાં સાંત્વન આપવાનું શરૂ કર્યું તો એણે મને તરત અટકાવ્યો: ‘પ્લીઝ, તમે અંગ્રેજીમાં નહીં ગુજરાતીમાં વાત કરો ને. મહિનાઓથી મેં ગુજરાતી સાંભળી નથી. કંઇપણ બોલો પણ ગુજરાતીમાં બોલો. અહીંયા બધે જ તામિલ લોકો છે, ગુજરાતી સાંભળવા તરસી રહી છું!’ હું હલી ગયો! મારા ખ્યાલમાંથી જ નીકળી ગયેલું કે છોકરી, મૂળે ગુજરાતી છે! પોતાની ભાષાના શબ્દો.. એના ઉચ્ચારો.. એનો રણકાર... એ બધું કેટલું ઊંડુ હોઇ શકે એની મને પહેલીવાર અનુભૂતિ થઇ. ‘ઘરઝુરાપો’ શબ્દ કદાચ આનું જ નામ હશે? કવિ વેણીભાઇ પુરોહિતની એક વાર્તાનું નામ હતું: ‘સાવકાં સરનામાં.’ વિદેશમાં કદાચ અનેક લોકો આવાં સાવકાં સરનામે ટેવાઇને જીવી જતાં હશે. ઇન્ટરવલ હમ તો હૈ પરદેસ મેં, દેશ મેં નિકલા હોગા ચાંદ! દસેક વરસ અગાઉ, અમેરિકાના અલાબામામાં રસ્તે ચાલતા વડીલ સુરેશભાઇ પટેલને પોલીસે રોક્યા, કશુંક પૂછ્યું ને પછી બેરહેમીથી જમીન પર પટક્યા. પછી એ ભાઇ પેરાલિસિસગ્રસ્ત થઇ ગયા! એમનો વાંક શું? એ જ કે જગતના સૌથી તાકતવર દેશના પોલીસને, તેઓ અંગ્રેજીમાં જવાબ ન આપી શક્યા કે પછી ચામડીનો રંગ અલગ હતો એ? ગુજરાતથી ફોરેન પરણીને ગયેલી સ્ત્રી, ઘણીવાર બાથરૂમમાં શાવરનો અવાજ મોટો કરીને છાનાંછાનાં ધ્રૂસકાંઓ ભરી લે છે, જેથી ત્યાંનાં લાકડાંનાં ઘરોમાં અવાજ લીક ના થાય ને સાસરાંવાળાંને ખબર ના પડે! ‘અપ-રૂટેડ’ એટલે કે અહીંથી ઉખાડીને ત્યાં વાવી દીધેલા છોડવા જેવા માણસોને આપણે ક્યાં ખરેખર સમજી શકીએ છીએ કે પેલો ગોરો પોલીસવાળો સમજવા બેસે? એ જ અરસામાં ન્યૂ-જર્સીના કોઇ અમિત પટેલ નામના યુવાનની દુકાનમાં ઘૂસીને કોઇએ હત્યા કરી. પછી આપણાં મંદિરો પર લોહિયાળ લાલ રંગે ‘ગેટ-આઉટ’નાં સ્લોગનો લખવામાં આવ્યાં. આ બધું અમેરિકન સમાજમાં એ કેટલી હદે ચિંતાજનક છે એ ખબર નથી કે ત્યાંના ભારતીયો પર દયા ખાવાનો પણ જરાયે આશય નથી કારણ કે વિદેશમાં અનેક એન.આર.આઇ. લોકો સુખી છે જ…પણ નવાઇની વાત એ છે કે ત્યારે કે અત્યારે કોઇ ગુજરાતીઓની સંસ્થાએ બુલંદ અવાજ ઉઠાવ્યો નહીં ને કદાચ ઉઠાવ્યો હોય તોયે ક્યાંય દેખાયું-વંચાયું તો નહીં. શું આપણે માત્ર ગાંધી, ગાંઠિયા કે ગરબામાં જ ખુશ છીએ? ‘ટાવર ઓફ બાબેલ’ નામની હિબ્રૂ, બાઇબલ કથામાં- રાજા, પ્રજાને છેક સ્વર્ગ સુધી ઊંચો ટાવર બનાવવા માટે લલકારે છે. પછી એ રાજ્યનાં લોકો, મહામહેનતે સ્વર્ગને આંબતો ટાવર બનાવે છે ને પોતાને દુનિયાની શ્રેષ્ઠ પ્રજા; માનવા માંડે છે! ત્યારે ઇશ્વરને થાય છે કે હવે આ અભિમાની લોકો મને પણ નહીં ગણકારે ને મન ફાવે એમ વર્તશે. ત્યારે ઇશ્વર, એ લોકોમાં સંપ તોડવા શ્રાપ આપે છે કે ‘ત્યાંનાં લોકો અચાનક એકબીજાની ભાષા સમજવાનું ભૂલી જશે!’ પછી કોઇને કોઇની વાત સમજાતી નથી. બધે બડબડાટ અને ગેરસમજણો ઊભી થાય છે. છેવટે સૌ લડી-ઝઘડીને, મારકાટ પછી છૂટાં પડી જાય છે ને દુનિયાના અલગ અલગ ખૂણે જઇ પોતપોતાની ભાષાવાળી દુનિયા રચે છે. માણસજાત શું ‘ટાવર ઓફ બાબેલ’ની દિશામાં જઇ રહી છે? એન્ડ ટાઇટલ્સ આદમ: મારી વાત સમજાઇ? ઈવ: ના, પણ ફરી ના કહેતો.{ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...