કિંગ અને શર્લી જેક્સનની વચ્ચે એક સામ્યતા છે. આ દિગ્ગજ લેખકોના પ્રિય લેખકનું નામ એચ. પી. લવક્રાફ્ટ છે. લવક્રાફ્ટનું આખું નામ હાવર્ડ ફિલિપ્સ લવક્રાફ્ટ. હમણાં જ આવેલી ગુઈલેર્મો ડેલ ટોરોની કેબિનેટ ઓફ ક્યુરિયોસિટીમાં તેમની ટૂંકી વાર્તા ‘પીકમેન્સ મોડલ’ પરથી પચાસ મિનિટનો એપિસોડ બન્યો. એપિસોડ જોયા પછી એ વાર્તા વાંચવાનો ધક્કો લાગે જ છે. વાર્તા હોરર છે. સમજવી આકરી થઈ પડે એવી. આરંભ ચકિત કરી દે એવો અને પછી હવે શું થશે તેની રોમાંચકારી સફર. એમની જ બીજી વાર્તા ‘ડ્રિમ્સ ઓફ વિચ હાઉસ’ પરથી પણ એક એપિસોડ નિર્માણ પામ્યો છે.
એક વાર્તા મનુષ્યનો કલા પ્રત્યેનો અહમ દર્શાવે છે જ્યારે બીજી વાર્તા ગૂઢ જિજ્ઞાસા. આ બંને વાર્તાઓમાં એક વસ્તુ એકસમાન છે. ત્યાં કંઈક છે એવું જાણવાની અગમ્ય ઘેલછા! આ ઘેલછામાંથી વિઘ્નનો ઉદ્દભવ થાય. પીકમેનની ધૂન નવા આવેલા ચિત્રકારના સર્જન પાછળનું રહસ્ય જાણવાની છે અને ‘ડ્રીમ્સ ઓફ વિચ હાઉસ’નો નાયક તેની એકાએક અલોપ થયેલી બહેનની ભાળ મેળવવા ચાહે છે.
હવે થોડી વાત સર્જક લવક્રાફ્ટની. સૂર્યાસ્ત થાય ત્યારે જ તેઓ ઘરની બહાર નીકળતા હતા. દિવસ અડધો પતી જાય ત્યારે તેઓ ઊંઘતા હતા. શરીર એકદમ પાતળું અને સાગના સોટા જેવું. ચહેરો હળદર જેવો પીળો. તેની જનેતાએ તેને નાનપણમાં વિચિત્રની ઉપમા આપી દેતાં કહ્યું હતું કે તારે ઘરની અંદર જ રહેવું, જેથી લોકો તને જોઈ ન શકે.
ધ ગાર્ડિયનના ડેપ્યુટી એડિટર શ્રીમતી શાન કેને તેમના વિલક્ષણ જીવન પર સંશોધન કર્યું છે. એમણે પોતાની જિંદગી દરમ્યાન કુલ એક લાખ પત્રો લખ્યા હતા. પરિવાર, મિત્રો સિવાય જેમને લખવાનો શોખ હોય એ નવોદિતો સાથે તેમણે શૈલી, વિષયો અને પાત્રોને લઈ અઢળક પત્રવ્યવહાર કર્યો હતો. એમના મૃત્યુ પછી તેમની પત્ની સોનિયા લવક્રાફ્ટે ધડાકો કરેલો. પત્નીએ કહ્યું હતું કે લગ્ન પૂર્વે લવક્રાફ્ટે સેક્સ કેવી રીતે કરાય આ માટે પુસ્તકો ખરીદીને વાંચ્યાં હતાં!
જોકે, આજે એમના વિવાદિત જીવનની નહીં પરંતુ લેખન પર આપેલા તેમનાં વિધાનોની ચર્ચા કરવી છે. ‘રાઈટિંગ ઈન ધ યુનાઈટેડ અમેચ્યોર 1915-1922’ નામના પુસ્તકમાં લવક્રાફ્ટ પોતાની લેખનશૈલી વિશે ખુલીને વાત કરે છે. આ પુસ્તકમાં તેઓ પોતાનું લેખન, નવોદિતોનું લેખન અને અન્ય લેખકોના લેખનનું તુલનાત્મક અધ્યયન કરે છે. તેઓ માત્ર ટેકનિક પર ભાર નથી મૂકતા. તેમનું માનવું છે કે લેખકે માત્ર ટેકનિકના ધોરણોથી સંતુષ્ટ ન થવું જોઈએ. બધું વાંચવું જોઈએ અને જે વ્યક્તિ સાહિત્યમાં કશું શીખવા માગે છે તેને આમ કરતા અટકાવવો પણ ન જોઈએ. સાહિત્યનો કોઈ પણ જડ નિયમ હોય એ કંઈ કામનો નથી જ્યારે સ્વયં લેખક માર્ગદર્શક બની ઊભરી આવે. સારા લેખકોની સૂઝબૂઝનો ઉપયોગ કરવામાં આવે તો લેખનના નિયમો તેની સમક્ષ કંઈ નથી.
આ માટે લવક્રાફ્ટ એડિસન અને ઈરવિનના લખાણોની વાત કરે છે. જ્યારે કોઈ પુસ્તકનું વિવેચન થાય છે ત્યારે લેખકની શૈલી કેવી છે એ કેન્દ્રનો મુદ્દો બને છે. એ સમયે કેટલાક અંગ્રેજી લેખકો શૈલી વિશે માહિતી મેળવવા વિવેચકોએ આપેલા મંતવ્ય પર આધાર રાખતા હતા. લવક્રાફ્ટ આ વાતનો કડક શબ્દોમાં વિરોધ કરવા લાગ્યા. તેમનું માનવું હતું કે એડિસન અને ઈરવિનના લખાણોનું માત્ર એક પાનું વાંચી જવામાં આવે તો શૈલી વિશે વિવેચકોએ તારવેલી માન્યતાઓનો ભાંગીને ભૂક્કો થઈ જાય છે.
હવે છેલ્લાં કેટલાંય વર્ષોથી, દરેક ભાષામાં અને ખાસ તો ગુજરાતી ભાષામાં વિસ્તીર્ણ પામનારી લોકપ્રિયતાની વાત કરીએ. લવક્રાફ્ટને લોકપ્રિય સામાયિકો પસંદ નહોતા. એમનું માનવું હતું કે લોકપ્રિય સામાયિકો નફિકરી શૈલીને જન્મ આપે છે. એક એવી શૈલી જેની દરેક જગ્યાએ આકરા શબ્દોમાં આલોચના થવી જોઈએ. આ શૈલી એવા પ્રકારની છે જે સાહિત્યની શુદ્ધ શૈલીના આડે કાંટાળો માર્ગ બની ઉતરી આવે છે. તે વાચકના મનમાં સ્થાન ગ્રહણ કરી લે છે અને પછી હટવાનું નામ નથી લેતી. લવક્રાફ્ટ આ બીમારીની સર્વસામાન્ય ઔષધી પણ કરી આપે છે. તેઓ કહે છે કે જો સસ્તું સાહિત્યને લાભ આપવાનું વાચકો છોડી દે તો અને લેખનમાં તેનાં અનુકરણનો ત્યાગ કરી દે તો જ આ શક્ય છે.
લવક્રાફ્ટે સારું અંગ્રેજી કેવી રીતે લખવું એ માટે ધર્મને આશરો બનાવ્યો હતો. 1611માં પ્રકાશિત થયેલી કિંગ જેમ્સની બાઈબલને તેમણે વાંચવાનું કહેલું. આ માટે તેમનો મુદ્દો એ હતો કે સરળ પરંતુ સમૃદ્ધ અને પ્રભાવશાળી અંગ્રેજી માટે કિંગ જેમ્સની બાઈબલની બરાબરી કરવી મુશ્કેલ છે. ભલે તેની શબ્દાવલી અને તેનો કાવ્યાત્મક લય સાવ નજીવો હોય, પરંતુ જ્યારે કલ્પન અને લેખનમાં કંઈક વિચિત્ર આવવા દેવું હોય, જેનાથી હજુ સુધી દુનિયાનો પનારો નથી પડ્યો, તો આ માટે કિંગ જેમ્સ લિખિત બાઈબલ અમૂલ્ય જણસ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.