તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજકાલ અમદાવાદ સહિતનાં છ મહાનગરો અને નગરપાલિકાઓ, પંચાયતના એકમો સહિતની જગ્યાઓ પ્રચારના બેનરો સાથે ‘મોટા જંગ’ની તૈયારી કરતા દેખાશે. સામાન્ય નાગરિકને તો મતદાનનો દિવસ યાદ હોય, પણ જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, નથી લડી રહ્યા પણ સમર્થકો છે, રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો માટે એક્દમ સક્રિય થયા છે તે દર્શાવે છે કે તેમને માટે તો આ મોટો જંગ છે ને તે જીતવા માટેનાં બ્યૂગલો ફૂંકાઈ રહ્યાં છે. સંસદીય લોકશાહીમાં એક મહત્ત્વનો ભાગ પંચાયત રાજનો છે. છેક ગામડા સુધી સ્વ-શાસન ફેલાય તો જ લોકશાહીમાં તમામનો અધિકાર સ્થાપિત થાય અને તેનો અવાજ સંભળાય. કેન્દ્રીકરણના સામા છેડે વિકેન્દ્રીકરણ છે તે લોકશાહી માટે અનિવાર્ય છે, સંસદથી ગ્રામ પંચાયત સુધીની આ વ્યવસ્થા તંદુરસ્ત ભાગીદારી કરે તેવી ધારણા બંધારણમાં વ્યક્ત થઈ છે અને તેને માટે તમામ સ્તરે ચૂંટણીની વ્યવસ્થા છે. કોઈને યાદ હોય તો આપણા એક પૂર્વ મુખ્યમંત્રી સ્વ.બળવંતરાય મહેતા પંચાયત રાજ્ય માટેના પંચના અધ્યક્ષ હતા. રાજીવ ગાંધી ઇચ્છતા હતા કે પ્રભાવી વિકેન્દ્રીકરણ હોવું જોઈએ. દુર્ભાગ્યે આજે તેમના પક્ષમાં જ કેટલાક નેતાઓને લાગે છે કે પક્ષમાં જ બીજા કોઈનો અવાજ નથી અને પ્રમુખપદનો નિર્ણય થતો નથી. તેને માટે આ નેતાઓએ પત્ર પણ લખ્યો તેને મહિનાઓ વીતી ગયા! ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઇ રહી છે તેનો મૂળ ઉદ્દેશ તો સ્થાનિક નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળે તેવું શાસન બને એટલો જ છે. નાગરિક કરવેરા ભરે છે તેને પાણી, ગટર, સારા રસ્તા, આરોગ્યની સુવિધા અને પ્રશાસનમાં સરળતાથી તેના સામાન્ય કામ થાય એટલું જરૂરી છે. આ કામ સહેલું નથી એટલે દરેક વખતે પ્રજાજન તેની ફરિયાદો કરે છે તેનો ઉકેલ અમે લાવીશું એવી પક્ષો ખાતરી આપે છે. વર્તમાન ચૂંટણીમાં કોંગ્રેસે શપથ પત્ર જાહેર કર્યો, સ્થાનિક સ્તરે ક્યાંક ઢંઢેરાનો પ્રયોગ થયો છે. ભાજપ પાસે સંકલ્પ પત્રની પરંપરા છે. પોતાના વિચારક નેતા સ્વ. પંડિત દીનદયાળજીની પુણ્યતિથિ નિમિત્તે સામૂહિક સંકલ્પ પણ લીધો. જો એવું બને કે આ તમામ ઉમેદવારોને દીનદયાળજીએ દોરી આપેલા આદર્શ શાસનની પુસ્તિકા ‘એકાત્મ માનવ દર્શન’ અનિવાર્ય વાંચન માટે સૂચના આપી હોય તો તે પણ પક્ષના આદર્શો કઈ રીતે અમલમાં મૂકી શકાય તેની માર્ગદર્શિકા બની રહે. ભાજપ અને કોંગ્રેસ માટે આ સંઘર્ષ ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે પણ મહત્ત્વનો છે. ગુજરાતમાં ભાજપ તેની શક્તિ વિધાનસભાની પેટા ચૂંટણીમાં બતાવી ચૂક્યો છે. હવે આ સ્થાનિક મતદાનમાં તેવી તાકાત બતાવવા પક્ષનું સંગઠન અને મંત્રીઓ એક્દમ સક્રિય થઈ ગયા છે. પક્ષ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને અડગ વિશ્વાસ સાથે આશા દર્શાવી રહ્યા છે કે ભવ્ય વિજય મળશે. આમ થવું અનિવાર્ય પણ છે. દેશના બીજા ભાગોમાં આગામી દિવસોમાં મતદાન દ્વારા જે તીવ્ર જંગ થવાનો છે તેમાં આની અસર રહેવાની. ઉમેદવાર પસંદ થાય તે પહેલાં રસાકસી રહે તે સ્વાભાવિક છે. એક બેઠક પર વીસ જેટલા ઉમેદવારો પોતાનો દાવો કરે એ આજની સ્થિતિ છે. 1952 પછી એવા ઘણાં વર્ષો હતા, જ્યારે ભાજપના પુરોગામી જનસંઘે પોતાના તરફથી ઉમેદવાર બને તેની શોધ કરવી પડતી. કોંગ્રેસ પાસે જવાહરલાલ હતા. નેહરુ એટલે દેશ એવું કહેવામાં આવતું અને કોંગ્રેસનાં નિશાન પરથી એક સૂત્ર બન્યું હતું કે ‘બે બળદની જોડી, તેને કોઈ શકે ના તોડી’. આજે સમયચક્રના પૈડાની દિશા અલગ છે. ભાજપ પાસે તેના અવિચળ નેતા નરેન્દ્ર મોદી છે અને કાર્યકર્તાઓની મોટી જમાત છે. કેન્દ્ર અને બીજે તેનું શાસન છે. કેટલાક એવા પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે જે સામાન્ય રીતે ભારતીય રાજકારણમાં ઉકેલવા અશક્ય હતા. કાશ્મીરમાં 370મી કલમ છેક બંધારણ રચાયાના દિવસોથી દેશની એકતા માટે પ્રશ્નાર્થ બની રહી હતી અને કાશ્મીરમાં તેનો તમામ પ્રકારનો ફાયદો પ્રાદેશિક પક્ષો ઉઠાવી રહ્યા હતા. કોઈ થોડીક પણ વાત કરે તો ફૂંફાડો કરતા કે અમે સ્વતંત્ર કાશ્મીરની લડત કરીશું. પાકિસ્તાનથી આતંકવાદીઓ આયાત થતા રહ્યા અને પંડિતોને તો હાંકી જ કાઢવામાં આવ્યા. પાકિસ્તાન કેટલાક દેશોનો ટેકો મેળવીને કાશ્મીરના વિવાદને કાયમ સળગતો રાખવાની કોશિશ કરી રહ્યું છે. આ સંજોગોમાં કલમ 370ને વિદાય આપવાનો સંસદમાં નિર્ણય લેવાયો તેની અસર સમગ્ર દેશના નાગરિકો પર પડી છે. ગુજરાતના મતદારોના દિમાગમાં તેનો પ્રભાવ છે. આવું જ ત્રણ તલાકના જુલમી રિવાજને સમાપ્ત કરાયો તેણે મુસ્લિમ સમાજની પીડિત અને વાચાહીન મહિલાઓની જિંદગીમાં રાહત આપી તે નિર્ણયની ખાસ્સી અસર છે. છેલ્લે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ ભાજપના સમર્થનમાં એક વધુ ઉમેરણ છે. બેશક, આ રાષ્ટ્રીય મુદ્દાની અસર તો રહેવાની જ, પણ તેથી સ્થાનિક વિકાસના પ્રશ્નોનું મહત્ત્વ ઘટી જતું નથી. આવડા મોટા પ્રશાસનમાં ક્યાંક કાણાં અને ક્યાંક બાંકોરા હોય જ. તેને વધુ બગાડવાનું કામ સ્થાનિક ભ્રષ્ટાચાર કરે છે. એકલા અમદાવાદમાં જુઓ તો સૌથી મોટી સમસ્યા આરોગ્યની છે. અવૈધ વસાહતોમાં અને બીજે જે ગંદકી ફેલાઈ રહી છે તે રોગચાળા માટે કારણ બને છે. પશ્ચિમ કે પૂર્વ તેમાં કોઈ ભેદ નથી. આવા બીજા સવાલો પણ છે. તેના ઉકેલ માટે પણ રાજકીય ઇચ્છાશક્તિ હોવી જોઈએ. અન્યથા ઉમેદવારો જીતશે. પાંચ વર્ષ કોરોપ્રેશનની સત્તા ભોગવશે. મેયર, ડેપ્યુટી મેયર અને બીજા હોદ્દા ભોગવશે, થોડુંક કામ કરશે અને વધુ બાકી રહેશે. ખરેખર તો આ વર્ષો જલદીથી અને મોટા ભાગની પ્રજાકીય સમસ્યાઓનો ઉકેલ લાવવાના છે. {vpandya149@gmail.com
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.