નીલે ગગન કે તલે:ગુજરાત મોરી મોરી રે

મધુ રાય15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી ધુરા સંભાળ્યા પછી પણ ડો. દેવે પોતાના દરદીઓને તપાસવાનું ચાલુ રાખેલ છે

જ્યારથી પેન્ડેમિકની પનોતી બેઠી છે, ત્યારથી અમેરિકાના ન્યુ યોર્ક–ન્યુ જર્સી વિસ્તારમાં તમે ટીવી ખોલો કે ધડામ કરતા એક દિવસની દાઢી ઉગાડેલા એક શરમાળ ગુજરાતી ભાઈ તમારા દીવાનખાનામાં પધારીને દિવસમાં સાત વાર તમને સમજાવે છે કે ભલામાણસ રસી મુકાવો ને મોઢે માસ્ક પહેરો આદિ આદિ. એ ભાઈ છે, ૪૦ની આસપાસના ડો. દેવ એ. ચોક્શી, ન્યુ યોર્ક શહેર આખાના ટોપમટોપ દાક્તર સાહેબ. ગગનવાલા આમ તો વિશ્વનાગરિક મીન્સ કે વર્લ્ડ સિટિઝન છે, મતલબ કે આપણે નાતજાત કે પ્રાન્તફ્રાન્તમાં માનતા નથી. પણ અમારે દીકરો ન હોવાથી ચોક્શી નામધારી જુવાન દાક્તરને જોઈને અમને પોતાનો દીકરો ન્યુ યોર્કની ટોપમટોપ દાક્તરી ગાદીએ આવ્યો હોય તેવી ગુદગુદી થાય છે, મનમાં ને મનમાં આશા બંધાય છે કે દાક્તર સાહેબ વખત છે ને આ છાપું વાંચતા હોય, ને ન્યુ યોર્ક સાઇડની ખાટીમીઠી વાતોવાળી અમારી આ કોલમેય વાંચતા હોય ને મુંબઈમાં તેમના સગા પેરેન્ટસને આઈએનટીના સરિતાબેનની એકોક્તિ પસંદ હોય કે ‘તારોયે વારો આવસે હિમાદરી, મારોયે ડંકો વાગસે...’ કેમકે દેવ સાહેબનો ડંકો વાગી રહ્યો છે, દિવસના સાત વાર, ભલામાણસ! અને અમે વિહ્વળ થઈને કાગળ લખેલો આ માનસપુત્રને કે સાહેબ, તમને મળવા આવું કે? તમારો ઓટોગ્રાફ આલશો કે? તમે ઘરમાં ગુજરાતી બોલો ખરા કે? તમે વેજિ કે નોનવેજ? અને હેં દાક્તર સાહેબ તમારું નામ સાચેસાચ દેવેન્દ્ર કે દેવાંશુ કે સમથિંગ લાઇક ધેટ હેં ને? ને દેવ એ. ચોક્શી એટલે ફાધરનું નામ ‘એ’ ઉપરથી હશે, યસ ને? આમ દેવભાઈ લગભગ 88 લાખ માણસોની વસતીવાળા સમસ્ત ન્યુ યોર્ક શહેરના હેલ્થ કમિશ્નર છે. કેમકે ન્યુ યોર્કના મેયર સાહેબના કહેવા મુજબ ડો. ચોક્શીએ પૂરમાં, વાવાઝોડામાં ને હવે આ પેન્ડેમિકમાં અસાધારણ ક્ષમતાથી લોકસેવાનાં ભગીરથ કાર્યો પાર પાડ્યાં છે. એમના દાદાજી ગુજરાતથી મુંબઈ સેટલ થયા અને એમના પિતાજીએ અમેરિકાની નવી દુનિયામાં કિસ્મત અજમાવવાનું સાહસ કીધું. ચિ. દેવનો જન્મ અને ઉછેર લુઇઝિયાના સ્ટેટમાં થયો. ત્યાંથી પેન યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી જેવી વિશ્વખ્યાત દાક્તરી વિદ્યાધામો પાર કરી દેવ સાહેબે ગ્વાતેમાલા, પેરુ, બોતસ્વાના, ઘાના અને ભારતમાં દાક્તરી સેવાઓ આપવાની તાલીમ લીધી. પ્રતિષ્ઠિત રોહડ સ્કોલરશિપ મેળવી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં વિશ્વની સ્વાસ્થ્ય સંહિતા વિષયમાં માસ્ટર્સ કીધું. અને ઓબામા સાહેબના અમલ દરમિયાન વ્હાઇટ હાઉસમાં આરોગ્ય વિષયક મુખ્ય સલાહકાર બન્યા. તે પછી કેટ્રિના હરિકેન વખતે લુઇઝિયાના રાજ્યની આરોગ્યવ્યવસ્થાનું પુનર્ગઠન કીધું અને સાર્વજનિક આરોગ્ય અને શુચિતા ક્ષેત્રે એક પછી એક ઊંચી પાયરીઓ ઉપરથી એમણે ઝળહળતી કારકિર્દી વિકસાવી. અને હવે આ હજાર માથાવાળા કોવિડ પેન્ડેમિકને નાથવા દાક્તર દેવ કાર્યરત છે. આ નવી ધુરા સંભાળ્યા પછી પણ ડો. દેવે બેલવ્યૂ હોસ્પિટલમાં પોતાના દરદીઓને તપાસવાનું ચાલુ રાખેલ છે, અને સમસ્ત ન્યુ યોર્કના હેલ્થ કમિશ્નર તરીકે નગર–દાક્તરની રૂએ કોવિડ મહામારીને ખાળવા પ્રયત્નશીલ છે. એમાંની એક ફરજ છે જનસાધારણ સન્મુખ થઈને સૌ સાથે વાત કરવી કે ભલામાણસ, માસ્ક પહેરો, છ–છ ફૂટનું અંતર રાખો, ને વેક્સિનેશન લો, તો આપણે આ દૈત્યનાં હજારેહજાર માથાંને જેર કરીશું, આ મહામારીને હંફાવીશું. કાગળ લખીને અમે રાહ જોઈએ છીએ, પણ એ તો સ્વાભાવિક છે, કે એમને એવી ફુરસદ ના હોય. પણ આપણે કાંઈ કમ નથી. આપણે બી એમને રોજ ટીવી ઉપર આવે ત્યારે હાથ લંબાવી જાણે ખોટેખોટા હાથ મિલાવી લઈએ, યાહ યાહ, સારું લાગે બે ઘડી. અને અમે એકવાર મનસૂબો કીધેલો કે એક દિવસ કોઈ શાહ, શુક્લા કે સોમચંદ નામે ચિરંજીવીનો ડંકો વ્હાઇટ હાઉસમાં ગાજતો હશે, ધનનન ધનનન! તે વાત સાચી પડી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંત્રીસભામાં હતા એક પાટીદાર કાશ પટેલ! તે કશ્યપકુમાર પ્રમોદરાય પટેલની કીર્તિગાથા હવે પછી! જય જય ફરવી ગુજરાત! ⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...