તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમયના હસ્તાક્ષર:રાજકીય મંચ પર ગુજરાત-બંગાળનું સાંસ્કૃતિક કનેક્શન?

3 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
 • કૉપી લિંક
 • ગુજરાત બંગાળની રાજકીય અને રાષ્ટ્રીય સંબંધોની એક પરંપરા છે, તેણે એકબીજાને વધુ નિકટ લાવ્યા છે

કેટલીકવાર રાજકીય તખતા પર સંસ્કૃતિ અને સાહિત્યની પણ આછી પાતળી ચર્ચા થઈ જતી હોય છે અને સામાજિક તો ખરી જ. શ્રીમતી ઇન્દિરા ગાંધી ગુજરાતના પુત્રવધૂ છે એમ કેટલીક સભાઓમાં કહેતાં ત્યારે નટખટ નેતા સુબ્રમણ્યમ સ્વામી પણ ચૂંટણી સભાઓમાં પોતાને ગુજરાતના જમાઈ ગણાવતા, કારણ કે તેમનાં પત્ની ગુજરાતી પારસી છે. મોહમ્મદ અલી ઝીણા તો પોતે જ કાઠીયાવાડના મોટી પાનેલીમાં બાપ-દાદા રહેતા હોવાથી અને પત્ની પારસી હોવાથી જુનાગઢ નવાબી રાજ્ય સાથે મૈત્રી સંબંધ રાખતા, પણ આ તો સામાજિક સગપણનું કારણ. એકબીજા સાથે દેશ અને પરદેશોમાં કોઈ ને કોઈ રીતે સાંકળતી સાંસ્કૃતિક કડી મળી આવે.

આવી એક વાત 24 ડિસેમ્બરે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના શતાબ્દી સમારોહમાં વડા પ્રધાને કરી કે ગુજરાતની સાથે બંગાળ અને મુખ્યત્વે ટાગોરનો સ્નેહ સંબંધ અતૂટ હતો તો મુખ્યમંત્રી મમતા બેનર્જી ભડકી ઊઠ્યાં. આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતની સાથેના સંબંધો વિષે નરેન્દ્ર મોદી કે અમિત શાહ કે ભાજપ વાત કરે તેનું રાજકીય સમીકરણ મમતાથી અધિક કોણ સમજી શકે? તુરત તેમણે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, એક તો મને આ સમારંભમાં આમંત્રણ નહોતું અપાયું અને વડા પ્રધાને ટાગોરના ગુજરાત સાથેના સંબંધોની વાતો કરી તેમાં ઘણી ભૂલો હતી. જોકે, વિશ્વ ભારતી યુનિવર્સિટીના કુલપતિએ લિખિત આમંત્રણ મોકલ્યું જ હતું તે પણ બહાર આવ્યું. ટાગોર અમદાવાદ અનેકવાર આવતા અને મોટાભાઇ સત્યેન્દ્રનાથને ત્યાં રહેલા. સત્યેન્દ્રનાથના પત્ની જ્ઞાનનંદિની દેવીએ જોયું કે ગુજરાતી મહિલાઓ સાડીનો પાલવ જમણા ખભે રાખે છે તો બંગાળમાં તેમણે સ્ત્રીઓને ડાબે નહીં, જમણે ખભે પાલવ વધુ સહજ બનશે એમ જણાવ્યુ હતું. સારું થયું કે ડાબેરી લિબરલ્સની હજુ આ વિધાન પર નજર નહીં ગઈ હોય. નહિતર એક નિવેદન કે લેખ ઠપકારી દીધો હોત કે જુઓ, આ જમણેરી નેતા મહિલાઓમાં ડાબો નહીં, પણ જમણો ખભો શીખવાડીને રાઈટિસ્ટ વિચારધારા ફેલાવવાની કોશિશ કરે છે!

પણ જો સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય-રાજકીય સંબંધોની ચર્ચા તો દૂર સુધી લઈ જાય છે. એકલા ગુરુદેવ ટાગોરની જ વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ પછી ગાંધી ભારતમાં આવ્યા ત્યારે સૌ પ્રથમ ક્યાં જ્વું તેની મથામણનો જવાબ તેમના મિત્ર દીનબંધુ એડ્રુઝે આપ્યો હતો કે પહેલા ટાગોર પાસે જજો. ગાંધી ગયા પણ ખરા. અને જે રીતે ટાગોરની વિશ્વ ભારતી દેશની ઉત્તમ યુનિવર્સિટી બની, એવું જ સાહસ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ તરીકે આકાર પામ્યું. આ વિદ્યાપીઠમાં અધ્યાપક આચાર્ય કૃપાલાણી ટાગોરના પુસ્તકો ભણાવતા. 1920માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં ગાંધીજીએ ટાગોરને આમંત્રિત કરેલા. અમદાવાદના લાલ દરવાજા પાસે તેમનું વ્યાખ્યાન અને વિક્ટોરિયા ઉદ્યાનમાં ‘ગાર્ડન પાર્ટી’ થયેલાં તે વિગતો શૈલેષ પારેખની નાની પુસ્તિકા ‘ટાગોર ઇન અમદાવાદ’માં છે. હવે સરદાર પટેલ સ્મારકમાં બદલાઈ ગયેલા, શાહીબાગસ્થિત શાહજહાંના મહેલમાં મોટા ભાઈ સત્યેન્દ્રનાથના નિવાસે રવીન્દ્ર આવ્યા ત્યારે ‘ક્ષુધિત પાષાણ’વાર્તા અહીં સૂઝી હતી.

ટાગોર હતા કવિ અને ગાંધીજી મહાત્મા. અસહકાર અને ચરખો ટાગોરની નજરે સમગ્ર પરિવર્તનમાં નિરર્થક હતો. બિહારનો ધરતીકંપ હરિજનો સાથેના વ્યવહારના પાપનું પરિણામ હતું એવું ગાંધીજી બોલ્યા તે સાવ અતાર્કિક છે એમ કહી ટાગોરે હસી કાઢ્યા હતા! ટાગોરના સાહિત્યનો મબલખ અનુવાદ ગુજરાતીમાં થયો તેની સંખ્યા પચાસ જેટલી થાય છે. મહાદેવ દેસાઇ, નગીનદાસ પારેખ, બચુભાઈ શુક્લ, નારાયણ દેસાઇ, ભોળાભાઈ પટેલ સહિત ઘણા લેખકો રવીન્દ્ર-પ્રેમી હતા. ભાવનગરના મહારાણી નંદકુંવર બાએ પણ ગીતાંજલિનો અનુવાદ કર્યો તે 1919માં પ્રકાશિત થયો હતો. જોકે, તે અનુવાદ કવિવર કાન્તે કર્યો હતો તેવી ચર્ચા છે. ટાગોરને નોબલ પરિતોષિક મળ્યું તેના મૂળમાં આપણા ગુજરાતી ક્રાંતિકારી બેરિસ્ટર સરદારસિંહ રાણા હતા તેની ભાગ્યે જ નોંધ લેવાય છે. પેરિસમાં તેમના નિવાસસ્થાને સાહિત્યકારોની બેઠકમાં તેમણે આ ભારતીય કવિનો પરિચય આપ્યો ત્યારે ગીતાંજલિ અનુવાદની રૂપરેખા ઘડાઈ હતી. સરદારસિંહ રાણાનો મૂલ્યવાન પુસ્તક સંગ્રહ વિશ્વ ભારતીમાં ઉપલબ્ધ છે. કુલપતિએ વડા પ્રધાનને તે બતાવ્યો હોત તો?

ગુજરાત બંગાળની રાજકીય અને રાષ્ટ્રીય સંબંધોની એક પરંપરા છે, તેણે એકબીજાને વધુ નિકટ લાવ્યા છે. અરવિંદ ઘોષ વડોદરા કોલેજમાં હતા અને ત્યાંથી લખેલી ‘ભવાની મંદિર’ પુસ્તિકાએ પછી અવનીન્દ્રનાથના ચિત્રકાર આત્માને પ્રેરિત કર્યો અને ભારત માતાનું ચિત્ર દોર્યું. સ્વાતંત્ર્ય સંઘર્ષમાં સક્રિય સૌને ભારત માતાકી જય પ્રાણસૂત્ર સાંપડ્યું. અરવિંદ ઘોષ કોંગ્રેસને વિનંતિપત્રની સંસ્થા ના બને તે માટે સક્રિય રહ્યા અને સુરત અધિવેશનમાં લોકમાન્ય તિલક સાથે રહીને ઉદ્દામ વિચારધારાને સ્થાપિત કરી હતી. વડોદરામાં બેસીને તેઓ બંગાળના વંદેમાતરમ અખબારમાં અગ્નિ સમાન લેખો લખતા. તેમના ભાઈ બારીન્દ્ર ઘોષે ચાંદોદ નજીક કરનાળીમાં ગંગનાથ વિદ્યાલયને સ્વાધીનતાની રણભૂમિ બનાવ્યું હતું. બંગાળથી આવેલા સ્વામી વિવેકાનંદ ગુજરાતભરમાં ફરીને ચેતના જગાવી હતી. સુભાષચંદ્ર બોઝ પહેલીવાર રાષ્ટ્રીય મહાસભામાં અધ્યક્ષ બન્યા અને જે અધિવેશન યોજાયું તે બારડોલી નજીકનું હરિપુરા ગામ. વલ્લભભાઇએ અધિવેશન નગરનું સમગ્ર આયોજન કર્યું હતું. તેમના ભાઈ પ્રખર સ્વરાજ્યવાદી વિઠ્ઠલભાઈ પટેલના ‘માનસિક પુત્ર’ સુભાષચંદ્ર બોઝ હતા, અંતિમ સમયે તેમણે સુભાષ બાબુને પોતાની મિલકતનું વસિયતનામું લખી આપ્યું હતું, પણ વલ્લભભાઇ અને પરિવારે અદાલતમાં જઈને તે રદ કરાવ્યું તેની ખબર મમતા બેનર્જીને નહીં હોય, નહિતર બંગાળ વિરુદ્ધ ગુજરાત દલીલનો મુદ્દો મળ્યો હોત! આમેય તે ભાજપ, મોદી અને શાહને ‘બહીરાગત’ (આઉટ સાઇડર ) ગણાવવાની લોકો સામે કોશિશ કરે છે, પણ સૌથી મહત્ત્વની વાત તો એ પણ છે કે આ ભાજપના પુરોગામી જનસંઘની સ્થાપના એક બંગાળી રાષ્ટ્રીય નેતા ડો. શ્યામાપ્રસાદે કરી હતી અને એ જ જનસંઘના એક વધુ રાષ્ટ્રીય પ્રમુખ આચાર્ય દેવી પ્રસાદ ઘોષ પણ બંગાળી હતા! ભારતની જીઓ-પોલિટિકલ અને જીઓ-કલ્ચરલ મહત્તા એજ છે કે બધા પ્રદેશો એકબીજાથી રાજકીય,આર્થિક અને સાંસ્કૃતિક રીતે અદ્્ભુત જોડાણ ધરાવે છે. vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો