તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યંગરંગ:ગોટલીનો મુખવાસ

ડો. પ્રકાશ દવે3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોટલીનો મુખવાસ એ ભારતમાં સૌથી વધુ ઝડપે વિકસી રહેલો મુખવાસ હશે. ઘણાં લોકો તો ગોટલીનો મુખવાસ બનાવવા જ કેરી ખરીદે છે. તેમનાં માટે કેરીનો રસ એ ગૌણ બાબત છે, મુખવાસ જ મુખ્ય છે. કેરીના વેપારીઓ પણ હવે કેરી જેટલું મહત્ત્વ ગોટલીને આપવા માંડ્યા છે. ગ્રાહક કેરીના ભાવમાં રકઝક કરે તો વેપારી તરત દલીલ કરે છે કે ભાવ ભલે બે રૂપિયા ઊંચો રહ્યો, પણ ગોટલીનો મુખવાસ મસ્ત બનશે અને ગ્રાહક પણ ઘેરથી ઊંચા ભાવ આપવા બદલ ઠપકો મળે એ પહેલાં જ જાહેર કરી દે છે કે આમાં મુખવાસ બને એવી ગોટલી નીકળશે. આ સાંભળી ઠપકો આપનાર ઠપકાની દરખાસ્ત પાછી ખેંચી લે છે. ગોટલીના સમયમાં ઘરના ફળિયામાં રમણીય દૃશ્યો જોવા મળે છે. સાહેબ બેઠાં-બેઠાં કપડાં ધોકાવવાનો ધોકો કે દસ્તો લઈને સુકાયેલી ગોટલી તોડવાનો ઉદ્યમ આદરી બેઠા હોય છે. મોટાભાગના કિસ્સામાં બે-ચાર ગોટલીઓ તૂટે ત્યાં સાહેબ સ્વયં તૂટી જતા હોય છે! ત્યાર પછી, ‘આઘા રહો, તમારું કામ નહીં ગોટલી તોડવાનું’ એમ કહી મેદાનમાં ખુદ ગબ્બર આવે છે! સાહેબે જેટલો સમય ચાર ગોટલી તોડવામાં લીધો હોય એટલા સમયમાં એ લગભગ ચાલીસ ગોટલી તોડી નાખે છે. અલબત્ત, ક્યારેક ધોકો અથવા દસ્તો અને અમુક કિસ્સામાં લાદી તૂટી જતી હોય છે. જેવા સાહેબના નસીબ! નુકસાન થવા છતાં ગોટલી તોડવાના પ્રયત્નમાં જેના હાથના ગોટલા ચડી ગયા છે એવા સાહેબ કશું બોલી શકતા નથી, કારણ કે ગોટલીનો મુખવાસ બનાવવાની મૂળ દરખાસ્ત એમણે કરી હોય છે. સાહેબ સતત એ ચિંતામાં હોય છે કે ગોટલીનો મુખવાસ થશે કે નહીં, જ્યારે બહેનને એવી ચિંતા હોય છે કે મુખવાસ બાજુવાળા ટીનાબહેનથી સારો થશે કે નહીં. અહીં એ નોંધવું જરૂરી છે કે ગોટલીવાળા બહેનને ટીનાબહેન સાથે કોઈ વેરભાવ કે સ્પર્ધા નથી, પણ સાહેબે ટીનાબહેનના ઘેર મુખવાસ ખાઈ આવ્યા પછી ઘેર આવીને, ‘તુંય ટીનાબહેનની જેમ ગોટલીનો મુખવાસ બનાવને!’ એવું શકવર્તી વિધાન કર્યું હતું. વળી, આ ઘટનાના બીજા દિવસથી ઘરમાં કેરી આવવાનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધી ગયું હતું! ‘આમ કે આમ ઔર ગુઠલિયોં કે ભી દામ’ એવી કહેવત આપણી બહેનોએ જીવનમાં ઉતારી લીધી છે. એટલે હવે ગોટલીની ખેર નથી! આપણી બહેનોનો આ ગોમુ (ગોટલીનો મુખવાસ) પ્રેમ જોઈને આગામી દિવસોમાં કૃષિ વૈજ્ઞાનિકો આંબાની એવી જાત વિકસાવવા મજબૂર બનશે કે જેની કેરીમાં રસ નહીં, માત્ર ગોટલી જ આવશે. ગોટલીના મુખવાસની સોશિયલ મીડિયા ઉપર પણ વ્યાપક અસર જોવા મળી રહી છે. આપણે ગોવર્ધન પર્વત વિશે જાણવું હોય અને સર્ચ કરવા ‘ગો’ એટલું ટાઈપ કરીએ ત્યાં ‘ગોટલીનો મુખવાસ બનાવવવાની રીત’ લખેલું આવી જાય છે. એટલે આપણે ગોવર્ધન પર્વત પડતો મૂકીને ગોટલીથી સંતોષ માનવો પડે છે. રસોઈની રેસિપી શીખવનાર પણ આ સીઝનમાં રોટલીને પડતી મૂકી ગોટલીની ચોટલી પકડે છે! આ સીઝનમાં ગુટલીબાજ કર્મચારીઓ ઘેર આવતા ડરે છે, કારણ કે ઘેર આવીને ઘણાંને ગોટલીબાજ થઈ જવું પડે છે. ગોટલીનો મુખવાસ જે ઝડપે લોકપ્રિય બની રહ્યો છે એ જોતા મારો મિત્ર મગન આગામી વર્ષોમાં હરિતક્રાંતિ કે શ્વેતક્રાંતિની જેમ ગોમુક્રાંતિ થશે એવી આગાહી કરે છે! મગનપત્ની મેના પણ કહે છે કે ગોટલીનું ફ્યૂચર બહુ બ્રાઇટ છે! ⬛

અન્ય સમાચારો પણ છે...