તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંદાઝે બયાં:ગુડબાય રોબર્ટો: કમાલનો કથાકાર કસબી!

એક મહિનો પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક

ટાઇટલ્સ સૌથી સરસ વાર્તા માણસ છે. (છેલવાણી) ‘પૃથ્વી, કમળ-પત્ર રૂપે અપાર જળ પર તરતી હતી. ખરેખર તો એક પથારી હતી જેના પર કોણ સૂતું હતું? એક નિદ્રામય દેવ, જેણે હમણાં જ સૃષ્ટિનું સર્જન પૂરું કર્યું હતું. પ્રકૃતિના પ્રારંભમાં જે પહેલી સ્પષ્ટ છબી હતી એ જળ પર તરતા વિષ્ણુની હતી, જેમણે માથું શેષનાગ પર ટેકવેલું હતું. વિષ્ણુ, જાણે વિરાટ અતીત પર આરામ કરી રહ્યા હતા! આ ‘શેષનાગ એટલે કોણ? ‘શેષ’ એટલે આપણાં કર્મોના બચેલા અંશ! જે સમયે પૃથ્વી ને આકાશમાં આપણાં કર્મોનાં ફળ ભોગવાઇ ચૂક્યાં હોય પણ ત્યાર બાદ જે અવશેષ બચેલા રહી જાય એમાંથી નવું જીવન જન્મ લે છે!’ ના, આ આપણાં પુરાણની કોઇ વાત નથી, પણ ઇટાલીયન લેખક રોબર્ટો કેલાસોના ‘ક’ નામના પુસ્તકનો અંશ છે, જેમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશથી લઇને ગાંધી, બુદ્ધ ને ઉપનિષદો-વેદોની અનેક રસમય વાતો છે! 1941માં ઇટાલીના ફ્લોરેન્સમાં જન્મેલ લેખક-વિચારક રોબર્ટો, હમણાં 28 જુલાઇએ ગુજરી ગયા. ભારતીય ને ગ્રીક પુરાણો વિશે એમના અનેક નિબંધ-સંગ્રહો કે મિથકલ વાર્તાઓનાં પુસ્તકો જગતભરમાં અનુવાદિત થઇ ચૂક્યાં છે. રોબર્ટોએ ‘ક’માં ગરુડ દ્વારા ભારતીય પુરાણો વિશે લખ્યું છે એમ આફ્રિકા વિશે ‘કશનો વિનાશ’ નામની અદ્્ભુત વાર્તા લખી છે: ‘કશ’ દેશમાં વિચિત્ર પરંપરા હતી કે ત્યાંના પુરોહિતો, નક્ષત્રોની ગણતરી કરીને રાજાની મૃત્યુતિથિની ઘોષણા કરી દેતા ને રાજાનો બલિ ચઢાવી દેવામા આવતો! ત્યારે રાજાના મુખ્ય સલાહકારનો પણ બલિ ચઢાવી દેવાતો! એકવાર ‘અફક’ રાજા ગાદી પર આવ્યો ને ત્યારે પડોશી દેશમાંથી ‘ફાર-લી-માસ’ નામનો કથાકાર દરબારમાં મળવા આવ્યો. રાજા અફકે, વિદ્વાન ફાર-લી-માસને પોતાનો સલાહકાર ઘોષિત કર્યો. કથાકાર, ફાર-લી-માસ જ્યારે-જ્યારે કથા કહેતો ત્યારે રાજા અને દરબારીઓ કથારસમાં એવા તો ડૂબી જતા કે ગહન નિદ્રામાં સરી પડતા! રાજા અફકની બહેન રાજકુમારી સલીએ ફાર-લીની કથા સાંભળી અને એના પ્રેમમાં પડી ગઇ! હવે સલીને ચિંતા થવા માંડી કે કશની પરંપરા મુજબ એક દિવસ એના ભાઇ, રાજા અફક સાથે ફાર-લીને પણ મારી નાખવામાં આવશે તો? ઇન્ટરવલ હમેં ભી નીંદ આ જાયેગી, હમ ભી સો જાયેંગે અભી કુછ બેકરારી હૈ, સિતારોં તુમ તો સો જાઓ! (કતિલ શિફાઇ) પછી રાજકુમારી સલીએ, ધર્મગુરુઓને મળીને સમજાવ્યા કે કોઇ માણસને આમ નક્ષત્રોની ગણતરીથી મારી નાખવા એ ખોટી વાત છે. ધર્મગુરુઓએ પૂછયું,”તમને આવું કોણે કહ્યું?’ સલીએ કહ્યું, “આવું મેં ‘ફાર-લી-માસ’ની કથામાં સાંભળ્યું. તમે લોકો પણ એની વાર્તા સાંભળશો તો નક્ષત્ર ગણવાનું ભૂલી જશો.’ ધર્મગુરુઓએ ચેલેન્જ ઉપાડી લીધી ને ફાર-લી-માસને કથા કહેવા બોલાવાયો. એની કથા સાંભળતાં-સાંભળતાં ધર્મગુરુઓ ખરેખર ઊંઘી ગયા અને નક્ષત્રો ગણવાનું ભૂલી ગયા! આવું લગાતાર બે વર્ષ સુધી ચાલ્યું! દરબારના મુખ્ય પુરોહિતને ફાર-લીની આ વાર્તા કહેવાની ટ્રિકની ખબર પડી ત્યારે એણે રાજાને ફરિયાદ કરી કે રાજાની મૃત્યુતિથિ શોધાવાની પરંપરા તોડવા બદલ ફાર-લીને ખતમ કરવો રહ્યો. રાજાએ કહ્યું, ‘...પણ પરંપરા પ્રમાણે તો ફાર-લી-માસ પહેલાં મારે મરવું પડશે!’ પછી રાજાની મૃત્યુતિથિ નકકી કરવામાં આવી અને પ્લાન બન્યો કે એ દિવસે જ ફાર-લી લોકો સામે આખરી કથા સંભળાવશે અને કથા પૂરી થતાં જ એને પણ ખતમ કરવામાં આવશે! પણ એ દિવસે ફાર-લીની લાંબી રસાળ કથા પૂરી થાય ત્યાં સુધીમાં તો નવો સૂર્યોદય થઇ ચૂક્યો હતો. એટલે કે એ તિથિ જતી રહી! કથા સાંભળતાં-સાંભળતાં ધર્મગુરુ પોતે જ ઊંઘી ગયો હતો એટલે સલીએ તરત જ પડદો ઉપાડીને રાજા અફકને પ્રજાની સામે પેશ કર્યા, પહેલી વાર! ત્યાર પછી રાજ્યમાં કોઇનો બલિ ચડાવવામાં ન આવ્યો. રાજા અફકના મૃત્યુ પછી પણ ફાર-લી-માસનો બલિ ન અપાયો અને ઊલટાનું એને તો રાજા બનાવવામાં આવ્યો! હવે એક નવી સત્તાનો ઉદય થયો: ‘શબ્દની સત્તાનો’ ઉદય! ‘કશનો વિનાશ’માં રોબર્ટોએ સિગમન્ડ ફ્રોઇડ કે કાર્લ માર્ક્સ જેવા ફિલોસોફરોની વાતોને કથામાં વણીને પ્રશ્નો ઊઠાવ્યા કે શું દુનિયામાં બલિદાનનો ક્યારેય અંત થશે? બલિ પાછળનો હેતુ તો ‘ઇચ્છા’ છે, ફળની ઇચ્છા! ખરેખર તો બલિએ આપણને ઇચ્છાઓમાંથી મુક્ત કરવા જોઇએ! મુક્તિ જ મોક્ષનો માર્ગ છે! ગુડબાય રોબર્ટો કેલાસો! એન્ડ ટાઇટલ્સ આદમ: એકચ્યુઅલી...અં...આઇ મીન... ઈવ: બસ! સમજી ગઇ! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...