એલેક્સે જ્યારે પાપુઆ ન્યૂ ગીનીમાં પગ મૂકયો, ત્યારે જ તેને જણાવી દેવામાં આવ્યું હતું કે એ જે રસ્તે જવાનો છે ત્યાં એનો સામનો માનવભક્ષી આદિવાસીઓ અને ભયાનક જંગલી પ્રાણીઓ સાથે થવાની પૂરેપૂરી શક્યતા છે. જો એ પાછો ફરી જવા માગતો હોય તો હજી પણ તક છે કેમ કે જહાજ હજી પણ કિનારે લાંગરેલું છે, પણ એલેક્સ પોતાની મંજિલ સુધી પહોંચવાની વાતમાં મક્કમ હતો એટલે એણે પોતાનો થેલો ઊઠાવ્યો અને ચાલતી પકડી. રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. એ જંગલમાં એક ખંડેર હતું. સૂર્ય ઢળવાની તૈયારીમાં હતો. એલેક્સ તો રાત્રે જંગલમાંથી પસાર થવું પડે તો પણ પોતાની મુસાફરી આગળ વધારવા માગતો હતો, પણ સતત ચાલીને એ થાક્યો હતો. એણે ખંડેર તરફ નજર નાખી. એને ત્યાંથી ધૂમાડો નીકળતો દેખાયો એટલે એ ખંડેરમાં પહોંચ્યો. ત્યાં એક આઠ-દસ વર્ષની છોકરી રમતમાં મશગૂલ હતી. એનો પિતા ભોજન બનાવી રહ્યો હતો. એલેક્સને જોઈને એ માણસે સ્મિત આપ્યું અને કહ્યું, ‘આ જંગલ ખતરનાક છે. અહીં તમને માનવભક્ષી આદિવાસીઓ મળશે. એનાથી બચી ગયા તો જંગલી જાનવરો તમને ખતમ કરી દેશે.’ પેલા માણસે કહ્યું. એલેક્સે પોતાનો થેલો એક તરફ મૂક્યો અને એક પથ્થર પર બેસીને બોલ્યો,‘એ બધાં તો અહીં પણ આવી શકે ને?’ ‘ના. મેં સાંભળ્યું છે કે આ ખંડેરમાં ભૂત રહે છે અને એ મુસાફરોને હેરાન કરતું નથી. એ ભૂતની બીકથી આ ખંડેરમાં માનવભક્ષી આદિવાસીઓ કે જંગલી પ્રાણીઓ પગ મૂકતા નથી.’ એ માણસે જવાબ આપ્યો. એલેક્સ બોલ્યો, ‘ ભલે, પણ હું તો આગળ વધીશ.’ ‘ તો તમે મરશો. હા જો કોઈ સારું ભૂત તમારી સાથે આવે તો તમે બચી શકો ખરા.’ ‘ અત્યારે હું એવું ભૂત ક્યાં શોધવા જાઊં?’ એલેક્સને હસવું આવ્યું. જવાબમાં એ માણસ પણ સ્મિત આપીને દીકરીનું ધ્યાન રાખવાની વિનંતી કરીને લાકડાં લેવા લેવા જતો રહ્યો. એલેક્સે ખાવા માટે પાઉં કાઢ્યું. પેલી છોકરી એને તાકી રહી હતી. એલેક્સે એને પાઉં આપ્યું. એલેક્સ અને એ છોકરી પાઉં ખાતાં ખાતાં વાતો કરતાં હતાં. એ દરમિયાન એમને એ છોકરીના પિતાની ચીસ સંભળાઈ. બંને જણ એ દિશામાં દોડ્યા. એ માણસ પર એક ખૂંખાર રીંછે હૂમલો કર્યો હતો. પિતાને રીંછ સાથે લડતા જોઈને પેલી છોકરી બીકથી ચીસો પાડીને રડવા લાગી. એલેક્સ પોતાની તલવાર કાઢીને એ માણસની મદદ કરવા ધસી ગયો. રીંછ તો ભાગી ગયું, પણ પેલો માણસ મરી ગયો. દીકરી હેબતાઈ ગઈ હતી. એલેક્સને થયું કે આ જંગલમાં એ છોકરીને એકલી તો છોડાય નહીં. આ કારણોસર રાતનો સમય હોવા છતાંયે એ છોકરીનો હાથ પકડીને જંગલની વાટે ચાલી નિકળ્યો. ચાલતાં ચાલતાં એ વારેવારે પાછળ જોતો હતો, કેમ કે એને સતત એવું લાગતું હતું કે કોઈ એ બંનેની આસપાસ છે. બંને ચાલતાં ચાલતાં જંગલની મધ્યમાં પહોંચ્યાં. ત્યાં એક ધોધ પડતો હતો અને આસપાસ ખડક હતાં. એલેક્સે એ છોકરી સામે જોયું. ક્યારની એ બિચારી છોકરી જડની જેમ ચાલી રહી હતી. એને એ છોકરી પર દયા આવી. એલેક્સને થયું કે એને આરામની જરૂર છે એટલે એણે છોકરીને પાઉં ખવડાવીને, પાણી પીવડાવીને એક મોટા પથ્થર પર સૂવડાવી દીધી અને જાતે એક પથ્થર પર બેસવા માટે ઝૂક્યો. હજી તો એ બેસે એ પહેલા તો ઝાડીમાંથી એકદમ જ એક તીર ધસી આવ્યું, પણ એ તીર એલેક્સને વાગ્યા વગર જ હવામાંથી બીજી તરફ ફંટાઇ ગયું. એ ભડકીને ઊભો થઈ ગયો પણ એ કાંઈ સમજે-વિચારે એ પહેલાં તો દસ-બાર માનવભક્ષી આદિવાસીઓ ત્યાં ધસી આવ્યા. છોકરી અવાજથી જાગી ગઈ અને માનવભક્ષી આદિવાસીઓને જોઈને બીકની મારી રડવા લાગી, પણ એલેક્સે એને ઊંચકી લીધી. છોકરી ચારે બાજુ વિસ્ફારીત નયને જોઈને રડતાં રડતાં એના પિતાને પોકારવા લાગી. જાણે એનો પિતા ત્યાં હાજર ના હોય? એક આદિવાસી એ બંનેને મારવા ધસ્યો, પણ જાણે કોઈએ એને લાત મારી હોય એમ હવામાં જ ઊછળીને ફેંકાઈ ગયો. એ જોઈને બાકીના આદિવાસીઓ ભડકયા. એમણે શંકાથી ચારે તરફ જોયું અને પછી હવામાં કાંઈક સૂંઘતા હોય એમ બીકના માર્યા ભાગી છૂટ્યા. એલેક્સને થયું કે એણે રાતની મુસાફરી કરવાનો નિર્ણય લઈને ભૂલ કરી છે. રસ્તામાં એને ઘણાં જંગલી જાનવરો ભટકાયાં. એ બધા જ એલેક્સ સામે ઘૂરકિયાં કરતાં હતાં, પણ કોઈ એની નજીક આવતું ન હતું. છેવટે ચાલતાં ચાલતાં એલેક્સે જંગલ પાર કરી નાખ્યું અને ઊત્સાહભેર નગર તરફ કદમ ધપાવ્યા. વહેલી સવાર એણે નગરના કિલ્લાની બહાર વીશીમાં આશરો લીધો અને નાણાં ચૂકવ્યા એટલે બંનેને કાવો અને પાઉં મળ્યાં. એ ખાઈને છોકરી ઓટલા પર ચડીને એ બંને જે દિશામાંથી આવ્યા હતા એ દિશાને તાકી રહી અને એલેક્સ વીશીના માલિક સાથે વાતોએ વળગ્યો. એલેક્સ જ્યારે એને પોતાના અનુભવો જણાવ્યા ત્યારે વીશીનો માલિક એટલું જ બોલ્યો, ‘સો ટકા તમારી સાથે કોઈ સારું ભૂત હશે. કોઈ સારા આત્માની મદદ વગર રાત્રે આ રીતે એકલા એ જંગલ પસાર કરવું અશક્ય છે.’ વીશીનો માલિકે એ છોકરીને ધારીને જોતા કહ્યું, ‘આ તમારી દીકરી નથી લાગતી.’‘ ના. એના પપ્પા મરી ગયા છે. હું એને સાધ્વીઓના મઠમાં દાખલ કરાવી દઈશ. ત્યાં એની સારી સંભાળ લેવાશે.’ એલેક્સે કહ્યું અને છોકરી તરફ નજર નાખી. એ છોકરી આંસુભરી આંખે હાથ હલાવીને બોલી રહી હતી, ‘આવજો પપ્પા...’ એલેક્સ અને વીશીનો માલિક એ છોકરીની એ હરકતને તાકી રહ્યા પણ એમને કાંઈ સમજાયું નહિં એટલે પાછા વાતોમાં ડૂબી ગયા.⬛ makwanjagdish@yahoo.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.