તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણી વાત:ગુડ બાય સોનલ શુક્લ, માય સ્પેશિયલ ફ્રેન્ડ

વર્ષા પાઠક2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનલ શુક્લની વિદાય…. નારીવાદી ચળવળમાં મોખરાનું સ્થાન ધરાવતું નામ, વાચા- રિસોર્સ સેન્ટર ફોર ગર્લ્સના સંસ્થાપક અને એના દ્વારા મુંબઈની ઝૂંપડપટ્ટીમાં વસતી હજારો કિશોરીઓને ખરા અર્થમાં સશક્ત બનાવનાર, પ્રખર ગાંધીવાદી, શિક્ષણવિદ્, દેશ-વિદેશમાં સ્ત્રી વિષયક અનેક સ્ટડી પેપર્સ રજૂ કરનાર સ્કોલર, સ્ત્રીલેખકો દ્વારા લખાયેલાં પુસ્તકોની વિશાળ લાઈબ્રેરી ઊભી કરનાર અને પોતે પણ અનેક ન્યૂઝ પેપર્સ અને મેગેઝિન્સમાં લખનાર સોનલ શુક્લ ગુરુવારની વહેલી સવારે મુંબઈમાં 80 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યાં. સમાચાર આવતાંની સાથે થોડી વારમાં તો સોશિયલ મીડિયામાં કેટકેટલું લખાઈ ગયું. અનેક લોકોનાં જીવનને સોનલ શુક્લે સીધો કે આડકતરો સ્પર્શ કરી લીધેલો. એમનાં વિશે વાંચીને હજારો અજાણ્યા લોકો પણ ઓનલાઇન શ્રદ્ધાંજલિ આપી રહ્યાં હતાં. હોસ્પિટલમાંથી મૃતદેહ હજી ઘરમાં પહોંચ્યો નહોતો, પણ લોકોની ભીડ એકઠી થઇ ગયેલી. વહેલી સવારે દિલ્હીથી દોડી આવેલાં પત્રકાર શીલા ભટ્ટ, અને હજીયે ઘણાં લોકો જેને સોનલનો સગો ભાઈ જ માને છે એ જાણીતા અભિનેતા-નાટ્યકર્મી ઉત્કર્ષ મઝુમદાર જેવા લોકો મીડિયામાં વધુ લોકોને આ સમાચાર પહોંચાડવાની મથામણ કરી રહ્યા હતા. આ બાબતે હું શું કરી શકું એ વિશે બે-ચારવાર પૂછ્યું અને પછી માંડી વાળ્યું. હું કંઈ બોલ્યા વિના, એ સંજોગોમાં સાવ નકામી ગણાય એવી વ્યક્તિ તરીકે ઘરના એક ખૂણામાં ઊભી હતી. ઘરમાં કોઈના સેલફોનની રિંગ વાગે અને એ આડાઅવળાં હોય તો બસ, એના વતી જવાબ આપતી હતી. અને ત્યાં પણ મોટેભાગે તો સામેવાળાની વાત સાંભળવાની હતી. હું શું બોલું? જીવિત હતાં ત્યારે વારંવાર મને મૂરખ કહેનાર સોનલબહેન સાચું જ કહેતાં હતાં. ખરા સમયે જ મને કંઈ સૂઝતું નહોતું. મારા ફોન ઉપર લોકો ફરિયાદના સૂરે કહેતાં હતાં કે જાણ થતાંની સાથે તેં અમને કેમ ફોન ન કર્યો, કે એમની તબિયત આટલી ખરાબ હતી એની તને ખબર નહોતી વગેરે વગેરે. મારી પાસે વ્યવસ્થિત જવાબ નહોતો. સોનલબહેનની જેમ જ વર્ષોથી મને મૂરખ કહેવાનો અબાધિત અધિકાર ભોગવતી બીજી મિત્ર ચારુલે એકવાર ફોન કર્યો, મેં સાંભળ્યો નહીં, તો એણે ટૂંકો મેસેજ મોકલ્યો- so sorry. You take care. અણધાર્યા આઘાતનો ભોગ બનેલાને આપણે કહીએ કે હવે તમે સાચવજો, you take care. પણ જીવનમાં ઘણી વાર આ શબ્દો સાંભળીને ભાન થાય કે, કાળજી લેનારી વ્યક્તિ જતી રહી. હવે આપણું ધ્યાન રાખવાની જવાબદારી આપણાં પોતાનાં માથે છે. આ સમજવામાં ડહાપણ હોય છે, પણ સામેની બાજુએ એ સ્વીકારવાની તૈયારી પણ હોવી જોઈએ ને? અડધી રાતે કામ પડવાની વાત તો બાજુએ રહી, કોઈ મામૂલી કારણસર પણ વગર વિચાર્યે જેને ફોન કરી શકો, અરે જઈને જેનાં ઘરનાં બારણાં ખખડાવી શકો એવી વ્યક્તિ પણ જોઈએ ને? બસ, હંમેશાં આપણે જ આપણું ધ્યાન રાખ્યાં કરવાનું? સોનલબહેનનાં ગયાં પછી આવો એક દરવાજો બંધ થઇ ગયાનું સ્વાર્થી કહેવાય એવું દુઃખ થાય છે. દુનિયાની નજરે સોનલ શુક્લ એક મહાવિભૂતિ હતી, મારા જેવાં બે-ત્રણ જણ માટે એ ઘરનાં સોનલબહેન હતાં, જેની સાથે ગમે તે વાત કરી શકાય. ઘણાં વર્ષો પહેલાં કોઈ અક્કલ વિનાનું કામ કરીને એમને ઘેર ગયેલી અને બોલવામાં સહેજ ખચકાતી હતી ત્યારે સોનલબહેને કહેલું કે- ‘મન થાય તો બોલી નાખ, આઈ વોન્ટ જજ યુ. તેં જે પણ ઊલટાં-સીધાં કામ કર્યાં હશે, એનાથી દસ ગણા ચડી જાય એવાં પરાક્રમ મેં કરી જ નાંખ્યાં હશે. ‘ત્યાર પછી એમને કંઈ પણ કહેવામાં સંકોચ નથી થયો. એમણે મને એકવાર કહેલું કે વર્ષા, તું વારંવાર જોખમી આંધળુકિયાં કરે છે, પણ તને બચાવી લેવા માટે કુદરતે કોઈ સ્પેશિયલ ગાર્ડિયન એન્જલ રાખ્યો છે, પણ હું કામમાં, ખાસ કરીને લખવામાં આળસ કરું ત્યારે સોનલબહેન પોતે તો ખૂંખાર ડેવિલના રૂપમાં આવી જતાં. ધુલાઈ કરી નાખે. ‘A Painter has to paint, a writer has to write’ વારંવાર યાદ કરાવે. સાચુકલાં ફેમિનિસ્ટ પોતાના દેખાવની બાબતમાં બેદરકાર જ હોય એ જૂની સડીયલ માન્યતા સામે એ સતત વિરોધ કરતાં રહ્યાં. વજનમાં વધારો થાય તો ટકોર કરે, કપડાં, ઘરેણાંની બાબતમાં તો બહુ ચીકણાં. ક્યાં, કયા પ્રસંગે, શું પહેરીને જવું, એ બાબતમાં સભાન રહે. અને મને પણ કચકચ કરતાં રહે. એવું નહીં કે મોંઘી ચીજ ખરીદવાનો જ આગ્રહ રાખે. ઊલટું મોંઘું એટલું સારું એવું માનતા લોકોની તો એ મજાક ઉડાવે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિ હતી ત્યાં સુધી બીજાં થોડાં સિદ્ધાંતવાદીઓની જેમ એમણે ત્યાંની ખાણોમાંથી આવતા ડાયમન્ડ્સ નહીં પહેરવાની જીદ પકડી રાખેલી, પણ આર્ટિસ્ટિક સિલ્વર જ્વેલરીનો એમની પાસે ખજાનો. બસ્સો રૂપિયાની ત્રીસ-ચાલીસ વર્ષ જૂની પણ સુંદર કોટન સાડી પહેરીને વટભેર ફાઈવસ્ટાર હોટેલમાં લંચ માટે જાય. હજી થોડા સમય પહેલા મેં મજાક કરેલી કે સોનલબહેન, તમારી બધી સુંદર કિંમતી ચીજવસ્તુઓ જીવતેજીવત લોકોને દાન કરી નાખો. ત્યારે એમણે કહેલું કે- ‘તો તો મારે તને પણ દાનમાં આપી દેવી પડે. તારાથી વધુ કિંમતી શું?’ એ વખતે નચિકેતાની જેમ મારે પૂછી લેવું જોતું હતું કે ‘મને કોને આપશો?’ ⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...