બુધવારની બપોરે:શાકભાજી લેવા જવું, શું ગોરધનોનું કામ છે?

19 દિવસ પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

ફ્લેટની નીચે શાકવાળાની શોપ છે. બાલ્કનીમાં બેસીને ડોકી નીચી કરીને આવતા-જતા સબ્જી ગ્રાહકોને જોઈને ખુશ થાઉં છું કે, ‘હાશ... આપણે બચી ગયા...!’ શાક ખરીદવામાં સ્ત્રીઓ કરતાં એમના ગોરધનોની સંખ્યા તગડી હોય છે. જેમને ખબર છે કે, હું આ જ ફ્લેટમાં રહું છું, એ ગોરધનો, મારા જેવું કોઈ એમને જોઈ ન જાય માટે શાકની ખાલી થેલી માથે ઓઢી લે છે, પણ જતી વખતે બંને હાથે થેલીઓ પકડીને ફ્લેટ નીચેની ગપોલીમાંથી નીકળી જાય છે, પણ કેટલાક મર્દ ગોરધનોના ચહેરા ઉપર શાક ખરીદતી વખતે યુદ્ધની ચમક અને ખુમારી છલકતી હોય છે. બકાલી (એટલે શાકવાળો)ને ઓર્ડર એવી રીતે આપે, જાણે યુક્રેન માટે ટેન્ક અને શસ્ત્રો ખરીદવા આવ્યો હોય. તાંદળજાની ભાજી અને ગલકાં ખરીદે છે. વર્લ્ડકપ માટે ઈન્ડિયાની ટીમ સિલેક્ટ કરવાની હોય, એમ એક એક ભીંડુ ઉપાડી, અંગૂઠો ઘોંચી, પાછો હલાવી જોઈને જુદાં પાડે છે. ગલકું તો કાચું ખવાય નહીં, પણ આ પદ્ધતિથી કાકડી પસંદ કરીને એક બચકું ભરી જુએ છે ને કેમ જાણે શાકવાળાએ કાકડી ઘેર બનાવી હોય ને એને શાબાશી આપવાની હોય, એમ મુંડી હલાવીને કાકડી ‘પાસ’ કરે છે. એ વાત જુદી છે કે, આવી ખૌફનાક ખરીદી પતી ગયા પછી બકાલી પાસે ફ્રીમાં હેન્ડ ગ્રેનેડ માંગતો હોય એમ લીમડો-કોથમીર-મરચાં યાચનાના ભાવે માંગે અને બકાલી આખું નારણપુરા ગિફ્ટમાં આપી દેતો હોય એમ ચહેરા ઉપર શાનોશૌકતથી બે ઝૂડી કોથમીર આપેય ખરો! છોકરીઓ બસ્સો પાણી-પૂરી ખાઈ ગઈ હોય, એમાં એમને જેટલો સોટો ન ચઢે, એટલો આટલી બધી ઝાપટી ગયા પછી, છેલ્લે મફતમાં મળતી મસાલા-પૂરી ખાવામાં જે સંતોષ થાય છે, એવો સંતોષ, છેલ્લે મફતમાં મળતી કોથમીરમાં માભો પડી જાય છે. બકાલીઓ જોકે, એક દિવસનું શાક નીકળી જાય, એટલા જથ્થામાં મફત લીમડો-કોથમીર-મરચાં આપતાં નથી. આવડા મોટા હાથીની સૂંઢમાં ફ્રી-ઓફ-ચાર્જ એક કેળું આપીને ચહેરા ઉપર જે શાહી ઉદારતા ભાવ આવે છે, એ બકાલીના ચહેરા ઉપર આવે છે.

મેં તો મારા ફ્લેટની નીચે સબ્જી લેવા આવતા નરપુંગવોને ઝીણ‌વટથી જોવા મોંઘા ભાવનું બાયનોક્યુલર વસાવ્યું છે, જેથી માથે થેલી ઓઢીને આવતા ગોરૂને જોઈ શકું. આજ સુધી એકેય ગોરધન પોતાની વાઈફને લઈને શાક લેવા આવતો ભાળ્યો નથી. વાઈફોને ઘરમાં બીજા કામધંધા હોય કે નહીં? પણ, આપણને એમ કે, વાઈફ ઘેર રસોઈમાં બિઝી હશે... માય ફૂટ... આને તો જલ્દી એટલે હોય છે કે, લીધેલું શાક સમારવા કોણ એનો ફાધર આવવાનો છે? (વાઈફનો ફાધર તો ન જ આવે!) એ તો જાણે સમજ્યા કે, ગોરધનના હાથની રસોઈ ખાધા પછી વાઈફને પોતાનીય કડવી લાગે, એટલે એ કદી કિચનમાં અડપલાં કરવા ન જાય! આ તો એક વાત થાય છે! હવે તો છોકરાઓય મંડ્યા હોય છે કે, દાળઢોકળી તો પપ્પાના હાથની જ! તો શું, ગોરધનો સબ્જી લેવા જાય, એ કોઈ શરમની વાત છે? પચ્ચી લાખની કાર લેવાય એ જ ગોરધન જાય છે ને? વાઈફોઝ ઘેર હીંચકો ખાતી બેસી રહે અને રામગોપાલ બિચારો બબ્બે હાથે શાકની થેલીઓ ઊંચકીને ફ્લેટનો ઝાંપો ખોલતો હોય ને કપાળથી ડોરબેલ વગાડે, એ શું આદર્શ લગ્નજીવનનું ચિત્ર છે?

એક્ચ્યુલી, પતિ-પત્ની વચ્ચે આ એક વ્યવસ્થા હોય છે કે, દેશ માટે યુદ્ધ વિમાનો કે ટેન્કો ખરીદવા જેવા સામાન્ય પ્રોજેક્ટો હાથ ધરવાના હોય તો વાઈફ જ જાય અને આવા શાક-બકાલી જેવા વિરાટ અને બુદ્ધિજન્ય કામો માટે ગોરધને જ જવાનું! ઘર માટે BMW લેવાની છે કે Eston Martin, એ વાઈફો નક્કી કરે, બાકી ગાડીમાં પંક્ચર-બંક્ચર પડ્યું હોય તો વ્હીલ કાઢવા ગોરધને વાંકા વળવાનું!

એક્ચ્યુલી, ગુજરાતના નખત્રાણા, ધોરાજી અને જંબુસર બાજુના ગોરધનો માને છે કે, સબ્જી-બકાલુ લેવા માટે ગોરધનોએ ઈગો દાખવવો જોઈએ નહીં. ચૂપચાપ શાક લઈ આવવું જોઈએ. ફાયદો એ કે, બકાલીની દુકાને એના જેવા જ અન્ય પીડિત ગોરધનો ભેગા થતા હોય ને એકબીજાનાં સુખ-દુ:ખની વાતો કરે. થેન્ક ગોડ... હજી મારે આવા દહાડા નથી આવ્યા. આમ પાછો મને એવો કોઈ ઈગો નહીં કે, હું તો મર્દ છું. શાક-બાક લેવા જવું એ શું મર્દોનું કામ છે? હરગીઝ નહીં. આખરે સોસાયટીમાં મારી કોઈ ઈજ્જત છે, આબરૂ છે, મોભો છે. સબ્જો લેવા જવું, ઘરઘાટી શોધવા જવું કે મેડમ સવારે હજી ઊઠ્યા ન હોય એટલે રોજ પરોઢિયે ચા-બા મૂકવી, એ શું મારું કામ છે? હું તો, પેલીએ કડુ-કરિયાતું પીતો હોઉં, એવી એણે બનાવેલી ચા છાનોમાનો પી લઉં, પણ કમ્પ્લેઈન કદાપિ ન કરું. એકવાર મોઢાં બગાડવા જાઓ, તો ધડ દઈને કહી દે, ‘મારી ચા ન ભાવતી હોય તો કાલથી જાતે બનાવજો.’

વહાલા ગોરધનો, આવી ભીષણ યાતના ભોગવવાને બદલે લાઈફ ટાઈમમાં ‘ફક્ત’ એક જ વાર ચા બનાવો, સબ્જી લઈ આવો કે, ઘાટી શોધવા જાઓ. એમાં બુદ્ધિ એટલી વાપરવાની કે, પહેલા જ ઘૂંટડે એ થૂ-થૂ-થૂ કરી નાંખે એવી ‘હોરિબલ’ ચા બનાવો. બકાલીને ત્યાં કોઈ અનુભવીની સલાહ લઈને, ‘વીણી વીણીને’ ઘરડું કે સડેલું શાક થેલીમાં નંખાવો, 400 મંગાવ્યું હોય તો આ‌વું શાક ચાર કિલો લઈ લો અને નવો નોકર ઘેર લઈ જવાને બદલે કોઈ ડોક્ટરને વિઝિટને નામે બોલાવી ઘેર લઈ આવો. વાઈફને અંદરના રૂમમાં લઈ જઈ કહો, ‘આપણા ખાનદાનને શોભે એવો અપ-ટુ-ડેટ ધૂળજી લઈ આવ્યો છું.’

બસ, પછી પહેલી દસ મિનિટ ધૂળજી બનેલા ડોક્ટર સાથે વાઈફનો પરિસંવાદ સાંભળો અને લાઈફ ટાઈમ મુક્તિ પામો.

અન્ય સમાચારો પણ છે...