બ્લેક એન્ડ વ્હાઈટ:હનિમૂનથી એક ડગલું આગળ વધીને હવે ફેમિમૂન!

આશુ પટેલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લગ્ન પછી નવયુગલ હનિમૂન પર જાય એ તો આજના સમયમાં સહજ ગણાય છે, પણ હવે હનિમૂનથી આગળ વધીને ‘ફેમિમૂન’ શરૂ થયું છે, જેમાં પરિણીત નવયુગલની સાથે તેમનાં બંને કુટુંબના સભ્યો, બંને કુટુંબનાં સગાંવહાલાં અને કેટલાક કિસ્સાઓમાં વર-કન્યા પક્ષના નજીકના મિત્રોનાં કુટુંબો બે-ત્રણ દિવસ કે એક અઠવાડિયા સુધીનું ‘ફેમિમૂન’ માણવા જાય એવો ટ્રેન્ડ શરૂ થયો છે. ફેમિલી અને હનિમૂન એ બે શબ્દો જોડીને ‘ફેમિમૂન’ શબ્દ બનાવાયો છે. હનિમૂન શબ્દ શિક્ષિત લોકો અને શ્રીમંતો માટે (હવે તો ઉચ્ચ મધ્યમવર્ગી લોકો અને મધ્યમવર્ગી લોકો માટે પણ) સામાન્ય બની ગયો છે. લગ્ન પછી નવયુગલ હનિમૂન માણવા જાય એટલે કે કોઈ જગ્યાએ ફરવા જાય એ વાત સહજ ગણાય છે, પણ સમય બદલાય છે એની સાથે ટ્રેન્ડ પણ બદલાય છે. એટલે હવે આ ટ્રેન્ડમાં અતિ સુપર રિચ કુટુંબો એટલે કે અતિ શ્રીમંત કુટુંબો સંતાનોનાં લગ્ન પછી ‘ફેમિમૂન’ પર જતાં થયાં છે. આવા ફેમિમૂનમાં બસો-ત્રણસો કે (કેટલાક કિસ્સાઓમાં પાંચસો-છસો) વ્યક્તિઓ પણ જોડાતી હોય છે. જેમાં બંને પક્ષના- વર અને કન્યા પક્ષનાં કુટુંબના સભ્યો પણ જોડાતા હોય છે. મુંબઈના જાણીતા ઈવેન્ટ ઓર્ગેનાઇઝર જિજ્ઞેશ ભુતા કહે છે કે ‘સમય સાથે અમુક વસ્તુઓ બદલાતી રહે છે. એમ આફ્ટર વેડિંગ સેલિબ્રેશનનું નામ બદલાઈને હવે ‘ફેમિમૂન’ થયું છે. સુપર રિચ કુટુંબો આફ્ટર વેડિંગ સેલિબ્રેશન માટે ડેસ્ટિનેશન વેડિંગની જેમ વિદેશોમાં ત્રણ-ચાર દિવસ માટે ઉજવણીનું આયોજન કરે છે એનું નવું નામ એટલે આ ‘ફેમિમૂન!’ જિજ્ઞેશ ભુતા વધુ માહિતી આપતા કહે છે કે ‘સુપર રિચ કુટુંબો ફેમિમૂન માટે ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, દુબઈ, માલદીવ કે શ્રીલંકા જેવા જુદા-જુદા દેશો પર પસંદગી ઉતારતા હોય છે. કેટલાંક શ્રીમંત કુટુંબો સંતાનનાં લગ્ન પછી ‘ફેમિમૂન’ માટે કોસ્ટા ક્રૂઝ જેવી યુરોપિયન કંપનીને તગડું પેમેન્ટ આપીને ક્રૂઝનું બુકિંગ કરે અને ચારસો-પાંચસો સગાંવહાલાં અને મિત્રો સાથે પ્લેનમાં દુબઈ પહોંચે. દુબઈથી એ ક્રૂઝમાં કોઈ પ્રખ્યાત સિંગર કે પરફોર્મર જોડાય. એક એન્કર એ ‘ફેમિમૂન’ દરમિયાન સતત સાથે હોય. એ ક્રૂઝમાં તેઓ દુબઈથી આબુધાબી પહોંચે. આબુધાબીમાં એ ક્રૂઝમાં બીજા કોઈ સિંગર કે પરફોર્મરનું આગમન થાય અને તે મહેમાનોનું મનોરંજન કરે. એ પછી એ ક્રૂઝ રસ અલ ખેમા પહોંચે ત્યાં વળી કોઈ નવા આર્ટિસ્ટ્સ કે સિંગરનું આગમન થાય. એ રીતે ત્રણ-ચાર દિવસ સુધી ક્રૂઝમાં બધા મનોરંજનના વિવિધ કાર્યક્રમો અને વિવિધ પ્રકારનાં ફૂડ (અને કેટલાક કિસ્સાઓમાં ડ્રિન્ક પણ) સાથે ‘ફેમિમૂન’ માણે. કેટલાંક શ્રીમંત કુટુંબો થાઇલેન્ડના કોઈ બીચ રિસોર્ટ પર પસંદગી ઊતારે (એમાંય ફૂકેત ‘ઈનથિંગ’ ગણાય છે). કોઈ બીચ રિસોર્ટ પર સનડાઉન પાર્ટીનું આયોજન થાય. એ પાર્ટી પાંચ વાગ્યાથી શરૂ થાય. દરિયાકિનારે કોઈ રિસોર્ટમાં કેન્ડલ લાઈટ ડિનર થાય, રોકબેન્ડનું આયોજન થાય. રોકબેન્ડની સાથે આમંત્રિતો ડાન્સની મજા માણે. બોલડાન્સનું આયોજન પણ ઈન થિંગ ગણાય છે. આવા સેલિબ્રેશનમાં આયોજકની ક્ષમતા (અથવા પસંદગી પ્રમાણે) જાણીતા ગાયકોને ઊંચી ફી આપીને બોલાવાય. કેટલાક શ્રીમંતો જાણીતા ડીજેને પણ ‘ફેમિમૂન’ માટે બોલાવે છે. બાય ધ વે, ‘પ્રમાણમાં ગરીબ’ ગણાય એવા શ્રીમંતો મહેમાનોને આમંત્રણ આપે ત્યારે કહે કે તમે ફલાણા ડેન્ટિનેશન પર પહોંચી જજો. એટલે કે બાલી, માલદિવ, દુબઈ કે બેંગકોક એવાં કોઈ ડેન્સ્ટિનેશન પર પહોંચી જવા કહેવાય છે. એટલે આમંત્રિતોએ પ્લેનની ટિકિટ જાતે બુક કરીને પહોંચી જવાનું હોય. એ પછી જેટલા દિવસનું ‘ફેમિમૂન’ હોય એ દરમિયાનનો બધો ખર્ચ જેમણે ‘ફેમિમૂન’નું આયોજન કર્યું હોય એ કુટુંબ કરે, પણ મોટાભાગના કિસ્સાઓમાં તો ફેમિમૂનનું આયોજન કરનારા કુટુંબો અબજપતિ જ હોય એટલે તેઓ મહેમાનોને આટલી પણ તકલીફ આપતા નથી હોતા. કેટલાંક શ્રીમંત કુટુંબો તો દરેક મહેમાનને તેમના ઘરેથી મર્સિડીઝ કે બીએમડબલ્યુ જેવી લક્ઝુરિયસ કારમાં પિકઅપ કરીને એરપોર્ટ પર પણ પહોંચાડવાની વ્યવસ્થા કરે છે. ઘણા વાચકોને વિચાર આવશે કે આ રીતે સંતાનનાં લગ્ન પછી વેવાઇવેલા સાથે, સગાંવહાલાં અને મિત્રો એમ બંને પક્ષના ચારસો-પાંચસો મહેમાનો સાથે ‘ફેમિમૂન’નું આયોજન કરનારાં શ્રીમંત કુટુંબો કેટલો ખર્ચ કરતા હશે? તો એ સવાલનો જવાબ પણ આપી દઉં કે આવા ફેમિમૂનનો ખર્ચ બે-ત્રણ કરોડ રૂપિયાથી દસ-પંદર કરોડ રૂપિયા સુધીનો પણ હોઈ શકે છે!{

અન્ય સમાચારો પણ છે...