તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોક્ટરની ડાયરી:બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે

એક મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
 • કૉપી લિંક
 • અત્યાર સુધી ભત્રીજાની ખામીઓ કાઢતાં ફોઇનો સૂર અચાનક જ બદલાઇ ગયો!

શું કરે છે મારો સિદ્ધાર્થ? તમને કોઇને હેરાન તો નથી કરતો ને? એમ તો બહુ ડાહ્યો છે મારો દીકરો.’ 14 વર્ષના કિશોર સિદ્ધાર્થના પપ્પાએ બહારગામથી ફોન કર્યો. અમદાવાદમાં રહેતા સિદ્ધાર્થના ફોઇએ જવાબ આપ્યો. એ જવાબ નહોતો, પણ છેલ્લા પાંચ દિવસથી એમની છાતીમાં ઘૂમરાઇ રહેલો ફરિયાદોનો ફુવારો હતો. ‘હેરાન?! મોટા ભાઇ, તમારા સિદ્ધાર્થે તો અમારા આખા અડોશપડોશમાં ત્રાસ ફેલાવી દીધો છે. તમે તો એને મોકલતી વખતે એવું કહ્યું હતું કે વેકેશન પડ્યું છે એટલે તમારો દીકરો ફોઇનાં ઘરે મજા કરવા માટે આવે છે, પણ એ તો મજાને બદલે અમને સજા કરવા આવ્યો હોય એવું લાગે છે. મને એ સમજાતું નથી કે આવડા નાના ટેણિયાને તમે શું વિચારીને આટલું ભારે સિઝન્ડ બેટ લઇ આપ્યું હશે?’ સિદ્ધાર્થના ફોઇ બોલતાં રહ્યાં અને પપ્પા સાંભળતા રહ્યા. ફોઇની ફરિયાદોમાં અસત્યનો લેશમાત્ર અંશ ન હતો. વેકેશન પડ્યું એના બીજા જ દિવસે સિદ્ધાર્થ સામાનમાં બેટ, બોલ, સ્ટમ્પ્સ, ગ્લવ્ઝ, પેડ્સ અને એબ્ડોમિનલ ગાર્ડથી ભરેલી ક્રિકેટ કિટ લઇને ફોઇનાં ઘરે આવી ગયો હતો. આજુબાજુના છોકરાઓને ભેગા કરીને ક્રિકેટ ટીચવું એ જ એની ફુલ ડે એક્ટિવિટી બની ગઇ હતી. પહેલા દિવસના અંતે પડોશના છોકરાઓને એક શાશ્વત સત્ય સમજાઇ ગયું કે સિદ્ધાર્થ સાથે ક્રિકેટ રમાય નહીં. એ આઉટ થવાનું નામ જ લેતો ન હતો. બીજા દિવસે એના કરતાં મોટી ઉંમરના છોકરાઓ રમવા માટે આવી ગયા. સાંજ પડી ત્યાં સુધીમાં એમને પણ સનાતન સત્ય સમજાઇ ગયું. સિદ્ધાર્થ ઓલ રાઉન્ડર હતો. એ જ્યારે બેટિંગ કરતો ત્યારે આજુબાજુની બિલ્ડિંગની બારીઓના કાચ ફૂટતા હતા, એ જ્યારે બોલિંગ કરતો ત્યારે ખેલાડીઓના હાથ-પગ તૂટતા હતા. ચાર દિવસમાં તો ફોઇની અદાલતમાં મુકદ્દમાનો ઢગલો ખડકાઇ ગયો. એમાં પાંચમા દિવસે સિદ્ધાર્થના પપ્પાનો ફોન આવ્યો, ‘મારો ડાહ્યો દીકરો તમને હેરાન તો નથી કરતો ને?’ જવાબમાં ફોઇ પૂરી પિસ્તાલીસ મિનિટ સુધી લેક્ચર આપતા રહ્યાં. ‘આવા વાંદરા જેવા છોકરાને બહારગામ મોકલાય જ નહીં. દીકરામાં થોડા સંસ્કાર રેડવા જોઇએ. એની માર્કશીટ સાવ નબળી હોય છે અને ક્રિકેટનું સ્કોરકાર્ડ તગડું હોય છે. મોટો થઇને આ શું ઉકાળવાનો? મહેરબાની કરીને આના બેટ-બોલ છોડાવી દો અને બે વેણ ઠપકાના સંભળાવો કે એ ભણવામાં ધ્યાન આપે. જો ભણશે તો નોકરી મળશે. આખી જિંદગી ખભા પર બેટ મૂકીને નહીં કઢાય. અમારો જિગર જુઓ. એની સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક લઇ આવે છે. એ જરૂર ડોક્ટર બનશે. ભવિષ્યમાં મારો દીકરો મોટો નામાંકિત સર્જન બનીને નાણાંની ટંકશાળ પાડતો હશે, ત્યારે મારો ભત્રીજો એના ઉંબરે પૈસાની મદદ માગતો ઊભો હશે ત્યારે તમને સારું લાગશે?’ ફોઇની ફરિયાદો, પપ્પાનો ઠપકો, પડોશીઓનો આક્રોશ અને સાથી ખેલાડીઓના અસ્થિભંગ આ બધું દર વેકેશનમાં યથાવત્ રહ્યું. સિદ્ધાર્થની હરકતો પણ યથાવત્ રહી. એના ગગનચુંબી છગ્ગાઓ અને એની માથાફાડ બોલિંગ ચાલુ જ રહી. આખરે કોઇ સમજદાર વડીલે સિદ્ધાર્થના પપ્પાને સલાહ આપી, ‘તમે ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મ જોઇ છે કે નહીં? એમાંથી તમારે એટલું શીખવું જોઇએ કે તમારા સંતાનમાં જે પ્રતિભા હોય તેને જ પાંગરવા દો. મોગરાના છોડ પર ગુલાબનું ફૂલ ખીલવવાની વ્યર્થ કોશિશ ન કરો. સિદ્ધાર્થને ક્રિકેટમાં રસ છે. એને કોઇ ક્રિકેટ એકેડમીમાં ભરતી કરી દો. ટેલેન્ટ તો એનામાં ભરપૂર છે. ક્રિકેટના આ કૂમળા છોડને જો યોગ્ય માવજત મળી જશે તો ફાયદો કદાચ તમારા ફેમિલી પૂરતો સીમિત નહીં રહે.’ પપ્પાના મનમાં રામ વસ્યા. સિદ્ધાર્થને એક સારા કોચ પાસે તાલીમ માટે મોકલી દીધો. એક અઠવાડિયા પછી કોચે રિપોર્ટ આપ્યો, ‘યોર સન હેઝ નેચરલ ટેલેન્ટ. મારે એની ટેલેન્ટને માત્ર સહેજ પોલિશ કરી આપવાની છે. મને વિશ્વાસ છે કે એ બહુ ઝડપથી તમારું નામ ઉજાળશે.’ કોચની ભવિષ્યવાણી અક્ષરશ: સાચી પડી. સિદ્ધાર્થે ડોમેસ્ટિક ક્રિકેટમાં નામ કાઢ્યું. રનનો પહાડ અને વિકેટોનો ઢગલો રચી દીધો. નેશનલ સિલેક્ટર્સનું ધ્યાન એના તરફ ખેંચાયું. એ ટીમ ઇન્ડિયા માટે સિલેક્ટ થઇ ગયો. (આવશ્યક કારણોસર આ ક્રિકેટરનું નામ બદલવામાં આવ્યું છે. બાકી એને કોણ નથી ઓળખતું? એની કામયાબીનો ડંકો દેશ-વિદેશમાં વાગી રહ્યો છે. જેના વિશે ફરિયાદ કરતા પડોશીઓ થાકતા ન હતા તેના વખાણ આજે પડોશી મુલ્ક પાકિસ્તાનના ક્રિકેટ-માંધાતાઓ કરી રહ્યા છે.) સિદ્ધાર્થના ફોઇ ભત્રીજા વિશે શું માને છે? એ જ્યાં-ત્યાં કહેતાં ફરે છે, ‘ઠીક છે. મારો ભત્રીજો નસીબનો બળિયો કે ટીમમાં સિલેક્ટ થઇ ગયો. હવે મારા ઘરે આવતો નથી. બે પૈસા શું આવ્યા, ભત્રીજાના માથાં પર અભિમાન સવાર થઇ ગયું છે. એના પૈસા એની પાસે! આપણે શું? એ ગમે તેટલું કરે તો પણ મારા જિગરની તોલે થોડો આવવાનો?’ ફોઇની વાત સાચી પણ હતી અને ખોટી પણ હતી. સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અને આઇ.પી.એલ.ની મેચોમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે તે હવે પોતાના ઘરે પણ માંડ આવી શકતો હતો. ફોઇના ઘરે શી રીતે આવે? યોગાનુયોગ બન્યું એવું કે ફોઇનો દીકરો જિગર મેડિકલમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ ગયો. એક સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી શકે તેમ હતો, પણ તેની ફી ઘણી વધારે હતી. ફોઇ-ફૂવા પાસે એટલી જોગવાઇ ન હતી. દીકરાનું સપનું રાખ બની રહ્યું હતું અને મા-બાપ લાચાર હતાં. અચાનક પરદેશમાં મેદાન ગજાવતા ભત્રીજાનો ફોન આવ્યો, ‘ફોઇ, કેમ છો? મને જાણવા મળ્યું કે જિગરની ફી માટે પૈસાની જરૂર છે. મેં પપ્પાને સૂચના આપી છે. આવતી કાલે તમને 40 લાખ રૂપિયા મળી જશે. સંકોચ ન રાખશો. તમારા મનમાં મફત સહાય લેવાનો ક્ષોભ ન રાખશો અને હું તમારી ઉપર અહેસાન ચડાવવાનો અહંકાર નહીં રાખું. જિગર ડોક્ટર થયા પછી જ્યારે ટંકશાળ પાડવાનું શરૂ કરે ત્યારે આ રકમ હપ્તે હપ્તે ચૂકવી દેજો.’ જિગરને મનગમતી શાખામાં એડમિશન મળી ગયું એ મોટી ઘટના ન હતી, મોટી ઘટના એ બની કે એ દિવસથી ફોઇએ એવું કહેવાનું બંધ કરી દીધું કે સિદ્ધાર્થના માથા પર અભિમાન સવાર થઇ ગયું છે. બધું બરાબર ચાલી રહ્યું હતું. ત્યાં અચાનક કોરોના ટપકી પડ્યો. ફૂવાનો ધંધો ચોપટ થઇ ગયો. આમ પણ એમની આવક ચકલી લઘુશંકા કરે એટલી જ હતી. ખાવાના સાંસાં પડી ગયાં. આવામાં મદદ પણ કોણ કરે? બધે આવી જ હાલત હતી. એક દિવસ ફરી વાર વિદેશની ધરતી પરથી સિદ્ધાર્થનો કોલ આવ્યો, ‘ફોઇ, મને બધું જાણવા મળ્યું. તમે ચિંતા ન કરતા. પાંચ લાખ મોકલાવું છું. આ વર્ષ નીકળી જશે અને બીજી વાત, મેં આ પહેલાં 40 લાખ આપ્યા છે તે પાછા વાળવાની વાત ભૂલી જજો. ઇશ્વર અત્યારે મારી ઉપર મહેરબાન છે. એ જે આપી રહ્યો છે એમાં કદાચ તમારો પણ ભાગ હશે. ખૂબ થાકી ગયો છું એટલે ફોન પૂરો કરું છું.’ હળવાફૂલ બની ગયેલાં ફોઇએ ટીવી સેટ ઓન કર્યો. ન્યૂઝ ચેનલો ક્રિકેટના સમાચાર આપી રહી હતી. એ દિવસે રસાકસીભરી મેચમાં સિદ્ધાર્થે શાનદાર ફટકાબાજી કરીને ઇન્ડિયાને જીત અપાવી હતી. પડોશીઓ ફોઇનાં ઘરે દોડી આવ્યા. બધાં આવું કહી રહ્યા હતા, ‘વાહ! તમારા ભત્રીજાએ તો મેચ બચાવી લીધી.’ વહેતી આંખને લૂછવાની પરવા કર્યાં વિના ફોઇ બોલી ઊઠ્યાં, ‘સિદ્ધાર્થે મેચ જ નથી બચાવી, એની ફોઇના પરિવારને પણ બચાવી લીધો છે.’ (શીર્ષક પંક્તિ : મરીઝ) drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો