અગોચર પડછાયા:ગિલ્ટ

12 દિવસ પહેલાલેખક: જગદીશ મેકવાન
  • કૉપી લિંક
  • એની અસર પેલા માણસ પર પણ થઈ હોય એમ એણે ધીમા સ્વરે પૂછ્યું, ‘ભૂત?’

મોહને સજ્જડ બ્રેક મારી. કાર ગુંલાટ ખાતાં ખાતાં રહી ગઈ. એની પાછળ આવનારો હેવી ડ્રાઈવર હતો. એણે અદ્ભુત ચપળતા દાખવીને પોતાની કારને મોહનની કારની બિલકુલ બાજુમાંથી કાઢીને થોડે આગળ જઈને ઊભી કરી દીધી. અને ઝડપથી કારમાંથી ઊતરીને મોહન સાથે લડવા માટે ધસી ગયો.

મોહનની કાર પાસે પહોંચતાની સાથે જ એણે ગાળો વરસાવીને મોહનને કારમાંથી બહાર નીકળવાનો હુકમ કર્યો. મોહન બહાર નીકળ્યો, પણ મોહનના ચહેરા પર જે ખૌફના ભયાનક ભાવ હતા એ જોઈને એ માણસ બે પળ માટે ઢીલો પડી ગયો. પણ પછી પાછો ગુસ્સાથી બોલી ઊઠ્યો, ‘ગાંડો છે બે?’ ‘મારી કાર પર એ બેઠો છે.’ મોહન ધ્રૂજતા સ્વરે બોલ્યો. કોઈ પણ બે પળ માટે બી જાય એવો એનો બોલવાનો ઢંગ હતો. એટલે એ માણસ થોડો અટવાયો. એણે મોહનની કાર પર જોયું. પછી એ બોલ્યો, ‘ઉપર કોઈ નથી.’

‘છે. તમને નહીં દેખાય. હું કાર ચલાવતો હતો, ત્યારે એ આગળના કાચ પર નમીને મારી સામે જોઈને હસ્યો. એટલે હું ગભરાઈ ગયો અને મારે એકદમ જ બ્રેક મારવી પડી.’ મોહનના સ્વરમાં હજી પણ બીકનો થડકારો હતો. અને હવે એની અસર પેલા માણસ પર પણ થઈ હોય એમ એણે ધીમા સ્વરે પૂછ્યું, ‘ભૂત?’

‘હા.’ મોહને જવાબ આપ્યો. પેલો બે પળ માટે મોહનને ફાટી આંખે તાકી રહ્યો. પછી તેણે પાછું કારની ઉપર જોયું, પણ ત્યાં કોઈ ન હતું. તો પણ પેલો ગભરાયો અને બડબડાટ કરતો કરતો પોતાની કાર લઈને જતો રહ્યો. મોહન કારની બાજુમાં ઊભો ઊભો ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો.

આ મામલાની શરૂઆત પંદર દિવસ પહેલાં થઈ હતી. એ કાર લઈને જઈ રહ્યો હતો. એની કાર 90-95ની સ્પીડ પર હતી અને એકદમ જ એક જણ રોડ ક્રોસ કરવા ગયો. અચાનક એ માણસ સામે આવી જવાથી સ્વાભાવિકપણે મોહન પોતાની કારને કાબૂમાં રાખી ન શક્યો. અને એવા સંજોગોમાં જે થાય એ થયું. એણે પેલાને ઊડાવી દીધો. એની નજર મિરરમાં પડી. પેલો રોડ પર તરફડિયા મારી રહ્યો હતો. જો મોહન એને મદદ કરવા રોકાય તો એ ફસાઈ જાય એમ હતું. એનો વાંક ના હોવા છતાંયે પોલીસ અને કોર્ટના લફડામાં પડીને હેરાન થવું ના પડે એ માટે એણે કારને ભગાવી મૂકી. અને જોતજોતામાં તો એ ક્યાંનો ક્યાં પહોંચી ગયો. હવે એ ખતરામુક્ત હતો. એ પોલીસ અને કોર્ટથી તો બચી ગયો. પણ એના અંતરઆત્માએ એને ના છોડ્યો. એના અંતરઆત્માએ એને સતત દોષ દેવાનું ચાલુ રાખ્યું.

ઉપરથી એણે અખબારમાં વાંચ્યું કે બે સંતાનોના પિતાને કોઈ કારચાલકે ઊડાવી દીધો. એ વ્યક્તિ જ એના પરિવારનો એકમાત્ર સહારો હતો. એ પોતાની પાછળ પોતાની પત્ની અને બે બાળકોના પરિવારને રડતો મૂકીને જતો રહ્યો. આ જાણ્યા પછી મોહનનું જીવવું હરામ થઈ ગયું. એને થયું કે એના કારણે એક પરિવાર ઊજડી ગયો. કાશ, એણે કાર ઊભી રાખીને એ માણસનો જીવ બચાવવાની કોશિશ કરી હોત તો કદાચ એ બચી ગયો હોત અને મરી ગયો હોત તો પણ આ ગિલ્ટ તો ના જ હોત ને? હવે પસ્તાવાની એ લાગણી એના દિલોદિમાગ પર હાવી થઈ ગઈ અને એને એ માણસ સતત ચોતરફ દેખાવા લાગ્યો. આજે મોહન એ જ રસ્તા પરથી પસાર થયો હતો અને એની સાથે આ ઘટના ઘટી. એ મૂંઝવણમાં હતો કે ખરેખર એ માણસ એની કારના આગળના કાચ પર ઊંધો લટકીને એને સ્મિત આપી રહ્યો હતો કે એ એનો ભ્રમ હતો. અચાનક એને ખ્યાલ આવ્યો કે આ એ જ જગ્યા હતી જ્યાં એણે એ માણસને ઊડાવી દીધો હતો.

મોહનનું હૃદય પસ્તાવાને લીધે ભારે થઈ ગયું. એ ઘરે પહોંચ્યો અને ગિલ્ટથી બચવા પંખે ટિંગાઈ ગયો. તો પંખો તૂટી પડ્યો. ઝેર પીવા સોફ્ટ ડ્રિંકમાં ઝેર ભેળવ્યું, તો એ ઢળી ગયું. એને આશ્ચર્ય થયું કે એ મરવા માંગે છે તો મરી કેમ નથી રહ્યો? શું કોઈ એને બચાવી રહ્યું છે? છેવટે કાંઈ ના સૂઝતા મોં ધોવા આયના આગળ ગયો, પણ આ શું? આયનામાં તો એના બદલે પેલા માણસનું પ્રતિબિંબ હતું. એ જોઈને ગભરાઈ ગયેલો મોહન ચીસ પાડીને ઢળી પડ્યો. હાર્ટએટેકને કારણે એનું પ્રાણપંખેરું ઊડી ગયું.

* * *

બે-ચાર મિનિટ પછી મોહનના ઘરમાં, સોફા પર બે આત્મા ચૂપચાપ બેઠા હતા. એક મોહનનો અને બીજો પેલા માણસનો. થોડી ક્ષણો પછી પેલા માણસનો આત્મા હિંમત કરીને બોલ્યો, ‘મારે માથે લાખોનું દેવું હતું. એટલે હું તો આત્મહત્યા કરવા માટે તમારી કાર આગળ કૂદી પડ્યો હતો, પણ મારુ શરીર મરી ગયું અને મારો આત્મા તમારી સાથે કારમાં આવી ગયો. મેં જોયું કે તમે વગર લેવાદેવાએ ગિલ્ટ અનુભવી રહ્યા છો. ખરેખર તો હું તમને દેખાતો જ ન હતો. છતાંયે તમારો ગિલ્ટ એટલો બધો વધારે હતો કે તમને કારના કાચ આગળ પણ હું દેખાયો. તમને એ પસ્તાવાની લાગણીમાંથી બહાર કાઢવા માટે કેટલા વખતથી હું તમને સાચી વાત જણાવવાની કોશિશ કરતો હતો કે તમારો કોઈ વાંક નથી. એટલે જ મેં પંખો તોડ્યો અને ઝેરવાળુ સોફ્ટ ડ્રિંક પણ ઢોળી દીધું. પણ હું આત્મા છું. એટલે તમે મારો અવાજ સાંભળી શકતા ન હતા. હવે તમે પણ મારી જેમ એક આત્મા છો. એટલે હવે તમે મારો અવાજ સાંભળી શકો છો, પણ હવે સાચી હકીકત જાણ્યા પછી તમે ગિલ્ટમાંથી મુક્ત થઈ જશો. અને તમારો જીવ મારે લીધે ગયો એ ગિલ્ટમાંથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું. મારો આત્મા હવે ભટક્યા જ કરશે.’

અન્ય સમાચારો પણ છે...