તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અગોચર પડછાયા:રાત્રે બાર વાગ્યા પછી જ ભૂતાવળ સર્જાય છે!

4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આસપાસના ગ્રામવાસીઓ માટે હોસ્પિટલ ઘણી ઉપયોગી હતી, પણ આ ભૂતવાળી વાત તો રાજેશને સાવ જ હંબગ લાગી

- જગદીશ મેકવાન

‘આ હોસ્પિટલ ભૂતિયા છે. અમે અહીં રાત્રે કોઈને રાખતા નથી. અમે તમારાં પત્નીને પ્રાથમિક સારવાર આપીએ. તમે એમને શહેરની હોસ્પિટલમાં શિફ્ટ કરી દો.’ ડોક્ટરે કહ્યું. એ સાંભળતા જ રાજેશ અકળાયો. એણે ગુસ્સામાં કહ્યું, ‘તમે લોકો કામચોર છો. તમારે નાઈટ ડ્યૂટી ના કરવી પડે, એટલા માટે તમે બહાનાં કાઢો છો. તમને લોકોને દર્દીની તકલીફનો કોઈ વિચાર આવે છે કે નહીં?’ ‘દર્દીની તકલીફનો વિચાર આવે છે, એટલે તો તમને સાચી સલાહ આપીએ છીએ. તમારી પત્નીને રાત્રે લેબર પેઈન ઉપડશે તો અટવાઈ જશો.’ ડોક્ટરે જવાબ આપ્યો અને ઉમેર્યું, ‘આ હોસ્પિટલ ખરેખર હોન્ટેડ છે.’

‘ડોક્ટર થઈને આવી વાહિયાત વાતો કરતા શરમ નથી આવતી તમને? જો આ હોસ્પિટલ ભૂતિયા છે તો તમે બધાં અહીં નોકરી શા માટે કરો છો? ટ્રસ્ટવાળાઓએ શા માટે હોસ્પિટલ ચાલુ રાખી છે?’ ‘દિવસે ભૂત નથી આવતું. રાત્રે બાર વાગ્યા પછી જ ભૂતાવળ સર્જાય છે અને ટ્રસ્ટનું તો એવું છે કે, ટ્રસ્ટી થોડા કંઈ ભૂતનું કારણ આપીને હોસ્પિટલ બંધ કરે? અમે આખો દિવસ લોકોની સેવા કરીએ જ છીએ ને? તમે રોકાશો તો તમારા લીધે અમારે પણ રાતે રોકાવું પડશે.’ ‘તે રોકાવું તો પડે જ ને?’ રાજેશે મક્કમતાથી કહ્યું. ડોક્ટરના ચહેરા પર ગુસ્સો ધસી આવ્યો. એ તોછડાઈથી બોલ્યા, ‘ભલે. તો કરી દઈએ છીએ તમારાં પત્નીને દાખલ, પણ પછી રાતે ભૂત પરચો બતાવે તો અમને ના કહેતા અને હા, રાતે અહીં તમે બે જ જણ હશો. બધો જ સ્ટાફ રાતે દસ વાગ્યાની આસપાસ જતો રહેશે.’ ‘હું ઉપર ફરિયાદ કરીશ.’

‘કરજો. જીવતા રહો તો.’ બોલીને ડોક્ટર જતા રહ્યા. ડોક્ટરની સૂચનાથી રાજેશની પત્નીને દાખલ કરવામાં આવી. રાજેશ પત્નીના બેડની બાજુમાં પડેલા સ્ટૂલ પર ગોઠવાયો અને એનું મગજ વિચારે ચડ્યું. આજે સવારે જ એ પોતાની ગર્ભવતી પત્ની સાથે કારમાં જઈ રહ્યો હતો. એની પત્નીની તબિયત સવારથી જ ખરાબ હતી, જે રસ્તામાં વધારે બગડી. એટલે એણે હાઈવે પર એક ચાની લારીવાળાને પૂછ્યું કે નજીકમાં કોઈ હોસ્પિટલ છે? તો એ ચાની લારીવાળાએ એને આ હોસ્પિટલમાં મોકલ્યો. હોસ્પિટલ કોઈ ટ્રસ્ટની હતી, પણ સાવ ગામડાને છેડે હતી અને આસપાસના ગ્રામવાસીઓ માટે ઘણી ઉપયોગી હતી, પણ આ ભૂતવાળી વાત તો રાજેશને સાવ જ હંબગ લાગી. જોકે, હજીએ દિવસ હોત તો ડોક્ટરની વાત માનીને એ પોતાની ગર્ભવતી પત્નીને લઈને રવાના થઈ ગયો હોત, પણ રાત્રે જો રસ્તામાં ફરી તબિયત બગડે તો રાતોરાત ક્યાં જવું? એમ વિચારીને એણે અહીં જ રોકાવાનો નિર્ણય લીધો.

એને તરસ લાગી તો એ કૂલર પાસે ગયો, પણ એ તો બગડેલું હતું. એ વાતે પણ કચ-કચ થઈ. દીવાલ પર બગડેલી ઘડિયાળ લટકતી હતી. એ મામલે પણ રાજેશે વોર્ડબોયને ખખડાવ્યો. છેવટે લગભગ દસ વાગ્યે એને ઊંઘ આવી. એટલે એણે એની પત્નીની પથારીની બાજુમાં ખાલી પડેલા પલંગમાં લંબાવ્યું. મોડી રાત્રે એને તરસ લાગી. એટલે એની ઊંઘ ઊડી. એણે દીવાલ ઘડિયાળ સામે જોયું. બે વાગ્યા હતા. એ કૂલર પાસે ગયો. પાણી પીધું. એને આશ્ચર્ય થયું કે બગડેલી ઘડિયાળ અને કૂલર બંને ચાલુ હતાં. તેને થયું કે તેણે વોર્ડબોય સાથે કચ-કચ કરી તો ઘડિયાળ અને કૂલર કેવાં ચાલુ થઈ ગયાં! તેની નજર ડોક્ટરની ઓફિસ પર પડી. ત્યાંની લાઈટ ચાલુ હતી. એટલે એ ત્યાં ગયો. ડોક્ટર બારી પાસે ઊભા હતા. ડોક્ટરની પીઠ રાજેશ તરફ હતી. રાજેશ ડોક્ટરની હાંસી ઉડાવતો હોય એવા સ્વરે બોલ્યો, ‘તમે તો કહેતા હતા ને કે આ હોસ્પિટલમાં રાત્રે ભૂતાવળ સર્જાય છે.”

‘એ તો હું હજી પણ કહું છું.’ ઘોઘરા સ્વરે બોલીને ડોક્ટર પોતાનું માથું 360 અંશે ઘુમાવ્યું. ડોક્ટરનો ચહેરો જોતા જ રાજેશના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ડોક્ટરની આંખોની જગ્યાએ બે બાકોરાં હતાં અને ચહેરો ઠેક-ઠેકાણેથી ફાટેલો હતો. ડોક્ટરે રાજેશ તરફ પગ ઉપાડ્યો. રાજેશ બીકનો માર્યો ચીસો પાડતો-પાડતો નાઠો. સીધો જ એની પત્ની દાખલ હતી એ વોર્ડમાં પહોંચી ગયો, પણ એ વોર્ડના દરવાજા પાસે જ એના પગ ચોંટી ગયા. આંખો સામેનું દૃશ્ય જોઈને બીક અને આઘાતના માર્યા એ રડી પડ્યો. એની પત્ની પથારી પર હવામાં અદ્ધર ચાલી રહી હતી. એના છૂટ્ટા વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા. એની આંખો સંપૂર્ણ પણે સફેદ રંગની હતી. એની પીળી જીભ છેક છાતી સુધી લબડી રહી હતી. રાજેશને જોઈને એ ઘોઘરા સ્વરે બોલી, ‘ના પાડેલી ને અહીં રાતે રોકાવાની?’ રાજેશનાં ટાંટિયા ઢીલા થઈ ગયા. એ બીકનો માર્યો થર-થર કાંપવા લાગ્યો. એની પત્નીએ રાજેશનું ગળું દબાવવા પોતાનો હાથ દસ ફૂટ જેટલો લાંબો કર્યો. એટલે રાજેશ જીવ બચાવવા લોબી તરફ નાઠો. તો લોબીમાં તો ડોક્ટર દીવાલ પર આડો ચાલતો-ચાલતો સામે આવી રહ્યો હતો. રાજેશ એ હદે બી ગયો કે જીવ બચાવવા પત્નીને મૂકીને હોસ્પિટલ છોડીને નાઠો, પણ બહાર ઝાડીઓ પાસે જ લથડિયું ખાઈને ગબડી પડ્યો. એને આંચકી આવી અને એ બેહોશ થઈ ગયો.

બીજે દિવસે જ્યારે એની આંખો ખૂલી, ત્યારે એ હોસ્પિટલમાં પત્નીના બેડની બાજુના બેડ પર જ હતો. તેની પત્ની સહીસલામત હતી. ડોક્ટર રાજેશની પત્નીના બેડ પાસે જ ઊભા હતા. એ બોલ્યા, ‘કિસ્મતવાળા છો તમે. બાકી આ હોસ્પિટલમાં રાતે રોકાનાર કોઈ જીવતું નથી. અમે બધાં તો રાત્રે દસ વાગ્યે જતાં રહેલાં. તમે બંને આખી રાત એકલાં જ હતાં. તમને રાત્રે ભૂત-બૂત જેવું કંઈ દેખાયેલું?’ ‘ના.’ રાજેશે કંઈક વિચારતો હોય એમ જવાબ આપ્યો અને દીવાલ પર નજર નાખી. ઘડિયાળ હજીએ બગડેલી જ હતી. એ પાણી પીવા બહાર આવ્યો. તો કૂલર ગઈકાલની જેમ જ બંધ હાલતમાં હતું. હવે રાજેશને ખાતરી થઈ કે એને રાત્રે ભયાનક સપનું આવેલું. એના ચહેરા પર સ્મિત તરી આવ્યું. હવે એની પત્નીની હાલત સારી હતી. એટલે એણે રજા લીધી. જતાં-જતાં ડોક્ટરના મૂંઝાયેલા ચહેરા તરફ જોઈને એક વિજયી સ્મિત પણ ફટકાર્યું. એ ઘટનાને સત્તર દિવસ થયા. તેની પત્નીએ હોસ્પિટલમાં એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. ત્રણ દિવસ પછી બાળકને લઈને બંને ઘરે આવ્યાં. રાત્રે બે વાગ્યા. બાળક ઊભું થયું. હવામાં અદ્ધર થયું. રાજેશ અને એની પત્નીને કાતિલ નજરે તાકી રહ્યું. એ બાળકના ફાટેલા ભયાનક લીલા રંગના ચહેરા પર એક કાતિલ સ્મિત પ્રગટ્યું. એના હોઠ પાછળ રહેલા બે રાક્ષસી દાંત બહાર આવ્યા. અઠવાડિયા પછી રાજેશ અને એની પત્નીની લાશ મળી. બંનેના શરીરનું બધું જ લોહી ચૂસાઈ ગયું હતું અને આંતરિક અંગો પણ ગાયબ હતાં. સાથે ગા0યબ હતું એમનું એકનું એક સંતાન. makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો