અત્ર-તત્ર-સર્વત્ર:તમારા દોસ્ત-દુશ્મન અને પ્રતિસ્પર્ધીને ઓળખી લો…

ભરત ઘેલાણી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મિત્ર અને શત્રુ… આ બન્ને શબ્દ કહો કે સંબંધ – એ આપણાં જીવનના સૌથી વિરોધાભાસી શબ્દ છે. એ બન્ને સંબંધના અંતિમ છેવાડે ખડા છે. અનેક પાસે મિત્ર વિશે 550થી પણ વધુ વ્યાખ્યા હોઈ શકે. પ્રત્યેક વ્યાખ્યાનું એ સચોટ પૃથક્કરણ પણ કરી શકે, પરંતુ અહીં ટ્રેજેડી એ હોય છે કે દિવસના અંતે ‘મિત્ર’ કહી શકાય એવી સમ ખાવા પૂરતી પણ એકાદ વ્યક્તિ એની સમીપ સુદ્ધાં હોતી નથી . અહીં મિત્ર-શત્રુ અને પ્રતિસ્પર્ધીના સંબંધ વિશે-ખાસ કરીને, શત્રુ અને પ્રતિસ્પર્ધી વિશે જાણી-સમજી લેવું જરૂરી છે. પ્રતિસ્પર્ધી તમારો સત્તાવાર દુશ્મન નથી, પણ તમારા બન્ને વચ્ચે એક નજરે ન ચઢતી-અદૃશ્ય લક્ષ્મણરેખા જરૂર છે, જે એકબીજા પર વિજય મેળવવાના ઉન્માદમાં વળોટી જવાય તો તમે એકમેકના દુશ્મન જરૂર બની જાઓ... હા, બન્ને જો સમજી-વિચારીને માત્ર સ્પર્ધી જ બની રહો તો બની શકે કે ભવિષ્યમાં તમે બન્ને અચ્છા મિત્ર પણ જરૂર બની શકો. હા, જો કોઈ પોરસાઈને કહે કે મારો તો કોઈ જ દુશ્મન નથી તો એ ખાંડ ખાય છે. કેટલાક દુશ્મન તો મિત્રના શ્વાંગમાં પડખે જ ખડા હોય છે. તક મળે ત્યારે છૂપો ઘા મારી દે. આવા શત્રુ જરૂરી નથી કે હાડમાંસના હોય. એ તમારો ખુદનો અહંમ હોઈ શકે, ક્રોધ હોઈ શકે કે પછી લત કે તમારી લાપરવાહી પણ હોઈ શકે. જોઈએ એવો મિત્ર નહીં મળે તો ચાલશે, પણ સભાનપણે દૂર દૂર પણ એકાદ શત્રુ પાળી રાખવો સારો. અહીં વિખ્યાત કવિ – ડો. સુરેશ દલાલને યાદ કરી લઈએ. એ કહે છે : ‘મિત્ર એ નજીકનો દુશ્મન છે ને દુશ્મન કદાચ દૂરનો મિત્ર...’ આમ, દરેકનાં જીવનમાં એકાદ તો વિલન હોવો જ જોઈએ તો જ જીવન જીવવા જેવું લાગે. એકાદ આવો વિલન કે શત્રુ કે પછી પ્રતિસ્પર્ધી સુદ્ધાંનો માથા પર તોળાતો ભય જ આપણને સજાગ રાખે પછી એની સામે ટક્કર લેવાની મજા પડે. શત્રુ તો સીધો ઘા કરે, પણ સ્પર્ધક તમને વધુ સજ્જ થવાનો સમય આપે, તમારી પ્રતિ- આક્રમણની શક્તિને સુયોજિત કરવાની તક આપે. આમ, કેટલીક વાર આપણા દુશ્મન કરતાં આપણો પ્રતિસ્પર્ધી આપણને વધુ શીખવી જતો હોય છે! તો કોણ કોણ છે તમારા શત્રુ કે સ્પર્ધી અને કઈ રીતે કરવી એની પહેચાન કે ઓળખ? આપણે અહીં ચીલાચાલુ દુશ્મન કે શત્રુની વાત નથી કરવી. બીજાં વેશ-પરિવેશમાં આપણી આસપાસ રહેતાં એવાં અનિષ્ઠોને ઓળખીએ, જે શત્રુથી પણ કંઈ કમ નથી. દાખલા તરીકે : ઊંઘ… આમ તો નિદ્રા તબિયત માટે ઉપકારક છે, પણ એનો અલ્પ કે અતિરેક કોઈની પણ આરોગ્ય અને આર્થિક અવસ્થાને ડગમગાવી શકે છે. સપ્રમાણ ઊંઘ ન ધારેલું સુખ આપી શકે, પણ એના સકંજામાં તમે સપડાયા તો પેલા કુંભકર્ણની જેમ રાજપાટ ગુમાવવાનો વારો આવ્યો જ સમજો. શત્રુ નંબર બે છે વાંચન… એક મિનિટ, આ વાંચીને ચોંકશો નહીં કે ન અવઢવમાં અટવાતાં. અહીં ‘વાંચન’ એટલે સોશિયલ મીડિયા પર આપણે જે વાંચીએ છીએ એ અર્થમાં છે. ફેસબુક-વોટ્સએપ-ટિવટર કે પછી જાતભાતના બ્લોગ્સના ચક્કરમાં આવીને લોકો જેને ‘વાંચન’ ગણીને કલાકો વેડફે છે એ તમને પુસ્તકનાં ખરા જ્ઞાનવર્ધક વાંચનથી દૂર બીજી ખોટી દિશા તરફ દોરી જાય છે. આવું વાંચન પણ દુશ્મનથી કમ નથી. એ તમારો એટલો બધો કિંમતી સમય ચોરી જશે કે જેની નાણાંથી પણ પૂરતી નહીં થઈ શકે. આવાં ડિજિટલ વાંચનથી છૂટકારો મેળવવા માટે તમારે ‘ડિજિટલ ફાસ્ટિંગ’ એટલે કે ઉપવાસ કરવા પડશે. બીજા શબ્દોમાં સમજીએ તો તમારા મોબાઈલફોનથી રોજ કલાકો સુધી સજાગપણે દૂર રહેવું પડશે- એનો વિરહ વેઠવો પડશે. આવાં વિરહનાં ફ્ળ તમને ગેરેન્ટેડ મીઠાં જ મળશે… પ્રોમિસ!⬛bharatm135@gmail.com

અન્ય સમાચારો પણ છે...