તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપણી વાત:વર કન્યા ભગાડો, સાવધાન!

વર્ષા પાઠક22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કલ્પના કરી જુઓ કે વેલેન્ટાઇન્સ ડેનો વિરોધ કરનારને એ જ દિવસે કોઈ મનગમતું પ્રેમપાત્ર મળી જાય તો એ શું કરે?

આપણે ત્યાં ઘરમાં કોઈના લગ્ન નક્કી થાય એટલે પહેલું કામ, ઓળખીતા પંડિતજી પાસે જઈને શુભ મુહૂર્ત કઢાવવાનું થાય. મોટાભાગનાં પંડિતજી ફ્લેક્સિબલ, વ્યવહારુ હોય છે. એમણે આપેલી સુપર શુભ તારીખે શહેરમાં યજમાનને કોઈ મૅરેજ હૉલ ન મળતો હોય તો એ સેકન્ડ, થર્ડ, ફોર્થ બેસ્ટ તારીખ પણ કાઢી આપે. હવે ધારોકે એમણે આપેલા શુભ મુહૂર્તે લગ્ન થાય તોયે મોટાભાગના કિસ્સામાં મહત્ત્વ માત્ર દિવસનું હોય છે. પંડિતજીએ થોથાં ઊથલાવીને કહ્યું હોય કે 17 એપ્રિલની સાંજે છ કલાક ને બાર મિનિટે હસ્તમેળાપનું મુહૂર્ત છે તો આપણે હોંશેહોંશે કંકોતરીમાં આ લખાવી દઈએ, અને 17 એપ્રિલે લગ્ન પણ લેવાઈ જાય. પરંતુ પંડિતજીએ ભાર દઈને હસ્તમેળાપ માટે જે અતિ શુભ સમય આપ્યો હોય એ વખતે તો મંડપમાં કાગડાં ઉડતાં હોય. દુલ્હન એના રૂમમાં મેકઅપ કરાવતી હોય, જાનૈયા રસ્તામાં નાચી રહ્યાં હોય, સમજુ યજમાને વહેલા ડિનરની વ્યવસ્થા કરી હોય તો મહેમાનો પેટપૂજામાં પડી ગયા હોય. પછી પંચાંગમાં કહેલા અશુભ ચોઘડિયે હસ્તમેળાપ થાય તોયે કોઈ ફરિયાદ ન કરે. ક્યારેક વિચાર આવે કે આપણે આપણા મનફાવતા સમયે જ બધું કરવું હોય તો શું કામ મુહૂર્ત કઢાવવાની મહેનત અને ખર્ચ કરવો. પરંતુ પછી યાદ આવી જાય કે પરંપરા છે. મુહૂર્ત કઢાવવું અને પછી ભૂલી પણ જવું. બસ, લગ્ન થઇ જાય, વર કન્યા અને એમનાં પરિવારજનો ખુશ થાય એટલે બસ. બીજી તરફ એવાં લોકો પણ હોય છે, જેમની પોતાની અનેરી પરંપરા હોય છે. એ લોકો હિન્દુ કે બીજા કોઈ ધર્મનું પંચાંગ નહિ પણ અંગ્રેજી તારીખો ધરાવતા કેલેંડરના આધારે પોતાનો કાર્યક્રમ ગોઠવે છે. અને એમની ઉજવણીમાં પહેલી અને મુખ્ય વાત એ યાદ રાખવાની હોય કે વર કન્યા થવા માટે થનગની રહેલા છોકરા અને છોકરી ભૂલેચૂકે પણ જાહેરમાં ખુશ થતાં દેખાવાં ન જોઈએ. દેખાય તો એવા ભૂંડા હાલ કરે કે પેલાં બાપડાં પ્રેમ કરવાનું બાજુએ રહ્યું, પ્રેમનું નામ બોલવાનુંયે ભૂલી જાય.આવતા રવિવારે 14 ફેબ્રુઆરી છે, વેલેન્ટાઇન્સ ડે છે. આ દિવસની ઉજવણી પાછળ મૂળ કારણ શું છે, કે વેપારીઓએ કેટલી હદે એનું કમર્શિયલાઇઝેશન કરી નાખ્યું છે, એની ચર્ચામાં અહીં પડવું નથી. પરંતુ સામાન્ય લોકો, મોટેભાગે યુવાવર્ગ વેલેન્ટાઈન્સ ડેને પ્રેમ અને પ્રેમીઓનો દિવસ માને છે. આઈ લવ યુ કહેવા માટે તો વરસના 365 દિવસ મળતા હોય, પણ વેલેન્ટાઇન્સ ડે પર જરા વધુ સ્ટાઇલથી કહેવાનું, બજેટમાં બેસતું હોય તો ગિફ્ટ્સની લેવડદેવડ કરવાની. ટૂંકમાં ફિલ્મી સ્ટાઇલ રોમાન્સ કરવાનો. પરંતુ કમનસીબે, આપણે ત્યાં વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી માટે જેટલો ઉત્સાહ હોય, એટલો જ એનો વિરોધ કરવા માટે પણ હોય છે. પ્રેમીઓ ગુલાબ શોધવા માટે બજારમાં નીકળે અને વિરોધીઓ આવા જ પ્રસંગ માટે ઘરના માળિયા પર રાખેલા દંડા ઉતારે. આ પ્યારકા દુશ્મન તૈયબઅલી અને તારાચંદોની તરફેણમાં જોકે એટલું કહેવાય કે એ પોતાના ઈરાદાની આગોતરી જાણ કરી દે છે. લગ્ન વખતે કન્યાને મંડપમાં બોલાવતી વખતે ‘સાવધાન’નો સાદ પડાય છે. પણ અહીં તો અઠવાડિયા પહેલા જ ‘સાવધાન’નો સાદ પડી જાય છે, જે છોકરીની સાથેસાથે છોકરા પણ સાંભળે, એવી અપેક્ષા રખાય છે. લગ્ન વખતે તો ગોરમહારાજ ફરીફરીને સાવધાન કહે તોયે બધાં લોકો મંડપમાં કન્યાના આગમનની વાટ જુએ. અરે, કોઈ કિસ્સામાં છોકરી નાખુશ હોય તોયે એને પરાણે લઇ અવાય. પરંતુ વેલેન્ટાઇન્સ ડે પર તો છોકરા છોકરી ઉપરાંત ઘણાં માબાપો પણ ફફડે છે કે જેમના જીવનમાં રોમાન્સ જેવી કોઈ ચીજ નથી એ લોકો ક્યાંક અમારાં બાળકોને ટીપી ન નાખે. ભૂતકાળમાં એવા કિસ્સા પણ બન્યાં છે, જ્યાં વેલેન્ટાઇન્સ ડે પર બહાર નીકળેલાં સગાં પતિપત્નીને પણ વેલેન્ટાઇનવિરોધીઓએ હેરાનપરેશાન કરી નાંખ્યાં હોય. મારપીટ કરનારા લોકો પોતાને હિન્દૂ સંસ્કૃતિના રક્ષક ગણાવે છે અને કહે છે કે વેલેન્ટાઇન્સ ડે પશ્ચિમની આયાત છે અને આપણી મહાન ભારતીય સંસ્કૃતિનો નાશ કરવાનું ષડયંત્ર છે. જોવાનું એ કે આ સંસ્કૃતિના ઘ્વજધારીઓને વિદેશથી આવેલા મધર્સ ડે, ફાધર્સ ડે સામે કોઈ વાંધો નથી. હા, 25 ડિસેમ્બરે કોઈ ક્રિસમસની શુભેચ્છા આપે, 31 ડિસેમ્બરે પાર્ટીઓ થાય, 1 જાન્યુઆરીએ કોઈ હેપી ન્યૂ યર કહે ત્યારે એમને વાંધો પડે છે. વિરોધ કરવામાં પછી ભેદભાવ શું કામ દાખવવાનો? વેલેન્ટાઈન્સ ડે પર એકબીજાંને ચોકલેટ ખવડાવતાં પ્રેમીપંખીડાઓમાં જેમને પાશ્ચાત્ય સંસ્કૃતિની નાપાક અસર દેખાય છે, એમણે પછી પોતાના કે પોતાના નેતાના જન્મદિવસે મસમોટી કેક નહિ કાપવાની. હકીકતમાં એમને વેલેન્ટાઇન્સ ડે નહિ, પ્રેમ સામે જ વાંધો હશે, અને એ પણ યુવાન વયે છોકરા છોકરી વચ્ચે થતા પ્રેમ સામે. કદાચ એમના જીવનમાં એવો કોઈ રોમેન્ટિક કાળ આવ્યો જ નહિ હોય એટલે પોતાની હતાશા અને ગુસ્સો પ્રેમીઓ પર કાઢે છે. અહીં એક મોટો સવાલ એ થાય છે કે વેલેન્ટાઇન્સ ડેનો વિરોધ કરવામાં યુવાનોય શું કામ જોડાતાં હશે? એમને પ્રેમ કરવા માટે કોઈ પાત્ર નહિ મળ્યું હોય કે જે મળી એને બીજો કોઈ ઝુંટવી ગયો હશે કે પછી કાશ, કોઈ આઈ લવ યુ કહેવા સંભાળવાવાળું મળી જાય તો આ લુખાગીરી છોડી દઉં, એવી પ્રાર્થના એ કરતાં હશે? ⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો