દરરોજ સવારે ઊઠીએ ત્યારે પેટ બરાબર સાફ થાય તો આખો દિવસ તાજગી અને હળવાશ અનુભવાય છે, પણ જો પેટ સાફ ન થાય તો આખો દિવસ પેટમાં દુ:ખાવો રહે, પેટ ફૂલેલું રહે અને છેવટે કબજીયાતની તકલીફ થાય. આવું ક્યારેક થાય તો ઠીક છે, પણ જો પેટ સાફ થવાની તકલીફ દરરોજની થઈ જાય તો તેને કબજીયાત એટલે કે કોન્સ્ટિપેશન કહેવાય. તો જાણીએ કબજીયાત થવાનાં કારણો અને તેના ઉપાયો… દરેક વયમાં જોવા મળે આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન કે આખો દિવસ એક જ જગ્યા પર બેસી રહેવું, એક્સરસાઈઝ ન કરવી, આવી દરેક બાબત સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે અને કબજીયાત થાય છે. સૌથી વધુ પેટ અને પાચનક્રિયાને અસર થાય છે. એનાથી રોજ સવારે તમારા માટે મુશ્કેલી ઊભી થાય છે. મોટાઓથી માંડીને યુવાનો અને બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. હા, થોડી સાવચેતી રાખવાથી કબજીયાતથી છૂટકારો મેળવી શકાય છે. કબજીયાત એક સામાન્ય સમસ્યા છે, જે ક્યારેક ભોજનની ખોટી આદતોને કારણે પણ થાય છે. કબજીયાત થવાનાં કારણો ભોજનમાં ફાઈબરનો અભાવ, શરીરમાં પાણીની કમી, અનિયમિત ઊંઘ, ઓછું ચાલવું, ઓછું કામ કરવું, શારીરિક મહેનત ન કરવી, કેટલીક દવાઓનું સેવન કરવું, મોટા આંતરડામાં કોઈ ઈજાને કારણે કે આંતરડામાં કેન્સર, તણાવ, કેલ્શિયમ અને પોટેશિયમની ઊણપ, ડાયાબિટીસના દર્દીઓમાં પાચન સંબંધિત સમસ્યાઓ, ચા, કોફીનું વધુ સેવન કરવાથી, ધૂમ્રપાન કરવાથી કે દારૂ પીવાથી. આ ઉપરાંત યોગ્ય સમયે ભોજન ન લેવાથી. આ બીમારી થઈ શકે છે કબજીયાતને કારણે પાઈલ્સ, ગેસ્ટ્રિક સંબંધિત બીમારી, પેટનું અલ્સર, મોટા આંતરડામાં સોજા, ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ જેવી બીમારી થઈ શકે છે.
ફાઈબરનું વધારે સેવન કરવાથી પાચનતંત્ર ઝડપી કાર્ય કરે છે ખોરાકમાં ફાઈબરનો વધુ ઉપયોગ કરવાથી કબજીયાત દૂર થઈ શકે છે. રેશાયુક્ત ભોજનનું વધારે સેવન કરવું, તાજાં ફળ તેમજ શાકભાજી વધારે ખાવા જોઈએ. આ ઉપરાંત ખૂબ જ પાણી પીવું જોઈએ. નિયમિત કસરત કરવી જોઈએ. આ સાથે જ ખોરાકમાં એવી વસ્તુઓ લેવી જેથી પેટ સાફ થઈ જાય. જેમકે, બે નાની ચમચી ઈસબગોલ પાણીમાં 6 કલાક પલાળીને એટલી જ માત્રામાં સાકર મેળવેલું પાણી પીવાથી કબજીયાત દૂર થાય છે, ચણા ખાવાથી અને ચણાના લોટની રોટલી ખાવાથી આ સમસ્યા દૂર થાય છે, રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાથી કબજીયાત દૂર થાય છે, ઘઉંના જવારાનો રસ તેમજ મેથીના પાનનું શાક ખાવાથી કબજીયાત રહેતી નથી. ટામેટાં પણ કબજીયાત દૂર કરવાનો ઉત્તમ વિકલ્પ છે. મેડિટેશન, યોગ, બાયોફીડબેક તેમજ રિલેક્સેશનની ટેક્નિકથી તણાવ દૂર કરી શકાય છે. એક્યુપ્રેશર કે શિઅત્સુ મસાજ પણ તણાવ દૂર કરવામાં મદદરૂપ બને છે. પેટને મસાજ કરવાથી સ્નાયુઓને આરામ મળે છે, જેનાથી આંતરડાની ગતિ સારી બને છે.
અન્ય ઘરેલુ ઉપચાર ⚫ ડિહાઇડ્રેશનથી પણ કબજીયાત થાય છે. તેથી યોગ્ય પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. સાદા પાણીની જગ્યાએ લીંબુ પાણી, નારિયેળ પાણી જેવા તરલ પદાર્થોને પણ ડાયટમાં લઈ શકાય. ⚫ ફાઈબરનું વધારે સેવન કરવાથી પાચનતંત્ર ઝડપી કાર્ય કરે છે, જેથી સ્ટૂલ પાસ કરવું સરળ બને છે. ડાયટમાં અનાજ, ફળો અને શાકભાજી, ઓટ્સ, જવ, નટ્સ વગેરેનો સમાવેશ કરો. - મુનક્કા જે કિસમિસનું એક મોટું સ્વરૂપ છે. તેનું સેવન કરવાથી પણ કબજીયાતમાં રાહત મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.