તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શબ્દના મલકમાં:ગાંધીજીનું સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય પર ગાંધીપ્રભાવ

મણિલાલ હ. પટેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીજી ભલે કાયદાનું ભણ્યા પણ એમણે જીવન અને જીવનમૂલ્યો વિશે સરળ, સહજ ને રસાળ શૈલીમાં લખ્યું

જીવનનું કોઈ પણ ક્ષેત્ર એવું નહીં મળે કે જેની ઉપર મહાત્મા ગાંધીનો પ્રભાવ નહીં પડ્યો હોય! એમનું જીવન, એમનાં નિત્ય જીવનનાં વ્રતો, એમની સાદગી, એમના વિચારો અને આચારોમાં રહેલી દૃઢતા, માનવમૂલ્યો માટેની એમની ખેવના, દેશપ્રેમ અને પીડિતો માટેની ઊંડી સંવેદનાઓ: આ બધું જ એમના સાહિત્યમાં સુપેરે વણાઈ ગયેલું છે. ગાંધી તો અમારા ગુજરાતના છે. છેક 1930માં, દાંડીકૂચ માટે નીકળ્યા ને પ્રતિજ્ઞા લીધી કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ આઝાદી નહીં મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પાછો પગ નહીં મૂકું.’ ત્યાં સુધી ગુજરાત જ ગાંધીની કર્મભૂમિ રહ્યું! એમનું સાહિત્ય માતૃભાષામાં રહ્યું. માતૃભાષા અને માતૃભૂમિ એમને આજીવન પ્રાણપ્યારાં રહ્યાં હતાં. ગાંધીજી સાહિત્યકાર ગણાય? એવો પ્રશ્ન ઘણાંને થયો હતો ને આજેય થતો હશે! તો સીધો જવાબ છે- હા! મોહનદાસ કરમચંદ ગાંધી ભલે કાયદાનું ભણ્યા પણ એમનું લેખન કાયદા-કાનૂન વિશેનું નથી. એમણે તો જીવન અને જીવનમૂલ્યો વિશે લખ્યું. સરળ, સહજ ને રસાળ શૈલીમાં લખ્યું. સાદગી અને વાસ્તવવર્ણન એના ગુણ વિશેષ છે. ગાંધીજી ‘સર્જક’ નથી પણ ‘લેખક’ છે.  આત્મકથા-સત્યના પ્રયોગો : હિન્દ સ્વરાજ  મંગલ પ્રભાત : નિબંધાત્મક લખાણો : ચરિત્રચિત્રણ  મહાદેવ દેસાઈની ડાયરીમાં સચવાયેલાં એમનાં વ્યાખ્યાનો : ગાંધીજીને લેખક ઠરાવતાં મહત્ત્વનાં લેખનો છે. ગાંધીજી કવિ-વાર્તાકાર નથી. ચરિત્રકાર અને નિબંધકાર છે, અનુવાદક છે, સારા આસ્વાદક છે. સાહિત્યના વાચક ખરા પણ પાછલી જિંદગીમાં એવો સમય નથી મળ્યો, પરંતુ એમની ‘આત્મકથા’ ભારતની મુખ્ય ભાષાઓમાં તથા વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદરૂપે પહોંચી ગઈ હતી. દુનિયાનાં ‘બેસ્ટ સેલર્સ’ પુસ્તકોમાં એનું સ્થાન હંમેશાં રહ્યું છે. પ્લેટોની જેમ ગાંધીજી પણ સાહિત્યને ઉપયોગિતાના દૃષ્ટિકોણથી જુએ છે. સાહિત્ય અલંકૃત ભાષામાં અને કલાના દૃષ્ટિકોણથી લખાય એ વાત ગાંધીજીને જચતી નથી. એ તો કહે છે કે ખેતરમાં કોસ હાંકતો કોસિયો, સમજી શકે એવી ભાષામાં સાહિત્ય હોવું જોઈએ. એમાં જીવનમૂલ્યો, ચારિત્ર્યઘડતરની વાતો હોવી જોઈએ. ઘણાંને એ ખબર નહીં હોય કે (1918)માં ગાંધીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચૂંટણી, રમણભાઈ નીલકંઠ સામે હારી ગયા હતા- હજી એ દેશમાં નવા-નવા હતા. જોકે, 1936માં પરિષદ પ્રમુખપદે એમની વરણી થઈ હતી, ને બારમા અધિવેશનમાં અમદાવાદ ખાતે, કવિવર ટાગોરની હાજરીમાં ગાંધીએ ઉપરોક્ત વિચારો પ્રમુખપદેથી કહ્યા હતા. ગાંધીજી ‘સરસ્વતીચંદ્ર’ વાંચે છે ને થોડા સારા શબ્દો પણ કહે છે. ક.મા. મુનશીની નવલો માટે ગાંધીજીને ઉમળકો નથી. એમને તો તોલસ્તોયની ‘ધ કિંગડમ ઓફ ગોડ ઈઝ વિધિન યુ’ જોઈએ છે. ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’- કેવો સરસ અનુવાદ છે! રસ્કિનનું ‘અનટૂ ધીસ લાસ્ટ’ એમનું પ્રિય પુસ્તક છે. ‘સર્વોદય’ નામે એનો અનુવાદ એ કરે છે. ક્યારેક મણિલાલ નભુભાઈની ‘અમર આશા’ ગઝલ વિશે ખુશ થઈને લખે છે ખરા, પણ એમને તો ‘વોર એન્ડ પીસ’ જેવી મહાન કથા ખપે છે. ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીનો ઊંડો અને વ્યાપક પ્રભાવ પડ્યો હતો. ગાંધીના વિચારપત્રો-હરિજનબંધુ-યંગ ઈન્ડિયા વગેરે દ્વારા ગાંધીવિચાર ઘેર-ઘેર પહોંચેલા. આત્મકથા-સત્યના પ્રયોગો-1926માં પ્રગટ થઈ એ જ વર્ષે ધૂમકેતુ ‘તણખા’ મંડળ-1ની વાર્તાઓમાં ગામડું લઈ આવેલા. ગાંધીવિચારનો પ્રભાવ એવો રહ્યો કે 1925થી 1940ના સમયગાળાને ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં ‘ગાંધીયુગ’ને નામે ઓળખાવવામાં આવ્યો. ઉમાશંકર-સુન્દરમ્્ની કવિતા-વાર્તામાં એ પ્રભાવ સ્પષ્ટ છે. ઉજોનું ‘વિશ્વશાંતિ’ એનું પ્રથમ ઉદાહરણ છે. ‘વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે પુષ્પો વનોની છે વનસ્પતિ.’ ગાંધીપ્રભાવે સાહિત્યમાં ગામડું આવ્યું, દેશદાઝ પ્રગટી, સાદી ને અર્થવાહી ભાષામાં વાર્તા-નવલ-નિબંધ લખાવા માંડ્યાં. ‘હું માનવી, માનવ થાઉં તો ઘણું’ વગેરે દ્વારા માનવતા-પ્રેમ-કરુણાની વાત ઝીલાઈ. ‘કલ્યાણયાત્રી’ જેવા દીર્ઘ કાવ્યમાં ગાંધીને વર્ણવતા અંતે કવિ કરસનદાસ માણેક કહે છે: ‘કાવ્યનું સત્ય છો બાપુ! સત્યનું કાવ્ય છો તમે ઝંખતી કાવ્યને સત્યે : સૃષ્ટિ આ આપને તમે.’⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...