આંતરમનના આટાપાટા:ગાંધીજીના વિચારો આજે પણ આપણને દોરે છે

11 દિવસ પહેલાલેખક: જય નારાયણ વ્યાસ
  • કૉપી લિંક
  • ગાંધીવિચાર આજે પણ શાશ્વત છે, આવતીકાલે પણ એ વધુ પ્રસ્તુત બનીને ઊભરશે

સમય સહુને સરખા કરી નાખે છે. કાળની ગર્તામાં ભલભલા વિલીન થઈ જાય છે. કાળ હંમેશાં પરિવર્તન માંગે છે. એ નથી એનાથી આગળ ચાલનારને ચલાવી લેતો કે નથી પાછળ રહી જનારને ચાલવા દેતો. અનેક ફિલસૂફોએ, અનેક વિચારકોએ, અનેક રાજનેતાઓએ, અમુક ચોક્કસ સમયે તેમના વિચારોની મોહિનીથી ઘણાં બધાંને આકર્ષ્યાં અને દોર્યાં પણ આ આકર્ષણ સમય વીતવાની સાથે ઘસાતું ગયું છે. એમણે પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો ક્યારેક પડકારવામાં આવ્યા છે તો ક્યારેક ખોટા પુરવાર થયા છે. આ બધાયમાં ગાંધીવિચાર એક સુખદ અપવાદ છે. 1869ની બીજી ઓક્ટોબરે જન્મેલા ગાંધીબાપુ આજે હયાત હોત તો દોઢસો ઉપર પહોંચ્યા હોત, પણ કમનસીબે તેઓ આપણી વચ્ચે નથી ત્યારે ગાંધીને સમજવા હોય તો પહેલો વિચાર મનમાં આવે ‘ગાંધીવિચાર’ અને આ ગાંધીવિચાર આજે ઝડપથી બદલાતી જતી દુનિયામાં પ્રસ્તુત છે ખરો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ, ચિત્રકૂટના સ્વપ્નદૃષ્ટા અને સર્જક, ચિંતક અને સમાજસેવક, નાનાજી દેશમુખ ગાંધીવિચાર અંગે કંઈક આ પ્રમાણે કહે છે– ‘મૈં નાના દેશમુખ, આર.એસ.એસ. વાલા, ગાંધી કા હત્યારા, 320 કી કલમ જિસ પર લગી. મૈં ઐસા આદમી નાના દેશમુખ આપસે કહ રહા હૈ કિ 5000 સાલ કા ભારત કા ઈતિહાસ જિતના જાનતા હૂઁ, ઔર જિતના પઢા ભી હૈ, કિસી એક વિષય કો છુએ ઉસકો સમગ્રતા સે સ્પર્શ કરનેવાલા ગાંધી સે અધિક દૂસરા કોઈ આદમી હમકો મિલા નહીં.’ આલ્બર્ટ આઈન્સ્ટાઈન તેમના 70મા જન્મદિવસ ઉપર ગાંધીજી વિશે કહે છે– ‘Generations to come, it may well be, will scarce believe that such a man as this one ever in flesh and blood walked upon this Earth.’ અર્થાત્ આવનાર પેઢીઓ આ પ્રકારનો હાડ, માંસ અને રુધિરનો બનેલો માણસ આ પૃથ્વી પરથી પસાર થયો હશે તે સરળતાથી સ્વીકારી નહીં શકે. બાળપણમાં ‘બાપુ કી ઝાંકીયાં’ પુસ્તક વાંચ્યું, સાતમું ધોરણ પાસ થયો એ પહેલાં ‘સત્યના પ્રયોગો’ મારી સ્કૂલની લાઇબ્રેરીમાંથી મેળવીને આખું વાંચ્યું અને મારા મનમાં ગાંધીવિચારનું એક નાનું બીજ રોપાયું. આટલાં વરસો વિત્યાં, જીવનમાં અનેક ઘટનાઓ બની, ઘણીવાર મેં એ ઘટનાઓને ગાંધીવિચારના ત્રાજવે તોલીને સમજવાનો પ્રયત્ન કર્યો છે. માર્ટીન લ્યુથર કિંગથી માંડીને નેલ્સન મંડેલા સુધી અનેક જગવિખ્યાત પ્રતિભાને જે વિચારે દોરી છે તે એટલો બળુકો છે કે ક્યાંક આપણી સમજશક્તિની મર્યાદા હશે તો પણ આ મર્યાદાઓનાં પડ તોડીને અંકુરિત થશે અને વિસ્તરશે. ગાંધીવિચાર આજે પણ શાશ્વત છે, આવતીકાલે પણ એ વધુ પ્રસ્તુત બનીને ઊભરશે કારણ કે એના પાયાના સિદ્ધાંતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, અભય, અસ્પૃશ્યતા-નિવારણ, જાતમહેનત, સર્વધર્મ-સમભાવ અને સ્વદેશી જેવા ગમે તે કાળમાં પ્રસ્તુત હોય તે તત્ત્વો રહેલાં છે. ગાંધી કહે છે કે, ‘કુદરત બધાંની જરૂરિયાતો સંતોષી શકે છે પણ કોઈની લાલચ સંતોષી શકે નહીં.’ યરવડા જેલમાં બેઠાં બેઠાં પણ એ આશ્રમની પ્રવૃત્તિઓનું સંકલન અને નિયમન કરે છે. ‘વ્રતવિચાર’ નામે પ્રસિદ્ધ આ લેખો/પ્રવચનો મંગળપ્રભાતના નામે પ્રસિદ્ધ થયા છે. રામનામમાં અતૂટ વિશ્વાસ અને આમ છતાંય અન્ય કોઈ ધર્મ પ્રત્યે અથવા તેના સિદ્ધાંતો પ્રત્યે જરાય સૂગ નહીં. જેમણે ગાંધીજીને અનેક યાતનાઓ આપી, અપમાનિત કર્યા, ઠેકડી ઉતારી, જેલમાં નાખ્યા, તે બ્રિટિશરો અથવા તેમની સામે પડનાર આફ્રિકાના લગભગ આતંકવાદી કહી શકાય તેવા ગોરાઓ પ્રત્યે પણ ગાંધીના મનમાં કોઈ રોષ નથી. ગાંધી એટલે અજાતશત્રુ. ગાંધી એટલે લોભ અને લાલચથી પર. ગાંધી એટલે નાના-મોટાના કોઈ ભેદભાવ વગરની વ્યક્તિ અને આમ છતાંય ગાંધી એટલે પોતાના સિદ્ધાંતો સાથે જરાયે ચેડાં કર્યા વગર જીવી જનાર મહામાનવ. પણ સૌથી અગત્યનું કારણ ગાંધીવિચાર આજે પણ જીવંત રહ્યો અને વિશ્વભરમાં સ્વીકૃત બન્યો છે તે માટેનું કારણ મને સ્પર્શી ગયું હોય તો તે છે ગાંધીજીની પારદર્શિતા અને નિર્ભેળ પ્રામાણિકતા, સત્ય પ્રત્યેની નિષ્ઠા અને સર્જનહાર પ્રત્યેનો અતૂટ વિશ્વાસ, ઈશ્વરનાં બધાં જ સંતાનો સરખાં અને પોતાની સામે આવતાં બધાં જ કામ અગત્યનાં એ વિચાર ગાંધીનો વિચાર છે. પ્રેમ, અહિંસા અને સત્ય ગાંધી વિચારનું હૃદય છે. જ્યાં સુધી માણસ જીવે છે ત્યાં સુધી હૃદય સતત ધબકતું રહે છે, એ ક્યારેય ધબકારો ચૂકતું નથી. બરાબર તે જ રીતે વરસો વિત્યાં, હજુ સદીઓ વિતશે તો પણ ગાંધીવિચાર વિલીન થવાનો નથી. આજે ગાંધીવિચાર વિશ્વભરમાં સ્વીકૃત બન્યો છે. ગાંધીજી આજે આપણી વચ્ચે નથી પણ એમના વિચારો આજે પણ આપણને દોરે છે.⬛

અન્ય સમાચારો પણ છે...