શબ્દના મલકમાં:ગાંધીયુગના કવિગુરુ અને સર્જક-વિવેચક : પાઠક સાહેબ

મણિલાલ હ. પટેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતી સાહિત્યરસિકો રામનારાયણ વિશ્વનાથ પાઠકને કવિ, વાર્તાકાર, નિબંધકાર અને વિદ્વાન વિવેચક તરીકે સારી રીતે જાણે છે, ઓળખે છે. એમની એક ઓળખ ગાંધીયુગના સર્જકોના ‘કવિગુરુ’ પાઠક સાહેબ તરીકેની પણ છે. ‘પ્રસ્થાન’ જેવું ગુણવત્તાસભર સાહિત્યનું માસિક એમણે ચલાવ્યું હતું, જેમાં એમણે પન્નાલાલ પટેલની વાર્તાઓ પ્રગટ કરીને ગુજરાતને એક નવયુવાન અને તળના મલકના આ લેખકનો પરિચય કરાવ્યો હતો. ઉમાશંકર, સુન્દરમ્્, સ્નેરહશ્મિ, મડિયા, મેઘાણી, પેટલીકર, શ્રીધરાણી સમેત અનેક નવલેખકોનું પાઠક સાહેબે ‘પ્રસ્થાન’ દ્વારા પ્રત્યક્ષ-પરોક્ષ ઘડતર કરેલું. ગુજરાતીમાં બહુમુખી પ્રતિભા ધરાવનાર થોડાક પણ ઉત્તમ સર્જકોમાં રા.વિ. પાઠકનું નામ પ્રથમ પંગતમાં આવે. એમણે ‘દ્વિરેફ’ના ઉપનામથી વાર્તાઓ લખી: ‘દ્વિરેફની વાતો’-1-2-3 ભાગ! ‘શેષ’ના ઉપનામથી કવિતા લખી: ‘શેષનાં કાવ્યો’ અને ‘વિશેષ કાવ્યો.’ વળી, નિબંધો એમણે ‘સ્વૈરવિહારી’ના ઉપનામથી લખ્યા: ‘સ્વૈરવિહાર’-1-2, ‘મનોવિહાર’ વગેરે! આ ત્રણેય સાહિત્ય સ્વરૂપોમાં એમનું યોગદાન ધ્યાનપાત્ર અને પ્રેરક રહ્યું છે. વાર્તા-કવિતા-નિબંધમાં આપણે ત્યાં, ત્યારે અને આજે પણ હાસ્ય અને વ્યંગ્યનો ખાસ્સો અભાવ જોવા મળ્યો છે, ત્યારે પાઠક સાહેબના સર્જન-લેખનમાં હાસ્યરસનું નિર્દંશ આલેખન જમા પાસું બની રહ્યું છે. વ્યંગ્ય અને મર્મથી એમનાં નિબંધો-કાવ્યો-વાર્તાઓ વિશેષ ઓળખ પામ્યાં છે. રા.વિ. પાઠકનો જન્મ મોસાળ ગામ ગાણોલ તા: ધોળકા ખાતે તા. 8-4-1887 (ચૈત્રી પૂનમે) થયો હતો. માતા આદિબાઈ. પિતા વિશ્વનાથ પાઠક શિક્ષક હતા. પાઠક સાહેબના દાદા સદારામ પરંપરાના જ્ઞાની પંડિત હતા. રામનારાયણનું નાનપણનું નામ બટુકભાઈ. તેઓ મેટ્રિક સુધી ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. બી.એ. વિલ્સન કોલેજ મુંબઈથી થયા. એલ.એલ.બી.નું ભણીને સાદરામાં વકીલાત કરેલી. ઈ.સ. 1911નો એ ગાળો હતો. 1921નાં વર્ષોમાં ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયેલા- શિક્ષક તરીકે એ જાણીતા થયેલા. 1927માં વિનય મંદિરમાં આચાર્ય રહેલા. પછી થોડાં વર્ષો મુંબઈમાં અધ્યાપક રહ્યા હતા. અમદાવાદની શિક્ષણ અને સાહિત્યની સંસ્થાઓ સાથે પણ એ જોડાયેલા હતા. પાઠક સાહેબનાં પ્રથમ પત્ની મણિગૌરીનું 1918માં અવસાન થયેલું. ત્યારે એમણે લખેલું સોનેટ કાવ્ય: ‘છેલ્લું દર્શન’ ગુજરાતીનું યાદગાર કાવ્ય છે: આ ચાર પંક્તિની તાકાત અને પૃથ્વી છંદની અગેય ખડતલતા: બંને માણીએ: ‘ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું, રહ્યું વિકસતું જ અંત સુધી જેહ સૌન્દર્ય, તે- અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે ન સ્મરણ વા ન કો સ્વજનેય કદી પૂરશે!’ પાઠક સાહેબને એક દીકરી હતાં- સરલાબહેન. પાછળનાં વર્ષોમાં (1940-42માં?) પાઠક સાહેબનાં વિદ્યાર્થિની હીરાબહેને એમની સાથે સ્વેચ્છાએ લગ્ન કરેલાં ને આજીવન સાહેબને સાચવેલા. હીરાબહેને પાઠક સાહેબની યાદમાં ‘પરલોકે પત્ર’ એવું દીર્ઘ કાવ્ય લખેલું. હીરાબહેન વિવેચક હતાં. પાઠક સાહેબની મિલકતો એમણે ગુજ. સા. પરિષદને દાન કરેલી. પાઠક સાહેબ તો પ્રથમ કોટિના વિવેચક હતા. પિંગળકાર હતા. એ કવિતા-વાર્તા-નિબંધ લખે ત્યારે પેલો સજાગ વિવેચક એમનો પણ કાન પકડતો હશે ને? એટલે એમના સર્જનમાં વિચાર વધુ ને સંવેદન ઓછું, હેતુ આગળ ને ‘લીલા’ પાછળ રહી જતાં દેખાય છે. છતાં એમનું સર્જન યાદગાર તો છે. ‘અર્વાચીન કાવ્ય સાહિત્યનાં વ્હેણો’, ‘કાવ્યની શક્તિ’, સાહિત્ય-વિમર્શન તથા ‘નભોવિહાર’ જેવા વિવેચન ગ્રંથોમાં એમણે કવિતા અને સાહિત્ય વિશેનો તાત્ત્વિક પક્ષ શાસ્ત્રીય અભિગમથી સુપેરે રજૂ કર્યો છે. કોઈપણ જાતના, બિનજરૂરી અભિનિવેશ વિના, સ્વસ્થતાપૂર્વક સર્જન-વિવેચન કેટલી સફળતાપૂર્વક અને કેવી પ્રશાંત રીતિમાં કરી શકાય છે એ પાઠક સાહેબ પાસેથી અનેક પેઢીઓએ શીખવા જેવું બની રહ્યું છે. 1955માં 21મી ઓગસ્ટના રોજ મુંબઈ ખાતે રા.વિ. પાઠક સાહેબનું અવસાન થયું હતું. ⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...