તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક ઓફ:ગેમિંગનું દૂષણ જીવન સાથે રમત રમી જાય તે પહેલાં...

3 મહિનો પહેલાલેખક: શિશિર રામાવત
 • કૉપી લિંક
 • ઓનલાઇન ગેમર બનીને બેઠાં બેઠાં લાખો-કરોડો કમાઈ લેવાના સપનાં જોતાં કેટલાય લોકોના આ બૂરી આદતે જીવન બરબાદ કરી નાખ્યાં છે?

સૌથી પહેલાં તો એક ગુજરાતી પરિવારનો કિસ્સો સાંભળો. એક મધ્યવયસ્ક દંપતીને ચિંતાનો પાર નથી. એમનો ઊગીને ઊભો થતો એકનો એક જુવાનજોધ દીકરો ઓનલાઇન ગેમિંગના રવાડે ચડી ગયો છે. છોકરો ખૂબ હોશિયાર. બારમા ધોરણ પછી સારી એન્જિનિયરિંગ કોલેજની સારી બ્રાન્ચમાં ડિગ્રી કોર્સ કરી શકાય તે માટે જરૂરી એન્ટ્રેન્સ ટેસ્ટ એણે ખૂબ સરસ રીતે પાસ કરી, પણ એને એન્જિનિયર નહોતું જ બનવું. એને તો ‘ગેમર’ બનવું હતું. બારમા ધોરણની બોર્ડ એક્ઝામમાં એ જાણી જોઈને નાપાસ થયો. વર્ષો બગાડ્યાં. એ આજની તારીખેય દિવસ-રાત ઓનલાઇન ગેમિંગમાં સતત રચ્યોપચ્યો રહે છે. એને જોકે કોન્ફિડન્સ છે કે પોતે અવ્વલ દરજ્જાનો ગેમર બનીને ઘર બેઠાં લાખો રૂપિયા આરામથી કમાઈ લેશે! મા-બાપે બહુ દબાણ કર્યું એટલે એણે ક-મને એન્જિનિયરિંગના ડિપ્લોમા કોર્સમાં એડમિશન તો લીધું, પણ એનો જીવ તો ગેમિંગમાં જ છે. એણે મમ્મી-પપ્પાને ચોખ્ખું કહી દીધું છે, ‘તમારી બીજી બધી વાત હું સાંભળીશ, પણ ગેમિંગના મામલામાં તમારે મને એક શબ્દ પણ નહીં કહેવાનો!’ એના પપ્પા કહે છે, ‘અમારો દીકરો આમ તો બીજી બધી રીતે ડાહ્યો ને સંસ્કારી છે, પણ એનું આ ગેમિંગનું ભૂત કેવી રીતે ઊતારવું એ જ અમને સમજાતું નથી.’

હવે એક વિદેશી કિસ્સો સાંભળો. લંડનમાં એક અંગ્રેજ જુવાનિયો રહે છે. ઇયાન એનું નામ. ઉંમર હશે સત્તાવીસ- અઠ્ઠાવીસ વર્ષ. એ ટીનેજર હતો ત્યારથી વિડિયો ગેમ્સ રમતો હતો. એ મોટો થયો, લગ્ન થયાં, બાળ-બચ્ચાં થયાં. શરૂઆતમાં એ માત્ર શનિ-રવિમાં ‘કાઉન્ટર સ્ટ્રાઇક’ કે ‘ટીમ ફોર્ટ્રસ’ જેવી ગેમ્સ રમતો, પણ જ્યારથી ગેમ્સ ઓનલાઇન બની છે ત્યારથી વાર્તા બદલાઈ ગઈ. માત્ર ટાઇમ-પાસ શોખની લાગતી આ પ્રવૃત્તિએ એની આખી જિંદગી પર ભરડો લઈ લીધો. ઇયાન કહે છે, ‘મારી જોબ હતી, ફેમિલી હતું. શરૂઆતમાં તો કશી ખબર ન પડી, પણ ગેમિંગની બૂરી આદતે ધીમે ધીમે રંગ દેખાડવાનું શરૂ કર્યું. હું ઓફિસમાં કામ કરતો હોઉં તો પણ મને ગેમિંગના જ વિચારો આવ્યા કરતા. સાંજે ઘરે આવતાંની સાથે જ હું દારૂનો લાર્જ પેગ બનાવું અને કમ્પ્યૂટર ચાલુ કરીને ઓનલાઇન ગેમ રમવાનું શરૂ કરી દઉં. મધરાત સુધી સતત મારું રમવાનું ચાલુ હોય. તમે માનશો નહીં, પણ શુક્રવારની સાંજે તો અડીંગો જમાવીને હું એવો બેસું કે છેક રવિવારની રાતે ઊભો થાઉં. વચ્ચે વચ્ચે ફક્ત ટોઇલેટ જવું હોય ત્યારે જ મારી નજર કમ્પ્યૂટર સ્ક્રીન પરથી હટે. જમવાનું પણ ગેમ રમતાંરમતાં જ પતાવવાનું. દિવસ-રાત સતત જાગતો રહી શકું તે માટે ઊંઘ ઊડાડવાની દવા ખાધા કરું. પત્ની શું કરે છે, બાળકો શું કરે છે... આ કશામાં મારું સહેજ પણ ધ્યાન ન હોય. જાણે કે ગેમિંગ જ મારી જિંદગી થઈ ગઈ હતી.’

કહેવાની જરૂર ખરી કે ઇયાનને ડિવોર્સ આપી દઈને એની પત્ની બચ્ચાઓને લઈને જતી રહી? ઇયાનની નોકરી પણ છૂટી ગઈ. મોડી મોડી એની સાન ઠેકાણે આવી, પણ ત્યાં સુધીમાં પરિસ્થિતિ ભયાનક હદે વણસી ચૂકી હતી. ઓનલાઇન ગેમિંગની બૂરી આદતથી છૂટવા માટે ઇયાને આખરે મનોચિકિત્સકની મદદ લેવી પડી. આ બન્ને સાચા કિસ્સા છે. વિડિયો ગેમ્સ આમ તો 1970ના દાયકાની શરૂઆતથી લોકપ્રિય બનવા માંડી હતી, પણ ઓનલાઇન ગેમિંગ પ્રમાણમાં નવી બલા છે. મોટા ભાગે તો દિમાગ ફ્રેશ કરવા માટે સંયમિત પ્રમાણમાં રમવામાં ઓનલાઇન ગેમ્સથી તકલીફ થતી નથી, પણ જો અંકુશ ન રહે તો દારૂ અને ડ્રગ્ઝની માફક તે ખતરનાક નીવડી શકે છે. ઊંઘ વેરણછેરણ થઈ જવી, માનસિક તાણ, તીવ્ર બેચેની, ડિપ્રેશન, મેદસ્વિતા – આ બધાં અતિ ગેમિંગનાં પરિણામો છે. માણસ કમ્પ્યૂટર ગેમ પર ચોંટ્યો હોય ત્યારે એ ખાધોડકો બની જતો હોય છે ને ભૂખ હોય કે ન હોય, એ જંક ફૂડ પેટમાં પધરાવ્યા કરે છે. જો માણસ વિડિયો ગેમ રમવાની ટેવ પર અંકુશ ન લાવી શકતો હોય, રોજિંદા રૂટિન અને કામ-ધંધા-ભણતરના ભોગે વિડિયો ગેમ્સમાં રચ્યાપચ્યા રહેતો હોય, તબિયત પર નકારાત્મક અસર દેખાવા લાગી હોય, પારિવારિક અને સામાજિક સમસ્યાઓ સર્જાઈ રહી હોય ને તેમ છતાંય પોતાની કુટેવ છોડી શકતો ન હોય... જો આ લક્ષણો બહુ જ સ્પષ્ટપણે બાર મહિના સુધી એકધારાં દેખાતાં રહે તો સ્વીકારી લેવું કે માણસ વિડિયો ગેમ રમવાનો શોખીન નથી, બલ્કે એ ગેમિંગ ડિસઓર્ડરનો ભોગ બની ચૂક્યો છે.

2018માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ)એ ગેમિંગ ડિસઓર્ડરને ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝીસ (આઇસીડી-11) હેઠળ આવરી લીધો છે. આઇસીડી-11 એટલે બીમારીઓનું એવું લિસ્ટ જેમાં મેડિકલ પ્રોફેશનલ્સ દ્વારા ચિકિત્સાની જરૂર પડે. ગયા વર્ષે ઇંગ્લેન્ડની સરકારે જાહેર કર્યું કે ગેમિંગનાં બંધાણી બની ગયેલાં બાળકો નેશનલ હેલ્થ સર્વિસ નામની સરકારી સ્કીમ હેઠળ ટ્રીટમેન્ટ મેળવી શકશે. કેનેડામાં વચ્ચે કેટલાક વાલીઓએ એપિક ગેમ્સ નામની કંપની સામે સાગમટે કાનૂની કેસ કર્યો હતો. આ કંપની ફોર્ટનાઇટ નામની બચ્ચાઓમાં અતિ લોકપ્રિય ગેમ બનાવે છે. વાલીઓની ફરિયાદ હતી કે કંપનીએ જાણી જોઈને બાળકોને ભયાનક બંધાણ થઈ જાય તેવી ગેમ ડિઝાઇન કરી છે અને આ ગેમે અમારાં બાળકોનું જીવન બરબાદ કરી નાખ્યું છે. એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ગેમિંગનું પલડું સિનેમાં કરતાંય વધારે ભારે છે. વિશ્વભરમાં વિડિયો ગેમ્સનું એક વર્ષમાં 135 બિલિયન ડોલર એટલે કે આશરે 9930 અબજ રૂપિયા જેટલું વેચાણ થાય છે અને આ 2018નો આંકડો છે! ભારતની વાત કરીએ તો ગેમિંગ ઇન્ડસ્ટ્રીનું આર્થિક કદ 2000 કરોડ રૂપિયા કરતાંય મોટું છે. વિશ્વની સૌથી વધુ યુવાન વસ્તી ભારતમાં છે. દેખીતું છે કે વિડિયો ને ઇન્ટરનેટ ગેમ્સ બનાવનારાઓનો ડોળો ભારત પર હોવાનો જ.

કમ્પ્યૂટર સામે ચોંટી જઈને ગાંડાની જેમ ગેમ્સ રમ્યા કરવી એક વાત છે અને વિડિયો ગેમ પ્રોફેશનલ બનવું તદ્દન જુદી વાત છે. ભારતમાં ઇન્ટરનેશનલ ગેમિંગ કંપનીઓ ખાસ્સું આઉટસોર્સિંગ કરાવે છે. જો તમે માયા. મેક્સ, ફોટોશોપ, ઝેડ બ્રશ, સબસ્ટન્સ ડિઝાઇન વગેરે સોફ્ટવેર ઓપરેટ કરી શકતા હો, જો તમને યુનિટી કે અનરિઅલ જેવાં ગેમિંગ એન્જિનની સમજ હોય તો તમે ગેમિંગ પ્રોફેશનલ બની શકો છો. ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ગેમ આર્ટ એનિમેશન, ટુડી અને થ્રીડીમાં ગેમ આર્ટ ક્રિયેશન, ગેમ ડિઝાઇન, ગેમ ટેસ્ટિંગ, ગેમ પ્રોગ્રામિંગ જેવાં કેટલાંય ક્ષેત્રો છે, જેમાં કરિયર બનાવી શકાય છે, પણ તે માટે પદ્ધતિસર મહેનત કરવી પડે, લાયકાત મેળવવી પડે પડે. આજકાલ કેટલાય જુવાનિયા ઘરમાંથી બહાર પગ મૂક્યા સિવાય, માત્ર ગેમર બનીને વર્ષેદહાડે લાખો રૂપિયા કમાઈ લેવાનાં સપનાં જુએ છે. આ એટિટ્યૂડ અતિ નુક્સાનકારક સાબિત થઈ શકે છે.

બાળકો કે તરુણો ગેમિંગમાં ગળાડૂબ થઈ જાય છે તે વાત સાચી, પણ એમને ગેમ્સ અને જાતજાતનાં ગેજેટ્સ કોણ અપાવે છે? એમનાં મા-બાપ! લેખની શરૂઆતમાં જે ગુજરાતી યુવાનની વાત કરી હતી તેનાં મમ્મી એટલે જ સ્વાનુભવના આધારે કહે છે, ‘હું તો વાલીઓને એટલી જ સલાહ આપીશ કે તમારું સંતાન ગેમ રમવા માટે મોબાઇલ કે જાતજાતનાં ગેજેટ્સની માગણી કરી ત્યારે ધડ્ દઈને ના જ પાડી દો. લાગણીમાં બિલકુલ તણાવું નહીં. સંતાનને ખબર હોવી જોઈએ કે અમુક વસ્તુ એને નહીં મળે તો નહીં જ મળે.’ સો વાતની એક વાત. શત્રુ હોય કે ગેમિંગનું દૂષણ – એને ઊગતાં જ ડામી દેવાં. shishir.ramavat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો