શોલે તો ઓલ-ટાઈમ ગ્રેટ મૂવી છે. એની સેંકડો વાર પેરોડીઓ થઈ ચૂકી છે, પણ એક સાંજે નવરા બેઠાં અમને વિચાર આવ્યો કે બોસ, પેલા ગબ્બરનું નામ ગબ્બરને બદલે ‘રબ્બર’ હોત તો? સુપારી સીન જય અને વીરુ રામગઢ આવે છે. ઠાકુરની હવેલી પાસે ઠાકુર શાલ ઓઢીને ઊભો છો. એણે મોઢામાં ચૂઈંગ-ગમ ઘાલી રાખી હોય એ રીતે જીભ અંદર હલાવીને ભારે અવાજે કહે છે: ‘મુઝે રબ્બર ચાહિયે... વો ભી અચ્છા! મિકી માઉસ કે શેઈપવાલા... ઓર લેવેન્ડર કી ખુશ્બુવાલા... સમઝે?’ વીરુ જય સામે જુએ છે. જય બેફીકરાઈથી આંખ વડે ઈશારો કરે છે. વીરુ ઠાકુરને કહે છે: ‘ઠીક હૈ... મિલ જાયેગા, મગર તુમ અપના કંપાસ-બોક્સ તૈયાર રખના!’ ચેલેન્જ સીન રબ્બરના ત્રણ ડાકુઓ રામગઢમાં આવે છે. એ લોકો સ્ટેશનરીની દુકાનો લૂંટવાની કોશિશ કરે છે, પણ જય અને વીરુ એ ત્રણેયને સ્ટીલની ફૂટપટ્ટી અને પરિકરનાં અણીયાં વડે મારી મારીને ઢીલા કરી નાંખે છે. પછી એમને પાછા મોકલતાં વીરુ ભપકી આપે છે: ‘જા કે અપને રબ્બર સે કહના... રામગઢ કે મર્દોં ને અપને બાલોં મેં રબ્બર-બેન્ડ નહીં પહન રખ્ખેં હૈં!’ ફ્લેશ-બેક સીન કોર્ટમાં ઉમ્રકેદની સજા થયા પછી રબ્બરને જ્યારે લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે તેનો ભેટો ઈન્સ્પેક્ટર (ઠાકુર) સાથે થાય છે. ગુસ્સામાં તમતમતો રબ્બર કહે છે: ‘ઠાકુર... યાદ રખના! એક દિન મૈં તુમ્હારા નામો-નિશાન મિટા દૂંગા!’ ઠાકુર મોંમાં ક્લોરમિન્ટ ચગળતો હોય એ રીતે જીભ હલાવતાં કહે છે: ‘નહીં મિટા સકતે રબ્બર! ક્યૂં કિ મૈં મેરા નામ પેન્સિલ સે નહીં, હંમેશાં બોલ-પેન સે લિખતા હૂં!’ ફાઈટિંગ પછીનો સીન રામગઢમાં હોળીના દિવસે જબરદસ્ત ફાઈટિંગ થાય છે. જય અને વીરુ પરિકરનાં અણીયાં વડે જોરદાર વળતા હુમલા કરીને મોટા મોટા ચેકા પાડે છે, પણ રબ્બર પોતાના રબ્બર વડે બધું ભૂંસી નાંખે છે. છેવટે જય કંપાસ-બોક્સમાં ભરી રાખેલી પેન્સિલની છોલ રબ્બરની આંખોમાં ઝીંકીને બાજી પલટી નાંખે છે. રબ્બરના ડાકુઓ ભાગી ગયા પછી જય અને વીરુ ઠાકુર પાસે આવીને ગુસ્સામાં પૂછે છે: ‘તુમ્હારે બિલકુલ પાસ મેં સ્ટીલ કી બડી ફૂટપટ્ટી પડી થી! વો તુમને ક્યૂં નહીં ઉઠાઈ?’ જવાબમાં ઠાકુર આંખની ભ્રમરો વાંકીચૂકી કરીને, મોંમાં ક્લોરમેન્ટ, હેપ્પીડેન્ટ, મેન્ટોસ અને સેન્ટર ફ્રેશ એમ ચારેય જાતની ગોળીઓ એક ગાલથી બીજા ગાલ તરફ ફેરવતો હોય એવી રીતે જીભ લપલપાવતાં આકાશ સામું જોઈ રહે છે અને કહે છે: ‘ઉસકે પીછે એક લં...બી કહાની હૈ!’ જય અકળાઈ ઊઠે છે. એ કહે છે ‘ઠીક હૈ, લંબી હોગી. મગર તુમ ઉસે ‘રબ્બર’ કી તરહ લંબી મત ખીંચના... ઠીક હૈ? ઉસે ‘રબ્બર’ કી તરહ લંબી મત...’ અચાનક ઠાકુર અટકી જાય છે. તેને નવાઈ લાગી રહી છે: ‘મતલબ? અબ વો ડાકુગિરી કે સાથ, સાઈડ મેં સિરિયલ કી કહાની ભી લિખને લગા હૈ?’ બારિશ કા સીન રામગઢમાં ભારે વરસાદ પડી ચૂક્યો છે. બધા રસ્તા કીચડવાળા થઈ ગયા છે. ઠાકુર શાલ ઓઢીને ચાલતો જઈ રહ્યો છે. સામે જય અને વીરુ મળે છે. વીરુ કહે છે: ‘ઠાકુર, આપકો શરમ આની ચાહિયે! આપકે પાસ અપની ખુદ કી ચપ્પલ ભી નહીં હૈ?’ ઠાકુર : ‘ક્યા બકવાસ કર રહે હો?’ વીરુ : ‘ઔર નહીં તો ક્યા? આપ ખુદ દેખ લિજીયે. આપને ‘રબ્બર’ કી ચપ્પલ પહની હુઈ હૈ!’ એન્ડ સીન વરસો પછી ઠાકુર જુએ છે તો રબ્બર સરકારી ઓફિસોમાં બિન્દાસ્ત ફરી રહ્યો છે! ઠાકુર પૂછે છે: ‘તુમ યહાં બિન્દાસ્ત કૈસે ઘુમ સકતે હો?’ જવાબમાં રબ્બર હસીને કહે છે, ‘ક્યૂં કી... મૈં અબ ‘રબ્બર-સ્ટેમ્પ’ બન ગયા હૂઁ!’⬛ mannu41955@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.