સમયના હસ્તાક્ષર:જી-20 માત્ર કાર્યક્રમ નથી સમૃદ્ધિ અને વિકાસનું પર્વ પણ છે

વિષ્ણુ પંડ્યાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ પૂર્વેથી વધેલી ગરીબી અને આરોગ્ય એ બે મોટા સવાલોમાં દરેક દેશ એકબીજાની સાથે રહીને આયોજન કરે તે જી-20નો મુખ્ય એજન્ડા રહેશે

જી-20ની ભારતમાં અને ગુજરાતમાં પણ તડામાર તૈયારી થઈ રહી છે. નવી સરકારને માટે આ પહેલો આંતરરાષ્ટ્રીય અવસર અને તેનું આયોજન છે. સપ્ટેમ્બરની 18મીએ ભારત તેનું યજમાન બનશે અને વડાપ્રધાન અધ્યક્ષપદ પર રહેશે. આ અઢારમું સંમેલન છે. સંમેલનની સામે પડકારો વૈશ્વિક છે. રોજ અખબાર અને ટીવી પર મથાળું યુક્રેન-રશિયા યુદ્ધનું છે. માત્ર લડાઈ નહીં, આ ખરેખર યુદ્ધ છે. એ તો દેખીતું છે કે નાનકડા યુક્રેન પર મહાસત્તા જેવા રશિયાએ ભીષણ આક્રમણ કર્યું છે અને તે દિવસોમાં નહીં, મહિનાઓમાં પણ નહીં, વર્ષો સુધી ચાલે તેવો ખતરનાક છે. યુદ્ધની વિભીષિકા એકલા રાજનેતાઓ કે સૈનિકો પૂરતી રહેતી નથી, સામાન્ય પ્રજાને સહુથી વધુ સહન કરવું પડે છે. આર્થિક, સામાજિક, રાજકીય રીતે નાનો દેશ તબાહ થઈ જાય અને આક્રમક દેશનેય ઘણી ખુવારી થાય. રશિયા યુક્રેનને અમેરિકા અને યુરોપમાં પોતાની સુરક્ષિત ઢાલ બનાવવા માગે છે. અગાઉ ચેકોસ્લોવેકિયા, હંગેરી, પોલેન્ડ પર આવાં જ આક્રમણો થયાં, પણ છેવટે પ્રજાકીય સંઘર્ષને લીધે ત્યાં રશિયા લાંબા સમય સુધી ફાવી શક્યું નહીં. યુક્રેન જો નાટો દેશોનું સભ્ય બને તો રશિયન પ્રભાવ અભાવમાં બદલાઈ જાય એટલે પુટિન હઠાગ્રહી બન્યા છે. પોતાના દેશમાં જ આ આક્રમણનો વિરોધ કરનારાં રસ્તા પર આવી ગયાં છે. આ દેશ ચેખોવ, પુશ્કિન, સોલ્ઝેનિત્સિન, પાસ્તરનાકનો દેશ છે અને ગોર્બાચોફનો દેશ છે, પુટિન જો સ્ટેલિન થવા જશે તો તેના બુરા હાલ નક્કી છે. આમેય વીતેલું વર્ષ સુખદ ઓછું, દુ:ખકારક વધારે રહ્યું. 2022માં કોરોના ફેલાયો, હજુ તેની વારસદારી ચાલુ છે અને રાબેતા મુજબ ચીન તેમાં આગળ છે. જીવલેણ બીમારીમાં સપડાયેલાં અને મોત પામનારાં કરોડોમાં છે. બીજે પણ કોરોનાનો ભય વધ્યો છે. કોવિડ પૂર્વેથી વધેલી ગરીબી અને આરોગ્ય એ બે મોટા સવાલોમાં દરેક દેશ એકબીજાની સાથે રહીને આયોજન કરે તે જી-20નો મુખ્ય એજન્ડા રહેશે. પણ સમસ્યા માત્ર એટલેથી સીમિત થઈ જતી નથી. બીજા પડકારો પણ છે. તેમાં સહુથી મુખ્ય ક્રમે રશિયા-યુક્રેન યુદ્ધ છે. આ તબાહી જો અણુશસ્ત્રોના અંતિમે પહોંચી જાય તો દુનિયાનું શું થાય? 1945માં અમેરિકાએ જાપાન પર અણુબોમ્બ ઝીંક્યો અને હિરોશિમા-નાગાસાકી ભસ્મીભૂત થઈ ગયા તેનો ઘાવ અને આઘાત હજુ એવા ને એવા છે, પણ આ 1945 નથી, 2023 છે અને કોરિયા કે પાકિસ્તાન જેવા નાદાન દેશોથી માંડીને ઘણા દેશો અણુસત્તા બની ગયા છે. રશિયા પાસે હથિયારોનો ભંડાર છે અને ખુવારી વેઠીને પણ શક્તિ સાથે સામ્રાજ્યનો વિસ્તાર કરવો એવી તેના નેતાઓની (ગોર્બાચોફને બાદ કરતાં) પરંપરા છે. બીમાર પુટિનમાં મોહમ્મદ અલી જિન્નાની સરખામણી અમુક અંશે થઈ શકે. જિન્ના પણ તે સમયના અસાધ્ય રોગ ટીબીથી પીડાતા હતા. ડોક્ટરને મનાઈ ફરમાવી હતી કે કોઈને જાણ ના થાય, કારણ કે હિંદુસ્તાનના કટકા કરાવીને પાકિસ્તાન મેળવવું હતું. તે મેળવ્યા પછી તેમનો ઇંતકાલ થયો. પુટિન વિષે એવી ખબરો તો આવે છે કે કોઈ ગંભીર બીમારી છે, પણ તોય તેણે યુક્રેનને પરાસ્ત કરવું છે, પોતાનું કઠપૂતળું હોય તેવી સરકાર રચીને નાટો-અમેરિકાની સામે મૂકી દેવી છે. આવો જ મુદ્દો ચીનનો છે. 18 દેશોની સરહદો સાથે તેને વાંધો છે. એકવાર તો રશિયાની સામે પણ ઘુરકિયાં કર્યાં હતાં. તાઇવાન સૌથી ગરમ પ્રશ્ન છે. દક્ષિણ ચીન સમુદ્રમાં જે રીતે ટાપુ બાંધવાથી માંડીને સૈનિકી થાણાં ઊભાં કરવાનું મોટેપાયે થઈ રહ્યું છે તે ચીન જમીન ઉપરાંત સમુદ્રમાં પણ પોતાની સત્તા જમાવવા કોશિશ કરી રહ્યું છે. રશિયાએ વ્યાપારમાં ભારતની સાથે ભાગીદારી કરી તે અમેરિકા અને બીજા યુરોપીય દેશોને ગમ્યું તો નથી પણ શું થાય? હજુ તેણે ભારતમાં પૂર્ણ કક્ષાનો રાજદૂત પણ બે વર્ષથી નિયુક્ત કર્યો નથી! ત્રીજી ઊથલપાથલ; અફઘાનિસ્તાનની છે. કત્લેઆમ અને કટ્ટરતા તાલિબાનની ખાસિયત છે. અફઘાનિસ્તાનમાં સત્તા મેળવી લીધા પછી પણ હાલત સારી નથી. મહિલાઓએ ભણવાની જરૂર નથી અને નોકરી તો હરગીઝ નહીં આ તેનો ફતવો છે. કાબુલને અનાજ અને દવાની મદદ ભારતે કરી અને ફરીવાર દૂતાવાસ ચાલુ કર્યો છે. અફઘાનિસ્તાન ભારત તરફ પહોંચતા વચ્ચે બફર સ્ટેટનું કામ કરે છે. બહુ ઓછાને ખબર હશે કે ભારતીય ક્રાંતિકારોનું મહત્ત્વનું મથક કાબુલ હતું, રાજા મહેન્દ્રપ્રતાપે અફઘાન સત્તાની સાથે મંત્રણા કરીને પહેલી આઝાદ હિન્દ સરકારની સ્થાપના કરી હતી. તાલિબાન એક અસ્થાયી પરિબળ બની શકે તેમ છે. તેનું ઉદાહરણ ઇરાનમાં હિજાબ વિરોધી પ્રચંડ આંદોલનનું છે. કટ્ટર પરિબળો પ્રજાને અંકુશમાં રાખી શકે તેવાં નથી રહ્યાં. આખી દુનિયા આતંકવાદની સામે થઈ ચૂકી છે. અહીં પાડોશી દેશ પાકિસ્તાનમાં પહેલાં પીટીઆઈ સંચાલિત ઈમરાન ખાનની સરકાર હતી તે ગઈ, હવે શહેનાઝ ખાનની સરકાર છે. તેને ભુટ્ટો-ઝરદારી પક્ષોનો ટેકો છે અને પાકિસ્તાન મુસ્લિમ લીગ પણ સાથે છે. જેનો હાથ કાયમ સત્તાધીશો પર હુકમ અને શાસન માટે રહ્યો છે તે પાકિસ્તાની સેનાનો સેનાપતિ પણ બદલાયો. તેનો નવો જનરલ આસીમ મુનીર માત્ર સૈનિકી અફસર નથી, રાજકીય ગણિતમાં પણ હોશિયાર છે. બર્મા મ્યાનમારમાં બધું સલામત નથી. ત્યાંથી આવેલા રોહિંગીયા હિજરતીઓ બાંગ્લાદેશ અને ભારતને માટે ખતરાની ઘંટી જેવા છે. શ્રીલંકા અને નેપાળની વર્તમાન રાજકીય સ્થિતિ ઠીક નથી. ચીન તેની બાજ જેવી નજર રાખી રહ્યું છે. નેપાળમાં રાજકીય અસ્થિરતા તેના માટે ફાયદાકારક છે. આવા સંજોગોમાં પણ આર્થિક, સામાજિક અને રાજકીય સંકલ્પો સાથે જી-20 નિર્ણાયક બની શકે તેમ છે.{ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...