ઓફબીટ:ફૂંકનું આશ્રયસ્થાન...

અંકિત ત્રિવેદી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્વાસોશ્વાસ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. સહજ છે. અમુક ઉંમરે શ્રમ કર્યા પછી એમાં થાક ઉમેરાય છે. ડોક્ટરો એના માટે ફૂંક મારવાની સલાહ આપે છે. યોગ-પ્રાણાયામમાં એને સ્વસ્થ કરવાનાં આસનો છે. ફૂંકનો મહિમા અનેરો છે. બાળપણમાં બર્થ-ડે કેક ઉપરની કેન્ડલને ફૂંક મારીને ઓલવવાનો આનંદ હતો. આ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ છે. હવે આપણે ત્યાં કેક પરની કેન્ડલને ઓલવીને નહીં, પ્રગટાવીને જન્મદિવસ ઊજવાય છે. મહિમા ફૂંકનો કરવો છે. ફુગ્ગો ફુલાવતી વખતે ફૂંક જાણે ફુગ્ગામાંની હવા બની જતી! ફુગ્ગામાં વધારે ફૂંક મરાય તો હવાનો વધારો થવાને કારણે ફુગ્ગો ફૂટી જતો! એટલે જ પ્રમાણસર ફૂંક સારી! ‘હવા’ વધારે ભરાઈ ન જાય એનું ધ્યાન બીજાઓ રાખે એના કરતાં આપણે જ રાખવું જોઈએ! આજે ફૂંકનું સ્થાન સિગારેટે લઈ લીધું છે. વળી, એમાં પણ નવાં નવાં વ્યસનો ઉમેરાયાં છે. પાનના ગલ્લા પર ભરેલી સિગારેટની જેમ ખાલી સિગારેટ પણ મળે. બધાંને ખબર છે અને બધાં જ અણજાણ બને છે. એક પણ એવો પાનનો ગલ્લો નહીં હોય જ્યાં ખાલી સિગારેટ ન મળતી હોય. એમાં ભરવાનાં વ્યસનો કરોડો રૂપિયામાં પકડાય છે. ગુજરાત સરકારની રડાર એના પર છે જ. બાળકોની દિશાને અવદશામાં પલટાવનારાં આ વ્યસનો અટકાવી શકાય તો પાનના ગલ્લે મળતી ખાલી સિગારેટ નહીં? (ભરેલી પણ એટલી જ જવાબદાર છે) ફૂંક ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? ફૂંક તો કાનુડાની વાંસળીમાં હતી. એક ફૂંકમાં વૃંદાવન સચેતન થઈ જતું, આજે એ ફૂંક ક્યાંથી લાવવી? બાળપણમાં કશુંક વાગ્યું હોય તો વડીલો એ વાગેલી જગ્યા પર ફૂંક મારીને આપણને કહેતાં : ‘મટી જશે.’ અને વળી, મટી પણ જતું. એ ફૂંકની હૂંફ ક્યાંથી લાવવી? કૃષ્ણની ફૂંક અને આપણી ફૂંકમાં ફેર ખરો કે નહીં? શ્વાસ થંભી જાય ત્યારે છેલ્લો શ્વાસ ફૂંક થઈને ફેફસાંમાંથી નીકળે છે. દુનિયાના દરેકનો સામનો કરવા માટે જીવતા રહેવું ખૂબ જરૂરી છે. કૃષ્ણની ફૂંકમાં જીવંતપણું હતું. વૃંદાવનને ઘડીભર માટે વસંત બેસતી! વરસાદ ફૂંકને અડવા માટે વરસી પડતો! ભાન ભૂલીને ગોપીઓ જાગૃત થતી. આપણી ફૂંક પાસે એવું શું છે? સિગારેટની એશ ટ્રેના ધુમાડામાં રાખ થતી અસફળતાઓને ભેગી કરીએ છીએ. આપણી ફૂંકનું આશ્રયસ્થાન કૃષ્ણની વાંસળી છે. એને સાંભળવા માટે પોતાના જ ‘કાન’ને સરવા કરવા પડે એમ છે. એને માટે વ્યસનના ટેકાઓથી દૂર પોતાની મરજીનું વૃંદાવન રચવું પડશે. એના માટે દિલાસા કે નિઃસાસાની જરૂર નથી. આ બધું તો કૃષ્ણના જીવનમાં પણ હતું. છતાંય એમની ફૂંક જાગૃત હતી! આપણી ફૂંક ફૂંકણી બની ગઈ છે. વાસ્તવમાં એણે વાંસળી બનવાનું હતું! ફૂંકનું આશ્રયસ્થાન શ્રીકૃષ્ણનું શરણ જ છે. એ જ બધાંમાંથી મુક્ત કરે છે અને એ જ મુક્ત થયા પછી સંયુક્ત કરે છે. ઈશ્વરે ક્યારેય આપણો ભરોસો તોડ્યો નથી. એમને આપણા ઉપર ભરોસો છે એટલે જ આપણને જન્મ આપ્યો છે. આપણે ઈશ્વર પાસે માંગ્યા કરીએ છીએ. આપણી પાસે કોઈ રોજ આવીને માંગે તો આપણે ત્રણ-ચાર વાર આપીએ. ખુશ થઈને એને ઘણીવાર માંગ્યા કરતાં વધારે આપીએ અને તોય એ વ્યક્તિ માંગ્યા જ કરે ત્યારે? એ વ્યક્તિને આપણે આપેલું બધું જ પાછું લઈ લેવાનું મન નથી થતું? દુઃખ કંઈક એવી રીતે જ સર્જાયું છે. ફૂંકને ખબર પડશે ત્યારે એ પણ તાનમાં આવીને હોઠ વચ્ચે સીટી વગાડવા માંડશે...⬛ ઓન ધ બીટ્સ ‘આખા વિશ્વને જોવા એમણે આંખો બંધ કરી છે.’

અન્ય સમાચારો પણ છે...