અંદાઝે બયાં:કહાની અનમોલ ઘડી કી ઘાતક ઈતિહાસથી, યુદ્ધના વર્તમાન સુધી!

2 મહિનો પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક

નફરત માટે રાજા ને પ્રજા બેઉ જવાબદાર! (છેલવાણી) ‘આનંદ’, ‘મિલી’, ‘નમકહરામ’ કે ‘ગોલમાલ’ જેવી ક્લાસિક ફિલ્મો બનાવનાર નિર્દેશક ઋષિકેશ મુખર્જીએ 1996માં ટી.વી. સિરિયલ માટે મને એક આઇડિયા કહેલો કે એક જૂની અલમારી કે કબાટ, એક ઘરેથી બીજે ઘરે સફર કરે અને એની સાથે દરેક ઘરની એક વાર્તા હોય. મેં અમુક અપિસોડ પણ લખેલા પણ દૂરદર્શનની આંટીઘૂંટીમાં એ સીરિયલ રજૂ ના થઈ શકી… પણ નિર્જીવ વસ્તુ દ્વારા જીવંત મનુષ્યોના જીવતરને નિહાળવાનો વિચાર કેવો અદ્્ભુત છે ને? આજે એવી જ એક સત્યઘટના કે ઘટના પાછળનું સત્ય કહેવું છે જે કદાચ આપણા સમાજના નફરત ભરેલા માહોલમાં અમૃતનું એકાદ ટીપાં જેવું લાગશે…કદાચ! અગાઉ સમંદરના જળમાં કાચની બોટલની અંદર ચિઠ્ઠીમાં સંદેશો વહેતો મૂકી દેવાની પ્રથા હતી. વરસો પછી કોઈ અજાણ્યા માણસને કોઈ અજાણી ભૂમિ પર એ કાચની બોટલ મળે, એમાંનો સંદેશો એ વાંચે ને વરસો પહેલાંનું કોઈ રહસ્ય બહાર આવે! હમણાં એવી જ એક કમાલની ઇમોશનલ ઘટના યુરોપમાં બની ગઈ, જે આપણા મીડિયામાં કયાંક ખૂણે-ખાંચરે ખોવાઈ ગઈ. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ધર્માંધ પણ લોકપ્રિય શાસક હિટલરની નાઝી સેનાના એક સિપાહીએ એક જૂની ગોળ, પોકેટ વોચને લાચાર યહૂદી પાસેથી ચોરેલી અને એને બેલ્જિયમના કોઈ ખેતરમાં છુપાવી દીધેલી. એ ઘડિયાળને 1910માં આલ્ફ્રેડ ઓવરસિદ્જ નામના યહૂદી ઘડિયાળીએ ડચ શહેર રોટરડેમમાં બનાવેલી. એ ઘડિયાળીએ પોતાના ભાઈ લૂઈ ઓવરસિદ્જને 18મા જન્મદિવસે ગિફ્ટ આપેલી અને ઘડિયાળ પાછળ એનું નામ, જગ્યા અને તારીખ વગેરે કોતરેલું. …પણ 1942માં લૂઈ ઓવરસિદ્જ, નાઝી સિપાહી દ્વારા પકડાઈ ગયેલો ને સિપાહીએ એની પાસેથી ઘડિયાળ છીનવી લીધેલી. ત્યારે ઘાતકી નાઝી સિપાહીઓ, યહૂદીઓને એટલા ધિક્કારતાં કે ‘ડેથ કેમ્પ’માં મારવા માટે લઈ જતાં પહેલાં યહૂદીઓનાં દાગીના, ઘડિયાળો અને ત્યાં સુધી કે મોંમાંના સોનાના દાંત પણ ખેંચી કાઢતા! ખુદને મહાન જાતિ માનનારા નાઝીઓ, યહૂદીઓને મારી નાખીને એમના હાડકાંમાંથી સાબુ બનાવતા, એમના પર જાતજાતની દવાઓ આપીને જીવલેણ પ્રયોગો કરતા અથવા તો ગેસ-ચેમ્બરમાં ગુંગળાવીને હણી નાખતા! એક ધર્મની બીજા ધર્મ તરફની નફરત છેવટે તો આવી પાશવી હિંસા તરફ જ લઈ જાય છે. નવાઇની વાત તો એ છે એ નફરતનાં તાંડવમાં સમાજનાં ભણેલ-ગણેલ વૈજ્ઞાનિકો, કલાકારો, પ્રોફેસરો કે ડોક્ટરો પણ સામેલ થતાં! …હાં તો, આપણે આપણી વાર્તા પર પાછાં ફરીએ. પછી 1942માં ઘડિયાળી આલ્ફ્રેડ અને ભાઈ લૂઇને બેઉ નાઝીઓ દ્વારા પકડાઈને ડેથ-કેમ્પમાં લઈ જવાયેલા અને ત્યાં એમને બેરહેમીથી મારી નાખવામાં આવેલા! ઇન્ટરવલ જાનેવાલે સિપાહી સે પૂછો, વો કહાં જા રહા હૈ? (મખદૂમ મોઈનુદ્દીન) …પણ પેલી પોકેટ વોચ, લૂઈ અને આલ્ફ્રેડના વંશજ વેન એમીજદેનને આજે છેક 80 વરસ બાદ પાછી મળી!...પણ કઈ રીતે? એ એક લાંબી ને વિચિત્ર કથાયાત્રા છે. બીજા વિશ્વયુદ્ધ વખતે બેલ્જિયમ ને નેધરલેન્ડનાં લોકોને ત્યાં નાઝી સિપાહીઓને જબરદસ્તી રાખવા પડતા. તો ગુસ્તાવ જેનસીન નામના ખેડૂતે બેલ્જિયમમાં પોતાના ઘર પાસેના ખેતરની પાછળ ત્રણ નાઝી સિપાહીઓને પરાણે આશરો આપેલો. પછી એવું બન્યું કે એમાંના એક સિપાહીના હાથમાંથી પેલી ઘડિયાળ, ખેતરમાં ક્યાંક પડી ગયેલી. ગુસ્તાવને એ ઘડિયાળ મળેલી ને એણે એ સાચવી રાખેલી... હવે છેક હમણાં 2022માં ગુસ્તાવ જેનસીનના વારસદારે પીટર જેનસીનને ઘર-ખેતર વેચવા કાઢ્યું ત્યારે સામાન ખાલી કરતી વખતે પેલી પોકેટ વોચ મળી! એણે એ ઘડિયાળ પાછળ લૂઈ ઓવરસિદ્જનું નામ, જગ્યા-તારીખ વગેરે વાચ્યું… પછી પીટરે, વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓની કત્લેઆમ પર સંશોધન કરનાર વિદ્વાન રોબ સ્નિદજેરને એ ઘડિયાળ વિશે ઈ-મેલ કર્યો! … પણ હવે આટલાં વરસે લૂઈ અને આલ્ફ્રેડના વંશજને શોધવા અસંભવ કામ હતું, પણ પીટરે આગ્રહ કર્યો કે આ ઘડિયાળ લૂઇના યહૂદી પરિવાર સુધી પહોંચવી જ જોઈએ! પીટર, જો ધારત તો એને એન્ટિક-શોપમાં કે મ્યુઝિયમમાં વેચીને લાખો કમાઈ શક્યો હોત. પછી પેલા સંશોધક રોબે, ફેસબુક-ટ્વિટર જેવા સોશિયલ મીડિયામાં ઘડિયાળ ને યહૂદી પરિવાર વિશે લખ્યું. માત્ર 24 જ ક્લાકમાં રોબને માહિતી મળી કે ઘડિયાળી આલ્ફ્રેડ ઓવરસિદ્જ અને એના ભાઇ લૂઇની દીકરી, વિશ્વયુદ્ધમાં બચી ગયેલી ને એનો પરિવાર આજે નેધરલેન્ડમાં કશેક વસે છે!… પણ ક્યાં? બસ, પછી તો સંશોધક રોબ સ્નિદજેર અને બેલ્જિયમના ખેડૂત પીટરે, લિંક્ડઈન નામની વેબસાઈટ પરથી લૂનાના દોહિત્ર, વેન એમેજેદીનને મહામહેનતે શોધી કાઢયો. પછી એક સાંજે ગુસ્તાવના વંશજ ખેડૂત પીટર જેનસીન અને યહૂદી વેન એમેજેદીન વચ્ચે મુલાકાત ગોઠવાઈ. પોતાના નાનાની ઘડિયાળ જોઈને વેન રડી પડ્યો. અજાણ્યા ખેડૂત પીટર જેનસીનને ભેટી પડ્યો! આ જોઇને યહૂદીઓની યાતનાના સંશોધક રોબ કહે છે: મારા જીવનમાં આવું દૃશ્ય પહેલીવાર જોયું! દાયકાઓ બાદ, યુદ્ધોની નફરત બાદ, સરહદો ભૂંસાઈ ગઈ ને માનવતા જીતી ગઈ! ….પણ આખી વાતમાં મહત્ત્વનું એ છે પોતાના નાના લૂઇની ઘડિયાળ હાથમાં લઈને વેને એમ કહ્યું કે- ‘આજે આ ઘડિયાળ મારા હાથમાં આવી ત્યારે મને અચાનક યુક્રેન-રશિયા યુદ્ધમાં ઘાયલ સિપાહીઓ ને સ્ટેશન-સબ-વેમાં છુપાયેલા લાચાર નાગરિકોના ચહેરા દેખાય છે!’ જી હાં, નફરતના ન્યૂઝ ચીખતાં એન્કરો, કત્લેઆમની ખબરો અને યુદ્ધની બર્બરતા વચ્ચે પણ લાગણીની ગાથાઓ પણ ચાલ્યા કરે છે! એન્ડ ટાઈટલ્સ આદમ: વિશ્વ-શાંતિ ક્યારે સ્થપાશે? ઈવ: ટી.વી. ન્યૂઝ બંધ ત્યારે! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...