નામ અને ઇનામ તમારા હાથમાં નથી હોતાં. (છેલવાણી) એક કલાકારે કોઈ મોટો ગુનો કર્યો. રાજાએ મંત્રીને પૂછ્યું, ‘આને 3 વરસની કેદ આપીએ?’ મંત્રીએ કહ્યું, ‘અપરાધ બહુ મોટો છે, 3 વરસ બહુ ઓછાં કહેવાય.’ ‘તો 10 વરસની કેદ?’ ‘10 વરસ પણ બહુ ઓછી સજા છે.’ ‘તો આજીવન કારાવાસ આપીએ?’ ‘ના- એ પણ ઓછું કહેવાય!’ ‘તો શું ફાંસીની સજા આપીએ?’ ‘ના, ફાંસીની સજા પણ ઓછી પડે!’ રાજાએ ગુસ્સામાં કહ્યું, ‘અરે, ફાંસીથી મોટી સજા કઈ હોઈ શકે? તમે જ કહો!’ મંત્રીએ કહ્યું, ‘આ કલાકારની સામે બીજા કોઈ કલાકારની પ્રશંસા કરવી જોઈએ! સતત, દિન-રાત…એક કલાકાર માટે આનાથી મોટી સજા જ નથી. મોત પણ નહીં!’ હરિશંકર પરસાઈની આ લઘુ-વ્યંગકથામાં કલાકારો કે લેખકો વચ્ચેના ઝઘડા, જલન, વિવાદ ને હુંસાતુંસીનો આખો સાર આવી જાય છે. હમણાં હિંદી લેખિકા ગીતાંજલિ શ્રીને વિશ્વસાહિત્યનું ખૂબ મોટું ગણાતું ‘બુકર પ્રઈઝ’ મળ્યું. ભારતીય ભાષામાં લખાયેલ કોઈપણ પુસ્તકને આજ સુધી આ સન્માન નથી મળ્યું! વી.એસ.નાયપોલ, સલમાન રશ્દી, કિરણ દેસાઇ, અરૂંધતિ રોય અને અરવિંદ અડિગા- જેવા લેખકોને અગાઉ ‘બુકર પ્રાઈઝ’ મળેલ છે, પણ એ અંગ્રેજીમાં લખેલ પુસ્તક માટે. ગીતાંજલિ શ્રીની અદ્્ભુત હિંદી નવલકથા ‘રેત સમાધિ’ના અંગ્રેજી અનુવાદને પૂરા 50,000 પાઉન્ડ (લગભગ રૂ.48,49,103/-)નું ઇનામ મળે એ ભારતીય ભાષાઓ માટે પહેલી ઘટના છે, પણ ઇનામ જાહેર થતાં જ ભારતીય સાહિત્ય જગતમાં મેણાં-ટોણાં, વાંધા-વચકાં શરૂ થઈ ગયાં. કોઈએ કહ્યું, ‘એ તો હવે અનુવાદને ઇનામ કહેવાય, મૂળ લેખકની જીત ના કહેવાય!’ ઇનામી રકમ ગીતાંજલિ શ્રી અને અંગ્રેજી અનુવાદક ડેઇઝી રોકવેલને અડધી-અડધી આપવામાં આવશે, એટલે ઇર્ષ્યાળુઓએ આને ‘અડધું જ ઇનામ’ કે ‘અડધી જ જીત’ ગણાવી! કેટલાક હિંદી લેખકો તો રાતોરાત અંગ્રેજી અનુવાદકો શોધવા માંડ્યા! કેટલાકે તપાસ કરવાની શરૂ કરી કે આવાં ઇનામ અપાવવા માટે કોઈ એજન્સી વગેરે હોય છે કે જે આપણુંયે સેટિંગ કરી આપે? (છે ને ટિપિકલ ઈન્ડિયન મેન્ટાલિટી?) ઈન્ટરવલ કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના. (આનંદ બક્ષી) એકાદ અપવાદ સિવાય સરકાર અને ટોચના કોઇપણ નેતાઓએ વિશ્વસ્તરે આ સિદ્ધિ માટે લેખિકાને વધામણાં આપ્યા નથી! ઘણા લેખકોએ ફેસબુક પર ‘રેત સમાધિ’નાં 2-3 પાનાં મૂકીને લખ્યું: ‘લેખિકાને લખતાં પણ નથી આવડતું! અરે, એક આખા પાના પર ક્યાંય કોમા કે ફૂલસ્ટોપ પણ નથી.’ લેખિકાની સાથોસાથ પ્રકાશક, પ્રૂફરીડર અને બુકર પ્રાઈઝવાળાઓની પણ ભરપેટ બુરાઈ કરી! ખરેખર તો લેખિકાએ 376 પાનાંની નોવેલમાં લેખનના ખૂબ સુંદર પ્રયોગો કર્યા છે. ક્યાંક એક પાના પર, એક પ્રકરણમાં માત્ર 10-15 વાક્યો જ છે, તો ક્યાંક માત્ર છ વાક્યોનું ચેપ્ટર છે! (આવા અટકચાળા કરનારાઓને એ પણ ખબર નથી કે વિશ્વસાહિત્યમાં જેમ્સ જોયસની અમર રચના ‘યુલીસિસ’માં 4,391 શબ્દોનું એક સળંગ વાકય છે!) ‘રેત સમાધિ’ના એક પ્રકરણમાં માત્ર એટલું જ લખ્યું છે: ‘રોઝી મર ગઇ’ કે પછી ‘ગર્મી ખિસક લી તો એક દિન રાત હુઈ’ જેવાં કાવ્યાત્મક વાક્યો છે. આના પરથી એ વાતની તો ખાતરી થઈ કે જલનખોર લેખકો કે ટીખણીબાજો, ગુજરાતી સિવાય ભારતની દરેક ભાષામાં હોય છે! ‘રેત સમાધિ’ને ‘નીરસ નોવેલ’ સાબિત કરીને બુકર ઇનામ પર પાણી ફેરવવાનું કામ લોકો કરી રહ્યાં છે. વળી, ગીતાંજલિ શ્રીનાં લેખન અને નોવેલની બુરાઇ કરનારા વાંકદેખાઓ અત્યાર સુધી ક્યાં હતાં? કારણ કે નોવેલ તો છેક 2018માં આવેલી! આમાં આપણે સૌએ હરખાવાની વાત એ છે કે ગીતાંજલિ શ્રીએ લેખક ‘પ્રેમચંદ’ પર પી.એચ.ડી., બરોડાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી કરેલું અને ત્યાર પછી જ વાર્તા લખતાં થયાં એ એક ગુજરાતી કનેક્શન કહેવાય! ‘રેત સમાધિ’ સિવાય પણ ગીતાંજલિ શ્રીએ ટૂંકીવાર્તાઓ અને 4 નવલકથાઓ લખી છે. ફ્રેંચ, અંગ્રેજી તેમજ અનેક ભાષાંમાં એમની રચનાઓ અનુવાદિત થઇ છે અને એમને અનેક એવોર્ડ્ઝ અને સ્કોલરશિપ મળી ચૂક્યાં છે. બુકર જીતવાના ઘણા ઉત્સાહી લેખકોને એ પણ ખબર નથી કે હવે કદાચ ભારતીય ભાષાનો ફરીથી વારો 5-10 વરસ નહીં પણ આવે… તેમ છતાં સૌ ‘અમને કેમ ના મળે?’ એની લ્હાયમાં ચોવટથી માંડીને ચિંતા કરવા માંડ્યા છે. એ લોકોને ખબર નથી કે 1913માં ટાગોરને ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનું નોવેલ પ્રાઈઝ મળ્યું ત્યાર બાદ કોઈ ભારતીય સાહિત્યકારનો વારો આવ્યો નથી! લેખિકા ગીતાંજલિ શ્રી પરથી યાદ આવ્યું કે ટાગોરને પણ ‘ગીતાંજલિ’ વખતે આવી જ રીતે આપણાં લોકોએ વખોડવાનો પ્રયત્ન કરેલો. કોઈએ એમ કહ્યું કે આ તો અનુવાદને ઇનામ છે! ડબલ્યુ. બી. યેટ્સ નામના અંગ્રેજી કવિએ ‘ગીતાંજલિ’ની પ્રસ્તાવના લખેલી, તેના પરથી લોકોએ અફવા ઉડાડેલી કે ટાગોરનાં કાવ્યોને સુધારીને યેટ્સે અંગ્રેજીમાં મૂક્યાં એટલે જ નોવેલ મળ્યું! ડબલ્યુ.બી. યેટ્સે ખુલાસો આપવો પડેલો કે અનુવાદ અને રચના બેઉ ટાગોરની જ છે, મેં એકાદ-બે સૂચનો કરેલાં અને ‘ગીતાંજલિ’, અંગ્રેજી જ નહીં પણ વિશ્વસાહિત્યમાં મહાન ઘટના છે! આ દેશમાં ટીખળબાજો, ઈર્ષ્યાળુઓ, ‘ગીતાંજલિ શ્રી’ હોય કે ‘ગીતાંજલિ’ના સર્જક ટાગોર હોય, કોઈનેય છોડતા નથી! એક ભારતીય ભાષાના પુસ્તકને ‘બુકર પ્રાઈઝ’ મળે તોયે સરકાર, પ્રજા, મીડિયા અને સાહિત્યકારોને કશી પડી જ નથી! સૌ પોતપોતાની ‘રેત સમાધિ’માં જાણે સૂઈ ગયાં છે! એન્ડ ટાઈટલ્સ આદમ: તેં ‘રેત સમાધિ’ વાંચી? ઇવ: જેને ઈનામ મળે એ બુકથી મને ડર લાગે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.