અંદાઝે બયાં:દરેક દિશાઓથી, અવનવા આઇડિયા આપોજી!

સંજય છેલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ આઝાદ દેશમાં દરેકને અભિપ્રાય આપવાની આઝાદી છે ને દરેકને એ ના સાંભળવાની! (છેલવાણી) એક ગામમાં સવારે અચાનક ભયાનક રાડ સંભળાઇ. લોકો ભેગાં થયાં ને જોયું તો એક વૃદ્ધનું માથું ભેંસનાં ગોળ શિંગડાંઓ વચ્ચે ફસાયેલું હતું. ભેંસ, એ બુઢ્ઢાને અહીં-તહીં ઉછાળતી હતી. બુઢ્ઢો, બૂમો પાડતો હતો. માંડ માંડ લોકોએ ભેંસનાં ગોળ શિંગડાંમાંથી પેલાનું માથું છોડાવ્યું પછી પૂછ્યું કે માથું છેક ભેસનાં શિંગડાંની અંદર ફસાયું કઇ રીતે? બુઢ્ઢાએ કહ્યું, ‘વાંક મારો નથી, ભેંસનો જ છે. રોજ સવારે હું ઓટલા પર દાતણ કરતો હોઉં ત્યારે મારા ઘર પાસેથી મોટાં મોટાં શિંગડાં લઇને નીકળે. જતાં જતાં મને જોયા કરે, જાણે કહેતી હોય કે જો મારાં શિંગડાં! ને મને રોજ આઇડિયા આવે કે આવાં સુંદર ગોળ શિંગડાંમાં મારું માથું અંદર ફિટ થાય તો કેવું? સાલો, આ આઇડિયા મને રોજ સતાવે. આજે રહેવાયું નહીં એટલે શિંગડાંમાં માથું નાખ્યું, જે થવાનું હોય એ થાય પણ આઇડિયા અજમાવવો તો હતો જ!’ બસ, આ અવનવા વિચારો કે આઇડિયાઓનું પણ આવું જ છે. જુલાબ જેમ એકવાર આવે તો એને રોકી ના શકાય. વળી, આપણો ભારત દેશ તો આખેઆખો આઇડિયાઓનો જ દેશ છે. આપણા દેશમાં ઘઉં કે ચોખાની ખેતી તો સીઝન પ્રમાણે અમુક જ મહિનામાં થતી હશે, પણ જાતજાતના આઇડિયાની ખેતી બારેમાસ થાય છે. આ દેશમાં 135 કરોડ આઇડિયાઓ રસ્તા પર, ઘરોમાં, ઓફિસોમાં, બજારોમાં રખડી રહ્યા છે. દેશમાં રોજ નેતાઓ, વિચારકો, લેખકો અનેક નિતનવા આઇડિયાઓ આપે છે. જેમ કે, હમણાં કોઇએ કહ્યું કે અમુક ધર્મની સંખ્યાને સંતુલિત કરવા માટે દેશમાં સંતતિ નિયમનનો કાનૂન ફરજિયાત લાગુ પડવો જોઇએ! આઇડિયા વિચારવા લાયક છે, પણ એ જ રીતે અમને તો ખૂન, ચોરી, જુગાર, અપહરણ, નશેબાજી વગેરે અટકાવવા માટે સોલિડ ઓરિજનલ આઇડિયાઓ આવી રહ્યા છે. દા.ત. જુગારની લત ના પડે એ માટે બાળકોને નાનપણથી આપણો મહાન ગ્રંથ મહાભારત શીખવવો રહ્યો જેથી પાંડવો જુગારમાં કેવી રીતે હારી ગયા અને પછી એમની કેવી હાલત થઇ એ બધું સમજાય, જેથી બાળકો મોટાં થઇને જુગારમાં સર્વસ્વ હારી ન બેસે! તમે કહેશો કે અગર જીતી જાય તો? તો એવા લકી જુગારીઓ માટે એ શીખવવાનું રહે કે શેરબજારના સટ્ટા અને જુગારમાં આખરે કોઇ જીતીને ઘરે જતું નથી! ઈન્ટરવલ જો લોગ જૂતોં કે સાથ પેડ પે નહીં ચઢ પાતેં હૈં, વે કૂર્સિયાં બનાતેં હૈં! (સૂર્યભાનુ ગુપ્ત) વળી, જુગાર જેવી બીજી ખરાબ વાત છે, નશાની આદત. એને દૂર ભગાડવા પુરાણો, શાસ્ત્રો કે તાજા ઇતિહાસને શીખવવા જોઇએ કે દારૂ, અફીણ, ગાંજા જેવાં અનેક ડ્રગ્સમાં રોમન સલ્તનત જેવા આખેઆખા વંશ ખતમ થઇ ગયા છે. ઇવન મહાત્મા ગાંધીજી પોતાના દીકરા હરિલાલને એમાંથી મુક્ત નહોતા કરી શક્યા અને એવી તો કૈં કેટલીય હસ્તીઓના વંશના નિકંદનની ગાથાઓ છે. આ રીતે કદાચ દેશને નશામુક્ત કરી શકાય. (જોકે, ગુજરાતમાં તો દારૂબંધી છે અને એટલે ત્યાં આની જરૂર જ નથી! બરોબર ને?) આમ, શાળામાં શું-શું ભણાવવું એનું લિસ્ટ ધીમે ધીમે વધી રહ્યું છે! એમ તો મર્ડર કે ખૂન પણ એક ગંભીર સમસ્યા છે. એ માટે સ્કૂલોમાં બાઇબલનો અભ્યાસ કરાવી શકાય. સાક્ષાત જિસસ ક્રાઇસ્ટનો વધ જો કોઇ કરી શકે તો સામાન્ય માણસના ખૂનમાં કોને શું ડર લાગે? માટે ઇસુના પ્રેમ-કરુણાના સંદેશ વડે જ બાળકો હિંસાથી દૂર રહી શકે. માટે આઇ થિંક, હિંસા અને ખૂન અટકાવવા ‘બાઇબલ’ને ભણાવવાનો આઇડિયા સારો રહેશે. વળી, કમસેકમ આનાથી ગાંધીજીની હત્યાના ચાહકો વિચારતા થશે. વળી, કોઇ સાવ ખૂન ના કરે પણ હિંસા ના કરે તોય સારું. માણસ હોય કે પશુપંખી, કોઇની સાથે હિંસા થાય એ ખોટું છે એટલે જૈન ધર્મનાં શાસ્ત્રો પણ ભણાવવાં જોઇએ, જેથી અહિંસાની ભાવના કેળવાય. વળી, બીજો એક ઇશ્યૂ છે, કિડનેપ, ફિરૌતી જેવી પ્રવૃત્તિ. આવાં કિડનેપિંગ અટકાવવા રામાયણ શીખવવું જોઇએ કારણ કે વિદ્વાન-શક્તિશાળી રાવણે બીજાની પત્નીને કિડનેપ કરીને જ પોતાના મહાન સામ્રાજ્યની વાટ લગાડી ને? આમ, બાળકોને બધા જ ધર્મગ્રંથો શીખવવા જોઇએ, જેથી સમાજમાં ક્રાઇમ અટકે (એ બહાને શિક્ષકનું જ્ઞાન પણ પાકું થાય ને!) બાકી બાળકોનું શું, એ લોકો મેથ્સ-સાયન્સ તો ટ્યૂશનમાં પણ શીખી જ લે છે ને? ઇનશોર્ટ, ક્રાઇમ અટકાવવા માટે અવનવા ડાહ્યા ડાહ્યા આઇડિયા આપવા બહુ સહેલા છે, પણ સમાજમાંથી બદીઓ અટકાવવી અઘરી છે. બાકી નવા નવા આઇડિયા તો આવે જ રાખશે, શાસ્ત્રોમાં કહ્યું છે કે ‘દસે દિશાઓમાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ’ એ જ રીતે અમે પણ કહેશું: ‘કોઇ પણ દિશામાંથી કોઇ પણ સાઇઝના, કોઇ પણ ટાઇપના, આઇડિયાઓ અમને પ્રાપ્ત થાઓ!’….બાકી એને અમલમાં મૂકવાની દિશા કે તાકાત છે આપણી પાસે? આત્માના એક્સ-રેમાં ઝાંકીને જોજો જરા! એન્ડ ટાઇટલ્સ ઇવ: જ્ઞાન શું છે? આદમ: તારી સામે મૌન રહેવું એ!{ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...