તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમવૉચ:બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાનના પૌત્રની કેફી દ્રવ્યોની હેરાફેરીના ગુનામાં દિલ્હીમાંથી ધરપકડ કરાઈ હતી

જયદેવ પટેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વવ્યાપી કેફી દ્રવ્યોના કરોડોના કારોબારની એક કથા
  • તિહાર જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટીને પેટ્રિક ટીથ નેપાળ થઈને વિમાન માર્ગે બ્રિટન પહોંચી ગયો હતો

કેફી પદાર્થોની હેરાફેરી અને લે-વેચ કરવા બદલ ‘નાર્કોટિક્સ’ ધારા હેઠળના એક કેસમાં છેલ્લાં આઠ વર્ષથી જેલમાં સજા કાપી રહેલા કચ્છના એક કેદીએ બાકી રહેલી તેની બે વર્ષની સજા માફ કરીને છોડી મૂકવાની દાદ માગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરેલી અપીલની સુનાવણી નીકળતા ન્યાયમૂર્તિ પરેશ ઉપાધ્યાયે આ પ્રકરણની અત્યંત ગંભીર નોંધ લેવા સાથે પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો કે, આજે વિશ્વભરમાં યુવા ધનને અનેકવિધ પ્રકારના તથા વિવિધ નામ ધરાવતા કેફી દ્રવ્યોને રવાડે ચડાવી દઈને તેમને બરબાદીની ખીણમાં ધકેલી દેવાના કરોડોના કાળા કારોબારને સાહજિક ગુના તરીકે સ્વીકારવો કે મૂલવવો ના જોઈએ. કેફી દ્રવ્યોના કારોબારમાં દેશભરમાં પંજાબ રાજ્યને નામચીન ગણવામાં આવે છે. આ રાજ્યની જેમ ગુજરાત પણ આવી ગુનાખોરીની રાહ અપનાવી લે તે પહેલાં જ સખ્તાઈપૂર્વકની કાર્યવાહી અત્યંત આવશ્યક છે. ન્યાયમૂર્તિ પરેશ ઉપાધ્યાયે ગુજરાતના યુવા વર્ગમાં ફેશન સમાન બની ગયેલા ‘નાર્કોટિક્સ’ના ઉપયોગ પ્રત્યે ગંભીર નોંધ લઈને આ ટીકા કરીને કેસની વધુ સુનાવણી મુલતવી રાખી હતી. મહાનગર નવી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટના બંદર ઉપરથી કસ્ટમ વિભાગે તાજેતરમાં રૂ. 900 કરોડની કિંમતનો 290 કિલો હેરોઈનનો જથ્થો પકડી પાડીને બે શખ્સોની નાર્કોટિક્સ ધારા હેઠળ ધરપકડ કરી હતી. આ ઉપરાંત આ જ સમયગાળામાં બેંગ્લુરુના આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી એક આફ્રિકન મહિલાની રૂ. 56 કરોડના આઠ કિલો હેરોઈનના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પંજાબ પોલીસની ટાસ્ક ફોર્સની ટીમે અમૃતસરના એક મકાનમાંથી 191 કિલો હેરોઈનનો જથ્થો કબ્જે કરવા સાથે અફઘાનિસ્તાનના વતની એવા શખ્સોની ધરપકડ કરી હતી. બ્રાઉન સુગર, કોકેઈન, હેરોઈન જેવા કેફી પદાર્થોના ઉત્પાદન તથા તેના લે-વેચના કરોડો રૂપિયાના કારોબારમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત ‘ટ્રાન્ઝિટ પોઈન્ટ’ બની રહ્યું હોવાનો ખ્યાલ કરાવતા સંખ્યાબંધ ગુના નોંધાયા છે, જેમાં વિદેશી નાગરિકો સહિત સંખ્યાબંધ ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આમ છતાં લખલૂટ કમાઈ લેવાની લહાયમાં આ કારોબારે ભારતમાં પણ પગપેસારો કરી દીધો છે. હજુ તો ચાલુ મહિનાના બીજા સપ્તાહ દરમિયાન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમે અમદાવાદ શહેરા આંતરરાષ્ટ્રીય વિમાની મથકેથી રૂ. 20 કરોડના હેરોઈનના જથ્થા સાથે એક બિનનિવાસી ભારતીય (એન.આર.આઈ.)ની ધરપકડ કરી હતી. જ્યારે અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે જેતલપુર ગામ નજીક નાકાબંધી ગોઠવીને મુંબઈથી કાર દ્વારા અમદાવાદ શહેરમાં ‘એમડી’ ડ્રગ્સની ડિલિવરી કરવા આવી રહેલા શખ્સને ઝડપી લઈને રૂ. 7 લાખનો જથ્થો કબ્જે કરવા સાથે જ શાહઆલમમાં રહેતા વધુ એક શખ્સની પણ ધરપકડ કરી હતી. આમ, કેફી દ્રવ્યોના વિશ્વવ્યાપી કારોબારના એક પ્રકરણમાં આજથી વર્ષો પૂર્વે બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાનના પૌત્રની દિલ્હી સ્થિત નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમે પાંચ કિલો હશીશના જથ્થા સાથે ધરપકડ કરી હતી, તે પ્રકરણની કથા પ્રસ્તુત કરી છે. બ્રિટનના ભૂતપૂર્વ પ્રાઈમ મિનિસ્ટર હેરોલ્ડ મેકમિલનના પૌત્ર અને ‘ટોરી’ પક્ષના ભૂતપૂર્વ સંસદ સભ્ય લોર્ડ જુલિયન એમટીના ભત્રીજા પેટ્રિક ટીથને તા. 22મી જૂન, 1994ના રોજ દિલ્હીની એનસીબીની ટીમે હશીશના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પચીસેક વર્ષ પૂર્વે કબ્જે લેવામાં આવેલા હશીશના આ જથ્તાનું રૂપિયા પાંચ કરોડ મૂલ્ય ગણવામાં આવ્યું હતું. બ્રિટનના વડાપ્રધાનનો પૌત્ર કેફી દ્રવ્યોની હેરાફેરીના ગુનામાં ઝડપાઈ જવાના સમાચાર વિશ્વભરના સમાચારપત્રોમાં પ્રગટ થયા ત્યારે ચકચાર મચી ગઈ હતી. આમ, નાર્કોટિક્સ ધારા હેઠળ પેટ્રિક ટીથની ધરપકડ બાદ તેને દિલ્હીની તિહાર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. આ કેસમાં જામીન ઉપર છૂટકારા માટે પેટ્રિક ટીથે ત્યારે ભારે ધમપછાડા કર્યા હતા. આઠેક મહિનાના કારાવાસ બાદ દિલ્હી હાઈકોર્ટે કેટલીક કડક સૂચનાઓ સાથે તેને જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો. જામીન ઉપર છૂટીને બહાર આવેલ પેટ્રિક ટીથ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયાની હકીકત પ્રકાશમાં આવી ત્યારે દેશભરની જુદી-જુદી તપાસ એજન્સીમાં હલચલ મચી ગઈ હતી. પેટ્રિક ટીથની શોધ કરવા એનસીબી સહિત જુદાં-જુદાં રાજ્યોની પોલીસે દેશભરમાં અભિયાન હાથ ધર્યું હતું છતાં તેમાં કોઈ જ સફ‌ળતા સાંપડી ન હતી. ચારેક મહિના વીતી ગયા બાદ પેટ્રિક ટીથ તેના વતન બ્રિટનમાં પહોંચી ગયાની માહિતી જાણવા મળી ત્યારે ‘ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા’ તે ગુજરાતી કહેવત યથાર્થ પુરવાર થયાનો સૌને ખ્યાલ આવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, પેટ્રિક ટીથે ત્યાર બાદ પોતાની બહાદુરીની જગતને જાણ કરવા મહાનગર લંડનમાં પત્રકાર પરિષદ યોજી, હતી જેમાં ભારતમાંથી નેપાળ થઈને તે કેવી રીતે ફરાર થઈ ગયો હતો તેની કડીબદ્ધ કહાણી રજૂ કરી હતી. આ પત્રકાર પરિષદમાં પેટ્રિક ટીથે ફરાર થઈ જવાના તેના પ્લાનને કેવા સંજોગોમાં પાર પાડ્યો હતો તેની માહિતી આપતાં કહ્યું હતું કે, જેલમાંથી જામીન ઉપર છૂટીને બહાર આવ્યા બાદ દિલ્હી સ્થિત બ્રિટિશ હાઈકમિશનની કચેરીમાં નવો પાસપોર્ટ કાઢી આપવા અરજી કરી હતી. જોકે, હાઈકમિશને તેની અરજી નામંજૂર રાખી હતી. આથી વહેલી તકે ભારતને ‘અલવિદા’ કરવાનું વિચારીને તે નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યો હતો. ત્યાર બાદ આફ્રિકાના વેનેઝુએલા નાગરિકના નામનો બનાવટી પાસપોર્ટ કઢાવીને તે વિમાન માર્ગે બ્રિટન પહોંચી ગયો હતો. આ પ્રકરણે ભારતભરમાં ત્યારે ચકચાર મચાવી મૂકી હતી. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિકલ સબસ્ટન્સ (એનડીપીએસ) હેઠળના આ કેસના ફરાર આરોપી પેટ્રિક ટીથ વિરુદ્ધ ત્યારે દિલ્હીની ખાસ અદાલતે તેની ધરપકડ કરવા નોન બેઈલેબલ વોરંટ જારી કર્યું હતું. જોકે, આ વોરંટની બજવણી થઈ શકી ન હતી. જ્યારે બીજી બાજુ રાજધાની િદલ્હી સ્થિત બ્રિટનની હાઈકમિશનની કચેરીએ જાણે કે પોતાના હોઠ સીવી લીધા હતા. કચેરીના પ્રવક્તાએ આ પ્રકરણમાં ટૂંકાક્ષરમાં કહ્યું હતું કે- ‘હી ઈઝ નો મોર ઈન ઈન્ડિયા!’ {

અન્ય સમાચારો પણ છે...