તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફબીટ:ફરિયાદો કરવાવાળા માટે...

અંકિત ત્રિવેદી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તો કાઢીને જીવતાં આવડે તો જીવનથી મોટો આનંદમેળો એક પણ

ઘણાંને ઘણું કરવું હોય છે, પણ સમય મળતો જ નથી! ગુડમોર્નિંગના મેસેજનો જવાબ આપતાં-આપતાં ગુડનાઈટ થઈ જાય છે! મોબાઈલમાં એક પછી એક નોટિફિકેશન એવી રીતે રણકે જેમ આપણા આંગણામાં પાડોશીનાં છોકરાં રમતાં હોય! ફરિયાદો ઘણાંને હોય છે અને ઘણાંને માત્ર ફરિયાદો જ હોય છે. આખો દિવસ ફરિયાદોનો ટોપલો લઈને બધે જ ઘૂમી વળે. એમનું નસીબ પણ એવું જ હોય. નસીબ બતાવવા જ્યોતિષના ત્યાં સમયસર પહોંચે ત્યારે પ્રશ્નકુંડળીમાં રાહુ જ બેઠેલો હોય. જ્યોતિષ પણ સાચું કહેતા મૂંઝાય. ‘તમે થોડાંક મોડા પડ્યા હોત તો વાત જુદી જ હોત’– એમ કહીને જ્યોતિષ આશ્વાસન આપે. ‘દરેક જગ્યાએ મોડો જ પડું છું એટલે આજે તમારે ત્યાં તો સમયસર આવું, એમ માનીને સમયસર આવ્યો છું’– એનો ખુલાસો આપે પણ જ્યોતિષ કરે શું? ફરિયાદ જાણે એમનું અદૃશ્ય માસ્ક હોય એવું લાગે જે આપણને એમના અવાજમાં દેખાય! સેવાભાવી સ્વભાવ હોવા છતાં એમની સેવા એ લોકો જાતે જ કરે! એમને સુખનો અનુભવ ફરિયાદો કરવામાં જ મળે છે. નર્સરીવાળા હવે તો ડિસ્કાઉન્ટમાં ફૂલ-છોડ વેચે છે. નર્સરીવાળાઓએ સેલનાં પાટિયાં હમણાં-હમણાંથી જ લગાવવાનાં શરૂ કર્યાં છે. આ સિવાય બધે જ પહેલાં સેલનાં પાટિયાં લટકતાં વાંચવાં મળ્યાં હશે. પાડોશીને પણ છોડ ખરીદવા માટે ઉશ્કેરે અને સાથે લઈ જાય. બંને જણા સાથે ફૂલ-છોડ સેલમાંથી ખરીદે. પરિણામ એ આવે કે પંદર દિવસ પછી પાડોશીનાં ઘરે સરસ ફૂલ-છોડ ઊગ્યાં હોય અને અને આમને ત્યાં નર્સરીમાં જેટલું ઊગાડેલું લાવ્યાં હતાં તે પણ ના હોય! પરિણામે ફરિયાદનો તીવ્ર સ્વર મનમાં ને મનમાં ગુસ્સો અપાવે. સવાર-સાંજ એસિડિટીની ગોળી ખાવા છતાં શમે નહીં. ગણતરીમાં પોતે કાચા હોવાનું કબૂલે. પસ્તાવો થયા પછી નવાં-નવાં લગ્ન થયાં હોય ત્યારે ઘણા સુખી કુટુંબના પુરુષોને શાક ખરીદવા જવાનો અનુભવ નથી હોતો. પરિણામે પાલક અને મેથીની ભાજીમાં ભૂલો પડતી. ઘણાં આજે પણ ચામાં કોથમીર નાંખીને ચા પી જાય છે, કારણ કે પત્નીની સામે એમ નથી બોલાતું કે ચામાં ભૂલથી ફુદીનાની જગ્યાએ કોથમીર પડી ગઈ છે. તેથી વાંક શાકવાળાનો નીકળે છે અને ‘આ વખતે કોથમીરમાં છેતરી ગયો’– એમ કહીને મન મનાવી લેવાય છે. જે મળ્યું છે એ માણતાં ઘણાંને નથી આવડતું. છૂટાછેડા ન થતા હોય એમાં પણ ફરિયાદો જ હોય. જે પિક્ચર જોવા એણે ટિકિટ લીધી હોય એ ફિલ્મ ફ્લોપ જ હોય– એવી એને ખબર જ હોય છે. પરિણામે એ ભાઈબંધના પૈસાથી જ ફિલ્મ જુએ છે. જોકે, એ વાત પણ સાચી કે બધાંને બધું જ ધારેલું ક્યાં મળે છે? કૃષ્ણ પણ અંતિમ દિવસોમાં દુઃખી હતા, તો આપણી શી વિસાત! કૃષ્ણ દુઃખી હતા પણ એમણે ફરિયાદો નથી કરી. રસ્તો કાઢીને જીવતાં આવડે તો જીવનથી મોટો આનંદમેળો એક પણ નથી. ⬛ ઑન ધ બીટસ ઓરડામાં ચાંદરણાં એવાં કે પૂછું તો મૂંગાં થઈ જોઈ રહે સામે, ફળિયામાં પંખીનાં પગલાં પડ્યાં છે, એને મોકલીએ તારા સરનામે? - નવનીત જાની ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...