નીલે ગગન કે તલે:પાંચ સાલ બાદ

મધુ રાય13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાની પેપર કરન્સી સરેરાશ ત્રણ ત્રણ દિવસે માલિક બદલે છે ને સાડા પાંચ વર્ષ સુધી ‘જીવે’ છે

આ લખાય છે તે દિવસના પ્રભાતે નોટબંધીના પાંચમા જન્મદિવસના માનમાં ભારતનાં દૈનિકોમાં નગારાં વાગી રહ્યાં હશે. કોઈ કટારચી કહેતા હશે કે નોટબંધી ગુડ ગુડ, વેરી ગુડ! તો કોઈએ કપાળે આંગળીઓ ભુટકાડી અફસોસ કીધો હશે કે નોટબંધીએ સતીઆનાસ્સ કીધું નાના નાના વેપારીઓનું, અથવા બીજું કશું. સંજોગથી ગગનવાલા તે સમયે અમેરિકાથી અમદાવાદ આવેલા અને ધોતિયાની આંટીમાં એરપોર્ટથી રિક્ષા માટે ઇન્ડિયન રૂપીઝ લાવેલા, તે મોટી નોટુંથી બધા છેટા ભાગે ને અમારે આખરે ડોલર પકડાવવા પડેલા. પણ ગગનવાલાની પોલિસી મુજબ અહીંયા નોટબંધીની ભક્તિ નથી કે બદબોઈ નથી. ડોલર આપવાનો અફસોસ બી નથી, ચાલ્યા કરે. પેપર મનીની વાત આવતાં સમજો કે સૌથી પહેલાં 13મી સદીમાં ચીનમાં શેતૂરના ઝાડના લાકડામાંથી બનાવેલા કાગળમાંથી ચીનના પેપર મની બનતા. હથિયારધારી રક્ષકો શેતૂરનાં જંગલોનો પહેરો ભરતા અને નકલી નોટ બનાવનારાઓને મોતની સજા થતી. રૂપિયો, એટલે રૂપાનો સિક્કો ભારતમાં 6ઠ્ઠી સદીથી પુરાણ, મૌર્ય, કુશાન, પંચાલ વગેરે રાજવંશો દ્વારા પ્રચલિત હતો, પછી શેરશાહ સૂરીએ રૂપિયાને પુનર્જન્મ આપ્યો અને 1861માં અંગ્રેજોએ સમગ્ર ભારતવર્ષના ઉપખંડમાં કાગળની નોટો ચલણી કરી. અમેરિકામાં 1775માં આઝાદીની ક્રાન્તિ વખતે પહેલી વાર ડોલરની નોટો અમલી થઈ, ને તરત બ્રિટને તેની ધમધોકાર નકલી નોટો બનાવી અમેરિકાનું અર્થતંત્ર ખુવાર કરવા કોશિશ કરેલી. અમેરિકાની આઝાદી બાદ અમેરિકાના ફોર્ટ નોક્સમાં જેટલી કિંમતનું સોનું હોય એટલી કિંમતની પ્રોમિસરી નોટો સરકાર છાપતી, જેમાં સરકારનું ‘પ્રોમિસ’ હોય છે કે આ કાગળની સામે આટલી કિંમતનું સોનું તમને મળશે. આ સોનાનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ 1971 સુધી જારી રહ્યું ને તે પછી ડિજિટલ કરન્સીનો અવતાર થયો ને નાણાની ‘વેલ્યૂ’ જે–તે સરકાર પાસે તેટલું સોનું હશે તેવા વિશ્વાસ ઉપર સ્થિર થઈ. યાને $20ની નોટની કિંમત વીસ ડોલર છે કેમકે બધા કહે છે કે વીસ ડોલર છે. અમેરિકામાં રાજાશાહી સામે એવો તિરસ્કાર હતો કે ડોલરના સિક્કા ઉપર પ્રથમ રાષ્ટ્રપ્રમુખ જોર્જ વોશિંગ્ટને પોતાની મુખાકૃતિ પાડવાનો સખત વિરોધ કરેલો કેમકે એવું તો લુચ્ચા રાજાઓ કરે. પણ સોનાનું માનક શાથી? સોનાની ઉપર નોટોનો આધાર એ ખાતર કે સોનું કદી બગડતું નથી, હીરાની માફક ઘસાતું નથી, અને ઝવેરાત, ઇલેક્ટ્રોનિક્સ અને ડેન્ટિસ્ટ્રીમાં વપરાય છે. સોનાની ‘નકલ’ કરવી દુષ્કર છે, ને વળી પૃથ્વીની ખાણોમાં એક મર્યાદિત તાદાદમાં સોનું છે. તેથી તેને માનક ગણીને નાણાંની કિંમત સ્થિર થાય છે. વિશ્વયુદ્ધ પહેલાં જગતનાં ચલણો ઉપર બ્રિટિશ પાઉન્ડની સરસાઈ હતી ને હવે અમેરિકન ડોલરની. હાલ દુનિયાભરમાં 3500 લાખ લોકો અમેરિકાની પેપર કરન્સી યાને ડોલર વાપરે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના નાઝીઓએ નકલી પાઉન્ડ અને ડોલર છાપીને આકાશમાંથી બંને દેશોમાં વરસાવેલા. ભારતમાં 2000ની નોટ સર્વોચ્ચ છે; ને અમેરિકામાં 100 ડોલરની. પરંતુ અત્યંત મર્યાદિત વહેવાર માટે ગોલ્ડ સર્ટિફિકેટ તરીકે છપાયેલી છે, 10,000ની નોટ, જેની ઉપર 28મા રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલસન સાહેબ તમને હાવડીડૂડી કહે છે. નાની પેપર કરન્સી સરેરાશ ત્રણ ત્રણ દિવસે માલિક બદલે છે ને લગભગ સાડા પાંચ વર્ષ સુધી ‘જીવે’ છે. યાને તેના જીવનકાળ દરમિયાન 1 કે 5 રૂપિયાની નોટ માનો કે 6000 હાથમાં રખડતી મરણને શરણ થાય છે. કોના કેવા હાથ! બીડીવાળા, ચેપવાળા, રોગિષ્ટ! આ જંતુઓ આમ તો ખતરનાક નથી પણ જૂની નોટો ઉપર કદીક સાલ્મોનેલા કે ઇ–કોલાઈના લિસોટા રહી ગયેલા દેખાય છે. જૂની કાગળની નોટો કરતાં નવી પોલિમરની નોટો વધુ સ્વચ્છ હોય છે. એ જ કારણ હશે કે સરકારી મુદ્રણાલયોમાં રૂપાતી 95 ટકા નોટો જૂની નોટોને બદલવા જ છપાય છે. જય મહારાજા ચન્દ્રગુપ્ત!⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...