તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક ઓફ:ફાઈવ-ફોર-થ્રી-ટુ-વન-ઝીરો...

4 દિવસ પહેલાલેખક: શિશિર રામાવત
 • કૉપી લિંક
 • મનને બહાનાં શોધવાની તક જ નહીં આપવાની

આપણે વાત માંડી હતી આપણા સ્વભાવની એક વિચિત્રતાની. આપણે જાણતા હોઈએ છીએ કે જીવનમાં અથવા રોજ-બ-રોજના રૂટિનમાં એક્ઝેક્ટલી સમસ્યા શી છે ને તેનો ઉકેલ શી રીતે લાવી શકાય તેમ છે. છતાંય આપણે કોણ જાણે કેમ છેલ્લી ઘડીએ પગલાં ભરવાનું માંડી વાળીએ છીએ. જેમ કે, શરીર સાચવવા માટે સવારે વહેલાં ઉઠીને કસરત કરવી જરૂરી છે, પણ આપણે એલાર્મ બંધ કરીને પાછા સૂઈ જઈએ છીએ. ઓફિસની મીટિંગમાં આત્મવિશ્વાસપૂર્વક પોતાની વાત રજૂ કરવાને બદલે ચુપચાપ બેસી રહીએ છીએ. પરિવારની વ્યક્તિ, મિત્ર કે સંબંધી સાથે ગેરસમજનો ગુણાકાર થતો અટકાવવા માટે એની સાથે સીધી ને સટ ચર્ચા કરી લેવાને બદલે વાત કરવાનું ટાળીએ છીએ, વગેરે.

આપણે છેલ્લી ઘડીએ આળસ કરી જઈએ છીએ કે માંડી વાળીએ છીએ તેને કારણે સમસ્યા ત્યાંની ત્યાં રહે છે. આ ચક્રમાંથી બહાર આવવાનો સાવ સરળ, પણ ભારે અસરકારક તોડ મેલ રોબિન્સ નામનાં અમેરિકન માનુનીએ શોધી કાઢ્યો છે. તે છે, ધ ફાઇવ સેકન્ડ રૂલ. આ નિયમને કેન્દ્રમાં રાખીને તેમણે એકાધિક પુસ્તકો લખ્યાં. આજે સુપરસ્ટાર રાઇટર-સ્પિકર તરીકે એમનું નામ છે. શું છે આ ફાઇવ સેકન્ડ્સ રૂલ? જે કરવાથી આપણું ભલું થશે તેની આપણને ખબર છે તે કરવાની ઘડી આવે ત્યારે તરત જ પાંચથી ઝીરો સુધીની ઊંધી ગણતરી શરૂ કરી દેવી. ફાઇવ-ફોર-થ્રી-ટુ-વન-ઝીરો... અને જેવા ઝીરો પર પહોંચો કે તરત પગલું ભરી નાખવાનું. સિમ્પલ. ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે તમે રોજ સવારે છ વાગે ઊઠીને બહાર ચાલવા જવાનું નક્કી તો કર્યું છે, પણ સવારે જેવો એલાર્મ વાગે કે તમે ફટાક કરતા હાથ લંબાવીને ઘંટડી બંધ કરી દો છો. તમારું મન જાતજાતનાં બહાનાં ઊભાં કરે છે ને તમે આઠ વાગ્યા સુધી પથારીમાં પડ્યા રહો છો. પછી આખો દિવસ અફસોસ કરતા રહો છો કે શિટ્ યાર... આજે સવારે હું વહેલો ઊઠ્યો કેમ નહીં! ફાઇવ સેકન્ડ્સનો નિયમ પાળો એટલે શું થશે? સવારે છ વાગે એલાર્મ વાગતાંની સાથે જ તમે તરત મનમાં ઊંઘી ગણતરી શરૂ કરી દો છોઃ ફાઇવ-ફોર-થ્રી-ટુ-વન-ઝીરો... અને ઝીરો પર પહોંચતા જ તમે સટ્ટાંગ કરતા પથારીમાંથી ઊભા થઈ જાઓ છો. તમારું ચબરાક મન બહાનાં શોધે અને તમને સૂતા રહેવા માટે કન્વિન્સ કરી નાખે તે પહેલાં જ એક્શન લઈ લો છો. તમે પથારીમાંથી ઊભા થઈ ગયા એટલે હવે તમારું મન બહાનાં શોધવાની પ્રક્રિયા એકદમ અટકાવી દેશે. એ જોશે કે તમે ઓલરેડી પગલું ભરી લીધું છે. બસ, પછી તમે લાઇટ ઓન કરીને બાથરૂમમાં જાઓ છો, સવારની વિધિઓ પતાવો છે ને પંદર મિનિટમાં જોગિંગ શૂઝ પહેરીને ગાર્ડનમાં ચાલવાનું શરૂ કરી દો છો.

જેવું તમને યાદ આવે કે મારે ફલાણાને ઉઘરાણી માટે ફોન કરવાનો છે કે તમે તરત ફાઇવ સેકન્ડ્સ રૂલ અમલમાં મૂકી દો છોઃ ફાઇવ-ફોર-થ્રી-ટુ-વન-ઝીરો... અને આડુંઅવળું કશું જ વિચાર્યા વિના મોબાઇલ હાથમાં લઈને નંબર ડાયલ કરી નાખો છો. જો બોલાચાલી થવાની હશે તો થશે, પણ કમસે કમ વાતનો નિવેડો તો આવશે. પતિ, પત્ની કે મિત્ર સાથે કોઈ અપ્રિય વિષય પર ચર્ચા કરવાની હોય ત્યારે આ નિયમ અજમાવીને વાત જીભ પર લાવી જ દેવાની, કેમ કે જો તમે અત્યારે ચર્ચા નહીં કરો તો વાત વધારે વણસતી જશે. ઓફિસની મીટિંગમાં કશુંક બોલવું હોય ને જીભ ન ઊપડતી હોય ત્યારે ફાઇવ-ફોર-થ્રી-ટુ-વન-ઝીરો કરીને ફટ્ કરતું બોલી જ નાખવાનું. હું કેવો લાગીશ કે બોસને-કલીગ્ઝને કેવું લાગશે એવા વિચારોને મનમાં આવવા જ નહીં દેવાના.

મેલ રોબિન્સ 41 વર્ષનાં હતાં ત્યારે ખુદ અત્યંત ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હતાં. પતિએ બિઝનેસમાં ભયંકર નુક્સાન કર્યું હતું. મેલ રોબિન્સ પોતે શરાબના રવાડે ચડી ગયાં હતાં. લગ્નજીવન તૂટવાની ધાર પર પહોંચી ગયું હતું. તેઓ જાણતાં હતાં કે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે શું શું કરવું પડે તેમ છે, પણ તેમનાથી કશું જ થઈ શકતું નહોતું. સવારે વહેલાં ઊઠીને ચાલવા સુધ્ધાં જઈ શકાતું નહોતું. એક વાર એમણે ટીવી પર કોઈ એડમાં ટેક-ઓફ કરી રહેલા રોકેટનું દશ્ય જોયું. જેવું કાઉન્ટડાઉન પૂરું થયું કે રોકેટ ધસમસતું આકાશની દિશામાં ઉડવા લાગ્યું. મેલ રોબિન્સને થયું કે હું પણ આ રોકેટની જેમ કેમ વર્તતી નથી? હું પણ સવારે કાઉન્ટડાઉન ગણીને પથારીમાંથી રોકેટની જેમ સટ્ટાંગ કરતી ઊભી કેમ થઈ જતી નથી? એમણે પોતે આ વાત અમલમાં મૂકી. એનાં ચમત્કારિક પરિણામો આવ્યાં. ફક્ત પોતાના માટે ઘડી કાઢેલો આ ફાઇવ સેકન્ડ્સ રૂલ એમણે પછી દુનિયા સામે મૂક્યો. આ નિયમને પછી તો ઊંડા રિસર્ચ અને વિજ્ઞાનનો આધાર પણ મળ્યો. ‘સાંભળવામાં આ નિયમ સાવ સ્ટુપિડ જેવો લાગે છે,’ મેલ રોબિન્સ કહે છે, ‘પણ તે છે અત્યંત અસરકારક. ‘જાણવા’ અને ‘કરવા’ વચ્ચે હંમેશાં છેટું રહી જતું હોય છે. આ અંતર ઘટાડવું હોય, હજાર બહાનાં પેદા કરતા મનની ચાલાકીઓ પર અંકુશ મૂકવો હોય તો ફાઇવ-ફોર-થ્રી-ટુ-વન-ઝીરો એન્ડ એક્શન – આ સૂત્ર અમલમાં મૂકી દેવું.’ નિયમ ખરેખર અસરકારક છે. જાતઅનુભવ લેવા જેવો છે. shishir.ramavat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો