પ્રતિમાઓ:હોલિવૂડ ફિલ્મ 'ધ સીડ' પર આધારિત આખરે

ઝવેદચંદ્ર મેઘાણી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દસ વર્ષો પછી : સાચેસાચ એ કારકુનીના ટેબલ પરથી છલાંગો મારતો મારતો સ્વામી નવલસમ્રાટના સિંહાસન પર વિરાજી રહ્યો છે. એની લેખિનીમાંથી ટપકતાં પ્રત્યેક શાહીનાં બિન્દુએ રૂપિયા વરસી રહેલ છે : બુલંદ પ્રકાશકો એના મકાનને પગથિયે મોટરો ઠહેરાવે છે : એના ઓટોગ્રાફ મેળવવા માટે અનેક સાહિત્યરસિકોનાં ટોળાં ભમે છે : એના દેહની બહુવિધ તસવીરો એ દેશનાં અખબારોની વચ્ચે સ્પર્ધાનો વિષય બની રહી છે : ને એના આ દિગ્વિજયના એક જાજ્વલ્યમાન દાયકાની પાછળ એક વિભૂતિ પોતાની છાયા છવરાવતી ઊભી છે : તકદીરના શ્યામ આસમાનને ચીરી ચંદ્રલેખા-શી આવી પડેલી એ મિત્ર તરુણી: પુરુષની પામરતાના ઢગેઢગ રાફડામાંથી મહત્ત્વાકાંક્ષાનો ભુજંગ જગાડનારી એ માનુષી મોરલી : એણે જ આ કંગાલને કુટુંબસંસારના ભસ્મપુંજમાંથી ફૂંકી અંગાર પ્રગટાવ્યો, પોતાના જ ઘરમાં સંઘરીને એનું આવું ઉચ્ચ ઘડતર કર્યું. આજ એ જીવનસખી એને પોતાનો કરી લઈ એની બાજુમાં ખડી છે. પોતાના ભુજપાશમાં એને સંઘરી રહી છે. મહત્તાને હીંચોળે એને ફંગોળી રહી છે : આજ એ પુરુષને જીવનમાં શી કમીના રહી છે? ફતેહના દુંદુભિનાદે એના કાન પરથી જીવનના ઝીણા તંતુસ્વરને આગળ કરી દીધા છે. પોતાની હૃદયેશ્વરીનો દોર્યો એ દેશાટને નીકળ્યો છે. સ્થળે સ્થળમાં એને કોઈ સભાગૃહો કે પરિષદો-સંમેલનો શોભાવવાનાં નિમંત્રણો મળે છે. વર્તમાનપત્રો એની મુસાફરીઓનાં બયાનો ને એની ભાતભાતની તસવીરો પ્રગટ કરે છે. એક દિવસ એક દૂર દૂરના નાના શહેરની હોટલમાં આ પ્રતાપી યુગલનો મુકામ પડ્યો. વળતે દિવસે પ્રભાતે એને એક કાગળ મળ્યો. અક્ષરો પરિચિત નીકળ્યા. લખ્યું હતું : ‘અમે અહીં છીએ. છોકરાંને મળવા માટે એક વખત આવી શકશો?’ વાંચતાં જ વાત્સલ્યનો તીણો તંતુસ્વર એના હૃદયમાં સંભળાયો. ચાલીસ વર્ષની આધેડ માતા એક નાના સાદા મકાનમાં પોતાનું જીવનસ્વર્ગ પાથરીને રહેતી હતી. આજકાલ કરતાં એણે દસકાનો આયુષ્ય-પંથ પાંચેય બચ્ચાંને કપાવી દીધો છે. સહુથી મોટેરા પુત્રનો ભરડાયેલો કંઠ અને કદાવર દેહ-ઉઠાવ એણે યૌવનમાં પ્રવેશ કર્યો હોવાની યાદ આપી રહ્યો છે. પાડોશીની કન્યા માટે એનું માગું પણ આવી પડ્યું છે. ભવિષ્યની પુત્રવધૂ ઘરમાં આવ-જા કરે છે, પુત્રીને માટે પણ મન હરતા મુરતિયા આંટા ખાય છે. જોડકા પુત્રો પંદર વર્ષની કિશોર ઉંમરે અશ્વિનીકુમારો જેવા દીપે છે. ને કજિયાળો કીકો પણ ઠીક ઠીક કાઠું કાઢી રહ્યો છે. બેઉ લમણાં અને તાળવાના ભાગ ધોળા બની ગયેલ અને પાંખા પડેલ વાળ માતાને વીતેલાં વીતકોના જીવનલેખ જેવા લાગે છે. એક દિવસ એ માથા પર કમ્મર સમાણી કાળી લેશ-લટો ઝૂલતી હતી. અત્યારે એ પાંખી શ્વેત લટો કિનારા પર પહોંચી રહેલ નૌકાની ધજાઓ-શી શોભે છે. પાંચ બચ્ચાં અને બે ભાવિ સંસારમાં ભળનારાં એમ સાતેયનાં મુખકલ્લોલ નીરખતી મા ધીરું ધીરું મલકાય છે. એ મલકાટની નીચે સંસારની કંઈક સ્મૃતિઓ દટાયેલી પડી છે. દ્વાર પર ટકોરા પડ્યા. ઉઘાડતાં જ પિતા આવી ઊભો રહ્યો. માતાએ નિહાળીને જોયો. અકથ્ય કોઈ લાગણીનો આવિર્ભાવ રોકવા માટે એણે આંખો મીંચી દીધી. પિતા તો આ કુટુંબને કોઈ સ્વપ્નની સૃષ્ટિ જેવું જોઈ દિગ્મૂઢ બની ગયો. માએ સંયમ જાળવીને આંખો ઉઘાડી. ‘મિત્ર ક્યાં છે? કેમ છે?’ ‘સારી પેઠે છે. મારી જોડે જ છે.’ ‘ઓહો!’ માએ ફરી આંખો બીડી. પિતાને મા બચ્ચાં પાસે લઈ ગઈ. બોલી : ‘ઓળખો છો, અલ્યાં! તમારા બાપુ.’ ‘બાપુ!’ ચકિત બનેલાં છોકરાં દોડીને બાઝી ન પડી શક્યાં. માત્ર છેટેથી જોઈ રહ્યાં. પિતા નજીક આવ્યો. એક પછી એક સહુને મળ્યો. એના મોમાંથી આપોઆપ ઉદ્્ગાર નીકળતા ગયા : ‘તું કોણ? મોટો બચુ? આવડો ઊંચો થઈ ગયો તું?’ ‘બાપુજી!’ કહેતી પુત્રી સામે આવી. ‘ઓહો! આ કોણ?’ પિતા આભો બનીને તાકી રહ્યો. ‘બબલી.’ દૂર ઊભી ઊભી બા ઓળખાવતી હતી. ‘બબલી? મારી દીકરી આવડી મોટી થઈ ગઈ?’ પિતા જાણે કોઈ જાદુઈ સૃષ્ટિ નિહાળતો હતો. ‘અને તમે બંને?’ બાપ બેલડા પુત્રો કને પહોંચ્યો : ‘તમે તો બીજાં દસ વર્ષે પણ ઓળખાઈ જાઓ. વાહ, મારા બેલડા.’ બેઉનાં માથાં પર હાથ ફેરવીને પિતાએ માતાની સામે તાક્યું. બંને આંખો જાણે આ જોડકાના જન્મ પછીના દોહ્લલાં દિવસ-રાત્રિઓનું સ્મરણ કરતી હતી. ત્યાં તો ‘બાપુ, મને!’ કહેતો કીકો આગળ આવ્યો. દસ મિનિટના પરિચયે એવી તો વ્હાલ-સૃષ્ટિ સર્જી મૂકી, એવું તો ભર્યું ભર્યું ઘર બનાવી નાખ્યું, બાપ-બચ્ચાંની વચ્ચે એવો મેળ નિપજાવ્યો, કે માતાનાં નેત્રો દૂર ઊભાં ઊભાં હર્ષાશ્રુજળે નહાવા લાગ્યાં. માના મુખમાં શબ્દ નહોતો. એનું હૈયું તો પતિ પાછો ઘેર આવ્યો છે ને બચ્ચાં સાથે જીવ જોડી રહ્યો છે એ જોઈને સુખસમાધિની લહેરમાં લહેરાતું હતું. એને આજ જીવનનો અંત આવી જાય એવી ભાવનાનાં ઘેન ઘેરાતાં હતાં. પાંચેય જણ્યાંને હેમખેમ મોટાં કરીને પતિની સન્મુખ ધરવામાં એનો આત્મા નવખંડ પૃથ્વીના વિજય જેવડો ગર્વ ધારણ કરી રહ્યો. જ્યાં ઊભી હતી ત્યાંથી હાલવા-ચાલવાનું મન એને નહોતું થતું. છોકરાંએ સાંભળ્યું તો હતું જ કે બાપુ દેશના એક મહાન પુરુષ બન્યા છે. આજ એ મહાન પુરુષને પોતાના સગા બાપ તરીકે મળવા આવ્યો નિહાળી છોકરાંએ ઊંડું ઊંડું અભિમાન અનુભવ્યું. દેશભરનો સિંહાસનધર વિદ્વાન પોતાનો પિતા છે એ વાત દસકો વીત્યે બાપને ભેટતાં બાળકોને મન જીવનના મહોત્સવ જેવી હતી. ⬛ (ક્રમશ:) (‘પ્રતિમાઓ’ પુસ્તકમાંથી સાભાર)

અન્ય સમાચારો પણ છે...