પ્રતિમાઓ:હોલિવૂડ ફિલ્મ ‘ધ સીડ’ પર આધારિત 'આખરે'

ઝવેરચંદ્ર મેઘાણી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આખું ઘર ચૂપચાપ બન્યું. મોટાં હતાં તે ઘર બહાર રમવા ઊપડી ગયાં. મા રસોડામાં ગઈ. પછવાડેથી કીકો ને બટુકો બે જણા કંઈક સંતલસ કરતા ઊભા : સિસકારા વતી બેઉ જણ વાતો કરતા હતા: ‘બાપુ શું કરે છે મેડી ઉપર?’ ‘લખે છે!’ ‘શું લખે છે?’ ‘મો…ટું મોટું કંઈક.’ ‘એવું મોટું શું? ચાલો આપણે છાનાંમાનાં જઈને જોશું?’ બિલ્લીપગલે બેઉ સીડી પર ચડ્યા. ચૂપ! ચૂપ! ચૂપ! એમ એકબીજાને ચૂપ રહેવા કોણી મારતા મારતા બારણા પાસે પહોંચ્યા. કીકાએ કમાડની તરાડમાંથી અંદર જોયું. જોતાં જ ચકિત બન્યો. બટુકની સામે જોઈ હસ્યો. બટુકે એને ખસેડી પોતાની આંખો તરડમાં તાકી. બંને છોકરા વિસ્મયથી મોંની સિકલ બગાડતા એકબીજાની સામે જોતા ઊભા. બાપુ શું કરતા હતા! ખુરશી પર બેસીને જીભના ટેરવા ઉપર અધરપધર પેન્સિલ ચકાવતા હતા! બાપુને લખવાનું સૂઝતું નહોતું. લેખિનીને પ્રેરણા આપનાર માનવી ત્યાં હાજર નહોતું. બાપુને શાંતિ ઉપરાંત પણ કંઈક જોઈતું હતું. ‘બાપુ તો ખલે કરે છે!’ ‘મને જોવા દે.’ બેઉ જણાએ આ મેડીના બંધ બારની પાછળ ભજવાઈ રહેલ તમાશો જોવાની ઉત્સુકતા ને ઉત્સુકતામાં એકબીજાને તરડ પાસેથી ધકાવવા માંડ્યું. બેઉને ભાન થઈ ગયું હતું કે બાપુ તો નાહકના જ આપણને ચૂપ કરી એકલા તમાશો કરે છે. એ ભાને તેઓને ગંભીરતા ભુલાવી ધક્કાધક્કીમાં બટુકે નાના કીકાને જરા વધુ પડતો આઘે ધકેલી દીધો. ધબ ધબ ધબ કરતું કીકાનું ગોળમટોળ શરીર દાદરનાં પગથિયાં ઉપર પછડાતું છેક નીચે જઈ પડ્યું અને એ ધબધબાટમાં કીકાના કંઠસ્વરે પુરવણી કરી બાપુના સમાધિભંગના ઢોલ-શરણાઈ ગજાવી મૂક્યાં. બાકીનાં ત્રણ પણ આ રડાપીટમાં સાથ આપવા આવી પહોંચ્યાં. અને રસોડામાંથી ધ્રાસકો પામેલી મા ચૂલો ફૂંકેલ મોંએ ને બળતી આંખે દોડી આવી. ‘બા, ઓ બા!’ એવા આર્તસ્વર કરતા કીકાને ‘મા, મા! મારા બાપ! શું થયું મારા પેટને?’ એવા લાલનસ્વર સંભળાવતી માએ તેડી લીધો. ખોળામાં સુવાડ્યો, ક્યાં ક્યાં વાગ્યું તે તપાસવા લાગી. ‘બટુકાભાઈએ મને ધક્કો માર્યો.’ બટુકો કહે : ‘મેં કાંઈ જાણી કરીને માર્યો છે? અમને કેમ નો’તો જોવા દેતો?’ ‘શું જોવા?’ માએ પૂછ્યું. ‘બાપુ ખેલ કરતા’તા ઈ…ઈ!’ ‘શાનો ખેલ?’ મોટાં છોકરાં પોતે મોડાં પડ્યાં એથી પશ્ચાતાપને સ્વરે પૂછી ઊઠ્યાં. બટુકાએ જીભ કાઢીને બાપુ જે કરતા હતા તેનો અભિનય કરી બતાવ્યો. ‘હવે રહે રહે, પાજી!’ એટલું મા જ્યાં બોલી ત્યાં જ મેડીનું દ્વાર ઊઘડ્યું, ને બાપુની ચૂપચાપ કઠોર મુખમુદ્રા નીચે ઊતરી. ‘બાપુનો તમાશો! બાપુનો તમાશો!’ એવું બરાડતાં બીજાં ચારેય જણાં ઘરબહાર નાસી ગયાં, ને અહીં ભેંકડા કાઢતા કીકાને ‘ખમા મારા બાપ, તને ખમા!’ એમ પટાવતી માતાએ પતિની સામે લજ્જિત મોંએ નીરખ્યું, બોલી : ‘મને બહુ જ શોક થાય છે. તમને મેં શાંતિ જાળવવાની ખાતરી આપી, મેં છોકરાંને ઘણું ઘણું વારેલાં, પણ હું કઢી ઊભરાઈ જાય એ બીકે રસોડામાં ગઈ, ત્યાં આમ બની ગયું.’ પતિ હોઠ ભીંસીને ચૂપચાપ ટેલવા લાગ્યો. પત્નીના મોં પરની કાકલૂદી એણે દીઠી નહીં. ‘અં… અં… અં…!’ કીકો પોતાના દુખતા અંગની રાવ કરતો બોલી ઊઠ્યો : ‘હું મરી ગિયો રે…!’ ‘ના, ના, ના, મારા વા’લા!’ માએ એને છાતીએ ચાંપ્યો : ‘તું શીદ મરે, બાપ! તારા જેવા તો મારે એકને સાટે એકવીસ હોજો ને!’ ‘એકવીસ!’ એટલો જ શબ્દ સંભળાતાં પતિને અવસર જડ્યો : ‘એકવીસ! હજુ પાંચથી નથી ધરાઈ રહી! હજુ એકવીસના કોડ છે તારે? વાહ વાહ! ધન્ય છે આકાંક્ષાને!’ એટલું કહી, ઈચ્છિત લોકો મળતાંની વાર જ કોટ ખભે નાખી, ટોપી પહેરી, બાકીનો રોષ બારણા પર ઠાલવતો પુરુષ એ રાત્રિને પહેલે પહોરે બહાર નીકળી ગયો. રાંધ્યાં ધાન ચૂલે રહ્યાં. [6] દસ વર્ષો પછી : સાચેસાચ એ કારકુનીના ટેબલ પરથી છલાંગો મારતો મારતો સ્વામી નવલસમ્રાટના સિંહાસન પર વિરાજી રહ્યો છે. એની લેખિનીમાંથી ટપકતા પ્રત્યેક શાહીના બિન્દુએ રૂપિયા વરસી રહેલ છે : બુલંદ પ્રકાશકો એના મકાનને પગથિયે મોટરો ઠહેરાવે છે : એના ઓટોગ્રાફ મેળવવા માટે અનેક સાહિત્યરસિકોનાં ટોળાં ભમે છે : એના દેહની બહુવિધ તસવીરો એ દેશનાં અખબારોની વચ્ચે સ્પર્ધાનો વિષય બની રહી છે : ને એના આ દિગ્વિજયના એક જાજ્વલ્યમાન દાયકાની પાછળ એક વિભૂતિ પોતાની છાયા છવરાવતી ઊભી છે : તકદીરના શ્યામ આસમાનને ચીરી ચંદ્રલેખા-શી આવી પડેલી એ મિત્ર તરુણી : પુરુષની પામરતાના ઢગેઢગ રાફડામાંથી મહત્ત્વાકાંક્ષાનો ભુજંગ જગાડનારી એ માનુષી મોરલી : એણે જ આ કંગાલને કુટુંબસંસારના ભસ્મપુંજમાંથી ફૂંકી અંગાર પ્રગટાવ્યો, પોતાના જ ઘરમાં સંઘરીને એનું આવું ઉચ્ચ ઘડતર કર્યું. આજ એ જીવનસખી એને પોતાનો કરી લઈ એની બાજુમાં ખડી છે. પોતાના ભુજપાશમાં એને સંઘરી રહી છે. મહત્તાને હીંચોળે એને ફંગોળી રહી છે : આજ એ પુરુષને જીવનમાં શી કમીના રહી છે? ફતેહના દુંદુભિનાદે એના કાન પરથી જીવનના ઝીણા તંતુસ્વરને આગળ કરી દીધા છે. પોતાની હૃદયેશ્વરીનો દોર્યો એ દેશાટને નીકળ્યો છે. સ્થળેસ્થળમાં એને કોઈ સભાગૃહો કે પરિષદો-સંમેલનો શોભાવવાનાં નિમંત્રણો મળે છે. વર્તમાનપત્રો એની મુસાફરીઓનાં બયાનો ને એની ભાતભાતની તસવીરો પ્રગટ કરે છે. ⬛ (ક્રમશ:) (‘પ્રતિમાઓ’ પુસ્તકમાંથી સાભાર)

અન્ય સમાચારો પણ છે...