બ્લેક એન્ડ વ્હાઈટ:ફિલ્મ પ્રમોશન કે લિયે, કુછ ભી કરેગા!

આશુ પટેલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મમેકર્સ અને સ્ટાર્સ ફિલ્મોનાં પ્રમોશન માટે અકલ્પ્ય વાતો અને વાર્તાઓ વહેતી મૂકતા હોય છે!

થોડા દિવસ અગાઉ ફિલ્મસ્ટાર રિતિક રોશને કહ્યું કે ‘હું જ્યારે મારી ફિલ્મનું શૂટિંગ કરતો હતો ત્યારે મને મરવા જેવો અહેસાસ થતો હતો. એ ફિલ્મના શૂટિંગ વખતે મને લાગી રહ્યું હતું કે હું મરી રહ્યો છું. હું એ ફિલ્મ કરવા માટે તૈયાર નહોતો. એ મારે માટે મોટી ચેલેન્જ હતી હું એ પરફેક્શન મેળવવાની કોશિશ કરી રહ્યો હતો, જેના માટે હું તૈયાર નહોતો. એ ફિલ્મના શૂટિંગ પછી મને બિલકુલ સારું લાગી રહ્યું નહોતું. હું લોસ્ટ થઈ ગયો હતો અને ડિપ્રેશનમાં સરી પડવાની તૈયારીમાં હતો. એ વખતે મને લાગ્યું હતું કે મારે મારી જિંદગીમાં કશુંક પરિવર્તન આણવું જોઈએ.’ ફિલ્મસ્ટાર્સ ફિલ્મનાં પ્રમોશન માટે ચિત્ર-વિચિત્ર તુક્કાઓ લગાવતા હોય છે અથવા તો એ માટે તેમને ઘણીવાર ફિલ્મ ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને પબ્લિક રિલેશન્સ એજન્સીઝ દ્વારા ફરજ પડાતી હોય છે. અભય દેઓલે થોડા સમય અગાઉ એક ફિલ્મ મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘શાંઘાઈ’ ફિલ્મ વખતે ડિરેક્ટર દિબાકર બેનર્જીએ મને કહ્યું હતું કે ‘આપણે ફિલ્મના પ્રમોશન માટે કેટલાક ખોટા સમાચારો મીડિયામાં વહેતા કરવાના છે.’ તેણે એક પત્રકારને મારી વિરુદ્ધ સ્ટોરીઝ લખવા માટે કહ્યું હતું. એ પત્રકાર સાથે મને ફાવતું નહોતું એટલે તે પત્રકારને તો મારી વિરુદ્ધ સ્ટોરીઝ કરવાની મજા પડી ગઈ હતી. કેટરીના કૈફે પણ એક અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘કોઈ સ્ટાર ‘કોફી વિથ કરણ’ શોમાં જાય એ પછી બીજે દિવસે વેનિટી વેનમાં કે ફિલ્મના સેટ પર એ એપિસોડ વિશે ચર્ચા થતી હોય છે. અને લોકો એવું માની લેતા હોય છે કે એ શોમાં જે બોલાય છે એ બધું સાચું હોય છે. મારે એક વખત કહેવું પડ્યું હતું કે ‘અમને ખબર હોય છે કે કરણ જોહર ‘કોફી વિથ કરણ જોહર’ શોમાં કેમેરા અમારા પર મંડાયેલા હોય છે એટલે ત્યારે અમે કોઈ સંપૂર્ણ સત્ય બોલતા નથી હોતા. એટલે આવા શોમાં જે બોલાતું હોય છે એ સંપૂર્ણ સાચું હોય છે એવું માની લેવાની ભૂલ ન કરવી જોઈએ.’ ફિલ્મોનાં પ્રમોશન માટે સૌથી મોટું ‘શસ્ત્ર’ હીરો અને હિરોઈન વચ્ચે રોમાન્સની વાત ઉડાવવાનું છે. તમે સહેજ વિચારશો તો એવી કેટલીય ફિલ્મો યાદ આવશે જેની રિલીઝ અગાઉ એ ફિલ્મનાં હીરો અને હિરોઈન વચ્ચે અફેર હોવાની વાત મીડિયા દ્વારા વહેતી કરાઈ હોય. ઘણા કિસ્સાઓમાં એવી વાતો ફેલાય છે કે સેટ પર ડિરેક્ટર અને હીરો વચ્ચે કે હીરો-હિરોઈન વચ્ચે કે હિરોઈન અને ડિરેક્ટર વચ્ચે ઝઘડો થઈ ગયો. આવી વાતો ઈરાદાપૂર્વક પ્રિન્ટ મીડિયામાં અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં વહેતી મુકાતી હોય છે. વરુણ ધવને ‘એબીસીડી 2’ ફિલ્મના પ્રમોશન દરમિયાન કહ્યું હતું કે ‘અમે ‘એબીસીડી-2’ ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા હતા એ વખતે મને એક હોટલના રૂમમાં ઉતારો અપાયો હતો. એ રૂમમાં અગાઉ વિખ્યાત અમેરિકન ગાયક ફ્રેન્ક સિનાત્રા રહી ચૂક્યા હતા અને ત્યાં તેમનું ભૂત આવતું હોવાની માન્યતા હતી. હું રાતે એ રૂમમાં ઊંઘી રહ્યો હતો એ વખતે અચાનક એ રૂમનો દરવાજો આપમેળે ખૂલી ગયો હતો અને રૂમમાં કોઈ ગાતું હોય એવો અવાજ આવવા લાગ્યો હતો! એ વખતે એ દરવાજો આપમેળે ખૂલવા અને બંધ થવા લાગ્યો હતો!’ તેણે એવું પણ કહ્યું હતું કે ‘જેમાં ઘોસ્ટ સ્ટોરી (ભૂતકથા) હોય એવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોઈએ ત્યારે સેટ પર એક નેગેટિવિટી ફેલાતી હોય છે જે આત્માઓને અને ભૂતોને આકર્ષતી હોય છે!’ આવું કશું બોલવા માટે એક પૈસાનો પણ ખર્ચ થતો નથી હોતો એટલે ફિલ્મસ્ટાર્સથી માંડીને ડિરેક્ટર્સ કે પ્રોડ્યુસર્સ પોતાની ફિલ્મના પ્રમોશન માટે બિન્દાસ્ત બનીને ફેંકાફેંક કરતા હોય છે. ક્યારેક કોઈ ફિલ્મસ્ટાર્સ એવો દાવો પણ કરી દે કે મારે પાંચમા માળેથી બાઈક સાથે જમ્પ મારવાનો હતો અને મને ડર લાગી રહ્યો હતો પરંતુ ડિરેક્ટરે મને કહ્યું કે ‘યુ કેન ડુ ઈટ’ અને પછી હિંમત એકઠી કરીને અને ઈષ્ટદેવનું સ્મરણ કરીને મેં પાંચમા માળેથી બાઈક સાથે નીચે ભૂસકો મારી દીધો હતો! ‘બ્લફ માસ્ટર’ ફિલ્મના પ્રમોશન વખતે છપાયેલા એક ‘સમાચાર’ સાથે લેખ પૂરો કરીએ: ‘બ્લફ માસ્ટર’ ફિલ્મના શૂટિંગ વખતે નાના પાટેકર અભિષેક બચ્ચનને દસમા માળેથી નીચે ફેંકી દે છે એવા દૃશ્યનું શૂટિંગ કરવાનું હતું. ડિરેક્ટરે કહ્યુ કે ‘આ ભયંકર જોખમી દૃશ્ય છે એટલે એના શૂટિંગ માટે બોડી ડબલનો (એટલે કે સ્ટંટમેનનો) ઉપયોગ કરીએ, પણ અભિષેક બચ્ચને તેમને એવું કરવાની ઘસીને ના પાડી દીધી. તેણે ડિરેક્ટરને કહ્યું કે ‘ના, ના. એવું નથી કરવું. આ જોખમી દૃશ્ય હું જાતે જ ભજવીશ.’ ડિરેક્ટરે કહ્યું કે ‘હું તને આવું જોખમ નહીં લેવા દઉં’, પણ અભિષેક મક્કમ હતો એટલે ડિરેક્ટરે નાછૂટકે હા પાડવી પડી! બધાંના શ્વાસ અધ્ધર થઈ ગયા, પણ અભિષેક બચ્ચને એ દૃશ્ય જાતે ભજવ્યું!{

અન્ય સમાચારો પણ છે...