તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેરબાન દસ્તુર સાહેબજીની સંગાથે એક વાર ભવનના એક જલસામાં આય સેવક ગગનવાલો ઇન્તરવલ પછી પહેલી રોમાં બેસી ગયેલો ને એમની મધઝરતી બાનીના પિયાલા પીતો રહેલો. કલકત્તામાં નવરોઝ પારસી સાપ્તાહિકમાં હમો કોલમ લખતા હુતા ત્યારે તેનાં એદિતર જાલુબહેન અને એવણના તિખ્ખરી ઘરવાલા નવલભાઈ કાંગા સાથે ચાય બિસ્કિટની ઇન્સતન્ત પાર્તીઓ કીધેલી છે. બમ્બઈમાં ઘન્નીવાર દિલદાર દ્રામાવાલા બરજોર અને રુબી પટેલના દાયલોગની એક જરદા પાન જેવી લિજ્જત હતી. અને ફિલ્મ ક્રિતિક રાશીદ ખાનની સામે ફિરંગી ફિલ્મોની ખિંચાતાની કરવાનો બી એક નિશો હતો. અમદાવાદમાં મીનુ કાપદિયા નાતક–નાતક રમાડતા હુતા ને અમેરિકામાં પોલિતિશિયન પીલૂ મોદીને હમોએ એકવાર સાન ફ્રાન્સિસ્કોમાં ફેરવેલા. આટલા આંગરીના વેધે ગનાય તેટલા લવલી પારસીઓ સિવાય ગગનવાલાને પારસીઓની જાસ્તી પિછાણ નથી. તે લોકો દૂધમાં સાકરની જેમ ભળી ગયા, પણ ‘દૂધ’ લોકોએ (આપણે નોન પારસીઓએ) ‘સાકર’ લોકોની (યાને પારસીઓની) ઢબછબ રહેણીકરણી માટે ઝાઝી ઉત્સુકતા બતાવી નથી. એટલે ગગનવાલાને થાય છે કે લાવની, એનસઇક્લોપેદિયા ખોલીને આય અગિયારીવાલાઓની બી વાત જરી જાનિયેં!
ઇસવી સન પૂર્વેના પર્સિયામાં મધ્ય અને દક્ષિણ તથા પશ્ચિમ એશિયાના મહા–ઇરાન કહી શકાય તે મુલકના બાશિન્દાઓ ‘આર્ય’ (યાને ‘કુલીન’) નામની પર્યટક જાતિના હતા. તેની એક શાખા હાલના ઇરાનમાં આવી વસી. તે સમયે ઇરાનનું નામ આરિયાના (‘આર્યોનો દેશ’) હતું. તે લોકો ‘ઇન્ડો–ઇરાનિયન’ કહેવાયા અને બીજી શાખા સિંધુ નદીના કિનારે વસી જે ‘ઇન્ડો અર્યન’ કહેવાયા. આ બંને શાખાઓની રહેણીકરણી અને રીતિરવાજોમાં ઘણું સામ્ય હતું, જેને ડો. સર્વપલ્લી રાધાકષ્ણન ‘વે ઓફ લાઇફ’ (જીવનયાપન) કહે છે અને જેનું બીજું નામ ‘ધર્મ’ (જે વ્યક્તિ જે ધારણ કરે તે તેનો ધર્મ) છે. આગળ જતાં ભારતમાં તે સનાતન ધર્મ અને પછીથી હિંદુ ધર્મના નામે; અને ઇરાનમાં ઝોરોસ્ત્રિયન ધર્મના નામે પ્રસિદ્ધ છે. વિશ્વના આ સૌથી પુરાણા બે ધર્મ. એક મત મુજબ તે બે ધર્મોમાંથી સમય જતાં યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મનો ઉદ્્ભવ થયો.
ઇરાનના આદિધર્મની પરંપરા મૌખિક રીતે થતી રહેલી અને ઇ.સ. પૂર્વે આશરે 1500–1000 દરમિયાન પયગંબર ઝોરોસ્તરે તે પ્રચલિત ધર્મમાં સુધારા કર્યા અને લિખિત સ્વરૂપે તેનો પ્રચાર કર્યો. તે ધર્મ આજના પારસીઓનો પારસી ધર્મ કહેવાય છે. તેમનું ધર્મપુસ્તક છે ‘અવેસ્તા’. પુરાતન પારસી માન્યતાઓમાં પયગંબર ઝોરોસ્તરે કરેલા પ્રચંડ સુધારા છતાં અમુક દેવોનાં પુરાણાં લક્ષણો તેનાં તે જ રહ્યાં. પારસી ધર્મની વધુ વિગતો અબુલકાસમ ફિરદોસી (આશરે 935 – 1026), નામે મહાકવિના ગ્રંથ ‘શાહનામા’(રાજાઓનાં આખ્યાન)માં મળે છે. ઝોરોસ્તરિયન શાસ્ત્રો મુજબ આ બ્રહ્માણ્ડના સર્જનહાર છે અહુર મઝદા. આ સૃષ્ટિનાં સાત પદ છે આકાશ. પાણી, પૃથ્વી, વનસ્પતિ અને પ્રાણીઓ. અહુર મઝદાનું પ્રતિરૂપ આન્ગ્ર મેઇન્યુ (ઊરફે અહ્રિમાન) જે અંધકાર આંધાધૂધી અને દુરિતનું મૂર્તિરૂપ છે. ધર્મગ્રંથ અવેસ્તામાં આ વિશે વધુ વિગત નથી. પારસીઓનો એક પંથ આન્ગ્ર મેઇન્યુને અહુર મઝદાનો જોડિયો ભાઈ ગણે છે, પરંતુ રૂણિચુસ્ત પારસીઓ તે વાત સ્વીકારતા નથી. આમાં ‘અહુર’ તે વેદિક શબ્દ ‘અસુર’નું ઇરાની રૂપ છે. ઇરાનમાં અહુર સાત્વિક ગણાય છે અને સંસ્કૃતમાં અસુર તામસી ગણાય છે. તે ‘અસુર’માંથી નકારાત્મક ‘અ’ ખરી પડતાં ‘સુર’ યાને દેવ શબ્દ બને છે.
પારસીઓના 12 મુખ્ય દેવો છે જેમનું હિન્દુ દેવો સાથે ઘણું સામ્ય છે. અહુર માઝદા, તેમનું પ્રતિરૂપ અન્ગરા મેઇન્યુ, ઊગતા સૂર્યનો દેવ મિથરા, મધ્યાહ્નનો સૂર્ય હ્વાર ક્ષત, ફળદ્રૂપતાની દેવી અર્દવી સુરા અનાહિતા, પવનના દેવ વાયુ વગેરે. ઉપર ગણાવેલા ગગનવાલાના પારસી યારો અને દિલદારો ઉપરાંત વધુ એક પારસી ગગનવાલાના તેમ જ ગુજરાતના દરેક ફરજન્દના અઝીઝ છે, સાહિત્યકાર અરદેશિર ફરામજી ખબરદાર. તેમની ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!’ કાવ્યપંક્તિ ગુજરાતીઓનો જાણે કાયમી પાસપોર્ટ બની ગયેલ છે. દેશદેશાવરમાં લાખો કે કરોડો કે અબજો વાર બોલાતી આ લીટીના રચયિતા અરદેશિરનું નામ ઇરાનના સામ્રાજ્યના સ્થાપક શાહંશાહે ઇરાનશહર અરદેશિર(ઇ.સ. 180–242)ના નામ ઉપરથી છે. જય જમશેદજી નુસરવાનજી તાતા. madhu.thaker@gmail.com
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.