ઓફબીટ:સ્ત્રી : એક વર્તુળ અનેક અવસ્થા

12 દિવસ પહેલાલેખક: અંકિત ત્રિવેદી
  • કૉપી લિંક

નવદંપતીને આશીર્વાદ આપતી વખતે આપણે ઉમા-મહેશ્વરનું અખંડ દાંપત્યજીવન સાંપડો એવું કહીએ છીએ. આપણી કવિતામાં પણ ‘તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી.’ એવું કહેવાયું છે॰ ઉમા-મહેશ્વર, પુરુષ અને પ્રકૃતિ… પૃથ્વીના જન્મથી આજ લગી એકત્વને વરેલાં છે. ઊર્જાને થાળે પાડવા-સદવિચારે વાળવા શક્તિનું સર્જન થયું, શક્તિનો મહિમા અપરંપાર છે. અનરાધાર છે. પુરુષ થાકી જાય પછી ગુસ્સો કરે, સ્ત્રી ગુસ્સે થઈ-થઈને થાકી ગયેલી હોય છે એટલે એ કશુંક કરવા માંગે છે. પુરુષ જીવવા માટે રસ્તો શોધે છે, સ્ત્રી રસ્તાની વચ્ચે-વચ્ચે જીવનને સંશોધે છે. પુરુષ એકલું પ્રાણી છે અને માટે એ કંપની શોધે છે. સ્ત્રી બધાંની સાથે છે અને એને કંપનીની નહીં એનાં અસ્તિત્વને મઠારી આપે એવાં વ્યક્તિત્વની જરૂર હોય છે. સ્ત્રીનાં આસું વિષાદમાં નીકળે છે અને સંવાદને ભૂલી જવાનું કહેણ મોકલે છે.

નાની દીકરીઓને જોવું છું ત્યારે પૃથ્વી પર ઊર્જાનો અજબ પરચો મળે છે. એમનાં છુપાં તોફાનોમાં ભવિષ્યની તકેદારીનો તરજુમો રહેલો છે. છોકરો જે કાગળમાં લીટા કરતો હોય એનો ડૂચો કરી નાખવામાં વાર નહીં લગાડે. છોકરી એ જ ડૂચા પરથી પોતાની નાની હથેળીઓથી કરચલીઓને લીસ્સી કરી નાખે છે. સ્ત્રી દીકરી તરીકે બ્રહ્માંડના આંગણામાં રમવા આવેલું અજવાળું છે.

દીકરી મોટી થાય છે. મેચ્યોર્ડ થાય છે. આજ સુધી આખું ઘર એને સંભાળતું હતું, હવે અજાણતા જ એ ઘરની મુખ્ય વ્યક્તિ બની જાય છે. શપથ લીધા વગરની સત્તામાં સ્નેહનો સ્વભાવ જોડાયેલો હોય છે. દીકરી સમજીને નિર્ણયો કરાવે છે. હવે એ પરણવાની ઉંમરની થઈ છે. એની આંખોમાં ચમકતો પ્રેમ માતા-પિતાને હચમચાવે છે. દીકરીને હરખાવે છે. સ્ત્રી તરીકે દીકરીને જોઈએ છીએ ત્યારે એનું પત્ની બનવું એ એવો ગરબો છે જેમાં હજી અજવાળું પ્રગટવાનું બાકી છે! કુંભારવાડેથી ઘરમાં આવતો ગરબો સ્થાપન કર્યા વગર મંદિરના ગભારામાં પડ્યો હોય ત્યારે પણ મોહક જ લાગે છે. દીકરીનું પત્ની બનવું એ ગરબા પરઓઢાડેલી ચૂંદડી પર પાનેતર થઈ જવું. વ્હાલનું વાવેતર થઈ જવું. જ્યાંથી એ હવે બીજા કુટુંબનો સરવાળો કરે છે. એ જ ગરબામાં અજવાળું પ્રગટે છે અને ગઈકાલ સુધી જેને હાલરડાં સંભળાવીને માંડ માંડ ઊંઘાડી હોય છે એ હવે એના પોતાના વંશને હાલરડાં સંભળાવતી થઈ જાય છે. દીકરીને હાલરડું સંભળાવતાં ઊંઘાડી હોય એવું બન્યું છે પરંતુ દીકરી સ્ત્રી બને છે ત્યારે એ હાલરડું એનાં ગળામાં કોણ ગુંજતું કરી જાય છે! સ્ત્રી એ છે જેણે કશું જ છોડવાનું નથી અને બધું જ જોડવાનું પણ નથી, અલગ-અલગ વિભાગોમાં વહેંચાઈને જીવવાનું છે. એટલે જ સ્ત્રી ‘મા’ બને છે ત્યારે એ પોતાનાં સંતાનને – પોતાની જિંદગીને ‘ટ્યૂન’ કરે છે અને જીવતરને સૂરીલું બનાવે છે. સ્ત્રી ફરિયાદો કરતી હોય એવું વારંવાર બન્યું છે. એને ન ગમતાં કામ પર ગુસ્સે થતા જોઈ છે પરંતુ એ જ કામ એ સૌથી પહેલું કરે છે કારણ કે એને ખબર છે કે જે કામ એને નથી ગમતું એ કામમાં એની સાથે સંકળાયેલાં વ્યક્તિત્વોનો ‘જીવ’ રહેલો છે. વેશપલટો - પરકાયા પ્રવેશ, પરિવર્તન– આ બધા જ શબ્દો સ્ત્રીને લાગુ પડતા નથી. કારણ કે સ્ત્રી જેવી છે એવી પોતાની જાતને સાબિત કરવામાં વર્ષો વીતાવે છે અને શ્વાસના સોળને લાગણીથી રુઝાવે છે. દીવો હોલવાઈ જાય અને એની ધૂમ્રસેર સેકંડોમાં આકાશ ભણી ગતિ કરે અને જુદી જ સુગંધનો અનુભવ કરાવે. સ્ત્રીત્વ આવા અનુભવનું નિરાકાર રહેલું સાકાર સ્વરૂપ છે.

ઓન ધ બિટ્સ

એક ઘરડી સ્ત્રીને કોઈએ પૂછ્યું : ‘ઘડપણ શું છે?’

જવાબ મળ્યો : ‘વર્ષો તો ચાના કપમાં પડેલી ખાંડ જેવાં છે, છેક છેલ્લો ઘૂંટડો સૌથી મીઠો હોય છે.’-અમૃતા પ્રીતમ

અન્ય સમાચારો પણ છે...