રુડી રૂપાળી એક નગરી હતી. એમાં બવળી બજારું ‘ને શેરી-ચૌટાની શોભા અપાર છે. એક દી-ને માથે એવું બન્યું કે નગરીની બજારમાં કોત્યક થઈ ગ્યું. સવાર સવારમાં બજારની વચોવચ એક ગડગડિયો પા’ણો પડ્યો છે. આવતાં-જાતાં લોક પા’ણાની માથે નજર કરે છે ‘ને પડખેથી નીકળી જાય છે. અને જેનું ધ્યાન નો હોય, એને પાણાની ઠેસ લાગે છે ને પડે છે. કોઈ ગડથોલિયું ખાઈ જાય છે તો કોઈ ઊંધે માથે પડે છે. કોઈને વળી પગના અંગૂઠાનો ને નીકળી જાય છે. સવારમાંથી બપોર થઈ, રોંઢો ઢળ્યો. એવામાં એક માણસ નીકળ્યો. લૂગડે-લત્તે રાંક લાગે છે, પણ કપાળમાં તેજ છે. ધીમે ડગલે હાલ્યો આવતા એ માણસે પા’ણો જોયો. એકાદી પળ ઊભો રિયો. પછી હળવેકથી નીચે નમીને નાણાંને ઊંચક્યો. ઘા કરીને પા’ણાને એવા ઠેકાણે નાખ્યો કે કોઈને નડે નહીં. પણ, જોયું તો પાણાની હેઠે એક રેશમી લૂગડાની કોથળી પડેલી. એણે કોથળી ઉપાડી. ઉઘાડીને જોયું તો એમાં સોનામહોરો ભરેલી. એ માણસ થોડીક વાર વિચારમાં પડ્યો. મનમાં કાંઈક નક્કી કરીને તરત જ હાલતો થ્યો. રાજમહેલના દરવાજે આવીને કચેરીમાં જાવાની રજા માગી. રજા મળી એટલે રાજાની સામે જઈને હાથ જોડ્યા: ‘મહારાજ! બજારમાંથી મને આ સોનામહોરની થેલી જડી છે. કોની હશે એ મને ખબર નથી એટલે હું રાજમાં જમા કરાવવા આવ્યો છું.’ રાજાએ એક મીઠી નજરથી જોયું:
‘ભાઈ! તમારું નામ શું છે?’
‘મારું નામ ધરમપાળ.’
‘ભાઈ ધરમપાળ! આજથી તમે આ રાજના પ્રધાન છો.’
મહારાજ! હું તો એક કંગાળ માણસ છું. મારામાં કોઈ ગન્યાન નથી, આવડત નથી, કોઈ ચતુરાઈ નથી.’
‘મારા જૂના પ્રધાનમાં આ બધું હતું, પણ નીતિ નહોતી, ધરમ નહોતો. એટલે એને કેદમાં પૂર્યો છે. તમારામાં નીતિ છે, ધરમ છે. આવો પ્રધાન ગોતવા માટે બજારમાં પથરો મેં જ મૂકેલો, અને પથરા હેઠે સોનામહોરની થેલી મેં જ મૂકેલી. હું સંતાઈને જોતો હતો. કેટલાય માણસોને ઠેસ લાગી, કેટલાય ઊંધે માથે પડ્યા પણ કોઈએ એ પ્રથાને ખસેડવાનો વિચાર નો કર્યો. મારા ભ્રષ્ટ પ્રધાનને કારણે પ્રજા પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. મારા રાજમાં તમારા જેવા પ્રધાનની જ જરૂર છે. પધારો!’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.