એક ડગલું પ્રાકૃતિક ખેતી તરફ... જેવું અન્ન એવું મન. આહાર તેવો ઓડકાર. ખેડૂતો પાસે સસ્તું નહીં સારું માંગો.’ જો આપણે આઠ કે દસ લાખની ગાડીમાં સારું પેટ્રોલ કે ડીઝલ ભરાવવું જોઈએ તેવી કાળજી રાખતા હોઈએ તો આ મોંઘા મનુષ્ય દેહમાં સસ્તું પધારવીને શા માટે બીમારીઓને નોતરવી! આવી વાત કહેતા મણીલાલભાઈ કહે છે કે ખેડૂતોને પણ ઝેર ખવડાવવાનો કોઈ શોખ નથી પણ એના પણ ઘર ચાલે, વહેવાર સચવાય, તેના બાળકોને સારું શિક્ષણ આપી શકે એટલું તો મળવું જોઈએ ને? વાત એકદમ સાચી છે. મેગા મોલમાં ખરીદી કરતી વખતે બિલને નીરખીને જોતાં પણ નથી અને ચૂકવી દઈએ છીએ. જ્યારે ખેડૂતોના ઉત્પાદનોને કસીને લેવાનો પ્રયાસ સતત કરીએ છીએ. જે ખેડૂતો કે ગ્રાહકો માટે સારી નિશાની નથી.
મણીલાલભાઈ એક સાહસિક ખેડૂત છે. નવો પાક કે અખતરા માટે હંમેશાં તૈયાર જ હોય. તેની સાથે તેનો પુત્ર ભાવેશ કે જેમણે બી.ટેકનો અભ્યાસ કરીને પણ ખેતી જ કરવાનો નિર્ણય કર્યો. પિતાને ચીલે દીકરો ચાલે એ એક બાપ માટે ગૌરવ ગણાય, એમાં પણ ખેતીના વ્યવસાયમાં સાથે જોડાય એ તો અહોભાગ્ય ગણાય. મણીલાલભાઈની કુલ આઠ એકર જમીન જેનો એક ઇંચ ભાગ પણ ઉપયોગમાં ન હોય તેવો નથી. તેમની વાડીમાં આંબા, નાળિયેર, જામફળ, લીંબુ, ઘાસચારો, વિવિધ પ્રકારની તુલસી, હળદર, આદું, ખારેક કમલમ, લસણ, ફૂદીનો વગેરે વાવે છે. તેમના આંબાવાડિયામાં ૭૦થી ૭૫ ટકા સૂર્ય પ્રકાશ જમીન પર પડતો નથી. એવું ઘનિષ્ઠ વાવેતર ખૂબ સમજીને કરેલ છે. બંને બાજુ પાળા ચડાવીને તેનામાં હળદર અને આદુંનું વાવેતર કર્યું. એકાદ વાર થોડી નિષ્ફળતા મળી પણ પોતાની ભૂલ પોતે જ શોધીને સુધારો કરી આજે મબલખ પાક મેળવે છે. આંબાના ઝાડ ખૂબ નજીક આવી જતાં હવે એક મૂકી ને એક ઝાડ કાઢી નાખવાની તૈયારી કરી તે પહેલાં તેમાં વચ્ચે ખારેકનું વાવેતર કરે છે. વર્મી કમ્પોસ્ટ ખાતર અને જીવામૃતને કારણે જમીનમાં સેન્દ્રિય પદાર્થ ૧.૫ ટકાથી વધારે છે.
જે ખેડૂતની જમીનમાં સેન્દ્રિય પદાર્થ દોઢ ટકાથી વધારે હોય તેમાં કોઈપણ પાકને પૂરતા તત્ત્વો મળી જ રહે તેથી ઉત્પાદન પણ દોઢું જ મળે. પોતાને આંગણે બાંધેલી ગાયનાં છાણ-ગૌમૂત્ર સિવાય પણ જરૂર પડે તો વેચાતું લઈને પણ જમીનની તાકાત જાળવી રાખે છે. અળસિયાં જે ખેડૂતના મિત્ર છે તે તો અઢળક છે, તેઓ રાત દિવસ મણીલાલભાઈ અને તેના પરિવાર માટે કામ કરે છે. જમીન પોચી, ભરભરી અને ફળદ્રુપ છે. ટપક પદ્ધતિથી પાણી આપીને જળ અને જમીનનું જતન થકી પાકમાં રોગ-જીવાતનું પ્રમાણ પણ નહિવત છે. જ્યારે ખેતી સમજણપૂર્વક કરવામાં આવે ત્યારે તે મહેનતનું પૂરેપુરું વળતર આપવા બંધાયેલ છે.
ખેતપેદાશને જ્યારે પેદાશ તરીકે જ વેચાણ કરવામાં આવે ત્યારે વળતર યોગ્ય મળતું નથી. જ્યારે જાતે વેચાણ કરે ત્યારે ઠીક ઠીક મળે છે, પરંતુ જ્યારે તેનું મૂલ્યવર્ધન કરીને વેચાણ થાય ત્યારે પૂરેપુરું વળતર મળે છે. પોતાની કેરી ધરા ઓર્ગેનિકના નામે ગ્રેડિંગ કરી બોક્સ પેકિંગમાં જાતે જ ઓનફાર્મ વેચાણ કરે છે. જામફળ પણ એ જ રીતે વેચાણ થાય. પરંતુ હળદરના પાકને વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થાપન ગોઠવ્યું છે. હળદરને કોલ્ડ પ્રોસેસ કરી પોતાને આંગણે જ નાની મશીનરી વસાવીને પીસીને આકર્ષક પેકિંગમાં વેચે છે. સાહસ વિના સિદ્ધિ મળતી નથી. એ મણીલાલભાઈએ સાબિત કરી દીધું. ખોટ ખમવાની, ધીરજ ધરવાની, આંખ અને કાન ખુલ્લાં રાખી જેને ફરવાની-જોવાની અને સાહસ કરીને અમલ કરવાની ટેવ હોય તે જરૂર કંઈક કરી બતાવે. આજે તેમણે પુત્રવધૂ જુલીબેનના સહકારથી હળદર પાવડરની સાથે વાડીના ઉત્પાદનોનું મૂલ્યવર્ધનનું કામ જોરશોરથી ઉપાડ્યું છે. જેમાં સૂંઠ પાવડર, ધાણા પાવડર, સરગવાનો પાવડર, ફૂદીના પાવડર, મીઠા લીંબડા પાન, કસૂરી મેથી, ચાટ મસાલો, ચાનો મસાલો, દૂધનો મસાલો, તકમરિયા, સેંધા નમક, સંચળ અને બીજા અનેક ઉત્પાદનો ‘ધર્વા મસાલા’ને નામે તૈયાર કર્યા છે. આ તમામનો સ્વાદ માણીને આજે લખું છું. કેસર કેરીનાં જે નાનાં ફળ હોય તેના કટકા કરી બારેમાસ સંગ્રહી ખાય શકાય છે. ફાર્મ ફ્રેશ તરીકે કેસર કેરી, ખારેક, જામફળ, નાળિયેર, લીલી હળદર, આંબા હળદર,
બીજોરા સીઝન પ્રમાણે વિશ્વાસપાત્ર પ્રાકૃતિક ઉત્પાદન મળી જ રહે છે. આ ફાર્મના ઉત્પાદનો તેઓ ભારતના દરેક ખૂણે મોકલે છે.
આજે મણીલાલભાઈ તેના ખેતીના અનુભવો બેધડક રીતે સૌને જણાવે છે. પોષક તત્ત્વોથી ભરપૂર એવું ધરા ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ આજે ખેડૂતો વાપરતા થયા છે. તેના તમામ ઉત્પાદનોની પ્રક્રિયા જાતે જઈને જોઈ
શકાય છે અને એકવાર તેનો ઉપયોગ કરો તો કાયમી ચાહક બની જશો. આજે દેશ અને સમાજમાં આવા સાહસિક ખેડૂતો હશે તો જ ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે. આવો સૌ સાથે મળી આવા ખેડૂતો શોધીએ, બીરદાવીએ અને સાચવીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.