બ્લેક એન્ડ વ્હાઈટ:ગોળી નકલી, મોત અસલી!

આશુ પટેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

22 ઓક્ટોબર, 2021ના દિવસે ન્યુ મેક્સિકોમાં સાન્ટા ફેના દક્ષિણ વિસ્તારમાં બોનાન્ઝા ક્રિકરેન્જમાં ‘રસ્ટ’ ફિલ્મના શૂટિંગ વખતે હોલિવૂડ એક્ટર એલેક બોલ્ડવિનથી અજાણતા પ્રોપ ગનમાંથી ગોળી છૂટી એને કારણે ફોટોગ્રાફી ડિરેકટર (સિનેમેટોગ્રાફર) હેલીના હચિન્સ અને એ ફિલ્મના ડિરેકટર જોએલ સૌઝાને ઈજા પહોંચી. જો કે હેલીના હચિન્સને જીવલેણ ઈજા થઈ. તેને તાત્કાલિક હેલિકોપ્ટરમાં યુનિવર્સિટી ઓફ ન્યુ મેક્સિકો હોસ્પિટલમાં પહોંચાડાઈ, પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કરી. ફિલ્મ્સના સેટ પર આ પ્રકારની દુર્ઘટનાઓ એક સદીથી વધુ સમયથી બનતી આવી છે. ફિલ્મના સેટ પર અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું હોય એવી પ્રથમ ઘટના 1 જુલાઈ, 1914ના દિવસે અમેરિકાના કોલોરાડોના કેન્યન સિટીમાં બની હતી. ‘અક્રોસ ધ બોર્ડર’ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન અભિનેત્રી ગેસ મેકહગ એક બોટમાં આરકાન્સાસ નદી પાર કરી રહી હતી એ વખતે બોટ ઊંધી વળી ગઈ. એ જોઈને કેમેરા ઓપરેટર ઓવેન કાર્ટર તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યો. તે ગ્રેસને ખેંચીને નદીના કાંઠે લાવ્યો, પરંતુ તે બંને નદી કાંઠે કળણમાં ખૂંપી ગયાં અને ફિલ્મના આખા યુનિટની સામે તે બંને એમાં ડૂબીને મુત્યુ પામ્યાં હતાં. 1993માં ‘ધ ક્રો’ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન પ્રોપ ગનમાંથી ડમી રાઉન્ડનાં (પ્રોપ ગન અને ડમી રાઉન્ડની વાત થોડી અટપટી છે. એ વિશે ક્યારેક વિગતે વાત કરીશું) ફાયરિંગને કારણે માર્શલ આર્ટ ચૅમ્પિયન ઍક્ટર બ્રુસ લીના અભિનેતા પુત્ર બ્રેન્ડન લીનું માત્ર 28 વર્ષની ઉંમરે મૃત્યુ નીપજ્યું હતું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ આવી ઘણી ઘટનાઓ બની છે. સાડા છ દાયકા અગાઉ મહેબૂબ ખાનની ‘મધર ઈન્ડિયા’ ફિલ્મનાં શૂટિંગ વખતે નરગિસ દત્ત આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયાં હતાં એ વખતે એ ફિલ્મના હીરો સુનિલ દત્તે પોતાના જીવની પરવા કર્યા વિના નરગિસજીને બચાવ્યાં હતાં. એ પછી નરગિસજી સુનિલ દત્તના પ્રેમમાં પડ્યાં હતાં અને પરણી ગયાં હતાં. આવી બધી ઘટનાઓ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બની છે. મનમોહન દેસાઈના ‘કુલી’ ફિલ્મનાં શૂટિંગ વખતે અમિતાભ બચ્ચન અને પુનિત ઈસ્સાર વચ્ચેના ફાઈટ સીન દરમિયાન અમિતાભ બચ્ચનને ગંભીર ઈજા પહોંચી હતી એને કારણે તેમણે લાંબા સમય સુધી બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં રહેવું પડયું હતું. એ સમયમાં તેમના કરોડો ચાહકોનો શ્વાસ અદ્ધર ચડી ગયો હતો. એવી જ રીતે ‘ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન’નાં શૂટિંગ દરમિયાન ભયંકર આગ ફાટી નીકળી હતી જેમાં પચાસ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યાં હતાં અને અન્ય કેટલીય વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. એવી જ રીતે કમલ હસનની ‘ઈન્ડિયન ટુ’ ફિલ્મનાં શૂટિંગ વખતે એક ક્રેન તૂટી પડી હતી. જેમાં 9 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. એ દુર્ઘટનામાં કમલ હસન અને દક્ષિણના ઊંચા ગજાના ડિરેકટર શંકર મરતા મરતા બચ્યા હતા. એ અગાઉ એ જ જગ્યાએ રજનીકાંતની ‘કાલા’ ફિલ્મ (2017)નાં શૂટિંગ દરમિયાન એક યુનિટ મેમ્બરને કરંટ લાગ્યો હતો અને તે મુત્યુ પામ્યો હતો. એ જ જગ્યાએ ‘બિગ બોસ - તમિલ- ટુ’નાં શૂટિંગ દરમિયાન એક એસી મિકેનિક બીજા માળ પરથી પટકાઈને મૃત્યુ પામ્યો હતો. જોગાનુજોગ એ શોના હોસ્ટ પણ કમલ હસન હતા. વારાણસીમાં અનુરાગ કશ્યપની ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ ફિલ્મના શૂટિંગ દરમિયાન આસિસ્ટન્ટ ડિરેક્ટર સોહેલ શાહનું એક બ્રિજ પર જીપ ચલાવતી વખતે થયેલા અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. એવું નથી કે શૂટિંગ દરમિયાન સામાન્ય વ્યક્તિઓને જ ઈજા થતી હોય છે. જેમ્સ બોન્ડ તરીકે જાણીતા બનેલા ડેનિયલ ક્રેગની ‘નો ટાઇમ ટુ ડાઇ ’ ફિલ્મનું શૂટિંગ જમૈકામાં ચાલતું હતું એ દરમિયાન ક્રેગને ઈજા પહોંચી હતી અને તેણે સર્જરીમાંથી પસાર થવું પડ્યું હતું. જુલાઈ, 2019માં વોર્નર બ્રધર્સ સ્ટુડિયોમાં ‘F9’ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન હોલિવૂડના અભિનેતા વિન ડિઝલના ડમી તરીકે સ્ટંટ કરી રહેલા સ્ટંટમેન જો વોટ્સને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. એ જો વોટ્સ સેફટી વાયરિંગ સાથે બાલકનીમાંથી જમ્પ મારી રહ્યો હતો એ વખતે એ દુર્ઘટના બની હતી. જો વોટ્સને તરત જ એર લિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડાયો હતો ત્યાં એ કોમામાં સરી પડ્યો હતો. આપણે ત્યાં ગુજરાતી ફિલ્મોનાં શૂટિંગ દરમિયાન પણ દુર્ઘટનાઓ બની છે. અભિનેતા હિતેનકુમાર જે ફિલ્મથી ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર બન્યા એ ગુજરાતી ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન 28 જુલાઈ, 1997ના દિવસે દુર્ઘટના સર્જાઈ હતી. એમાં એ સમયના પ્રખ્યાત હાસ્યકલાકાર નારાયણ રાજગોરને પિસ્તોલમાંથી છૂટેલી ડમી ગોળી લમણામાં વાગી હતી એને કારણે તેમને બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું અને તેઓ મૃત્યુ પામ્યા હતા. ફિલ્મોમાં સ્ટંટ જોઈને અપણે રોમાંચ અનુભવતા હોઈએ છીએ, પરંતુ એવા સીનના શૂટિંગ દરમિયાન સ્ટંટમાસ્ટર્સ પર જીવનું જોખમ તોળાતું હોય છે અને ક્યારેક અજાણતા બની જતી દુર્ઘટનાને કારણે કલાકારો કે ટેકનિશિયન્સે જીવ પણ ગુમાવવો પડતો હોય છે. {

અન્ય સમાચારો પણ છે...