અજવાળાનો ઓટોગ્રાફ:નિરાંત, રાહત અને હિંમત આપતા શરણાગતિના પ્રયોગો

ડૉ. નિમિત્ત ઓઝા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મારા ઘડતર, વ્યક્તિત્વ વિકાસ અને જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં, જો કોઈનો પ્રભાવ સૌથી વધારે રહ્યો હોય તો એ મારી મમ્મી છે. મહેનત, પ્રામાણિકતા, ધીરજ અને શ્રદ્ધા જેવાં કેટલાંય મૂલ્યો અને આદર્શો હું મમ્મી પાસેથી શીખ્યો છું, પણ જે સૌથી મહત્ત્વનો ગુણ એની પાસેથી શીખવા મળ્યો એ છે શરણાગતિ. કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ સામે નહીં, પરિણામ સામે. વધારે ચોકસાઈપૂર્વક કહું, તો વર્તમાન ક્ષણમાં આપણી સાથે જે કાંઈ બની રહ્યું છે, એ ઘટના સામેની શરણાગતિ. આપણી કેળવણીની એ સૌથી મોટી ઊણપ છે કે એ આપણને હંમેશાં લડતાં જ શીખવે છે, નમતાં નહીં. પરિસ્થિતિ કે સંજોગોનો સામનો કરવામાં આપણે એટલાં બધાં ટેવાઈ જઈએ છીએ કે પછી આપણાં જીવનમાં બનતી દરેક ઘટના સામે તલવાર ખેંચવા, બાંયો ચડાવવા કે વિરોધ કરવા આપણે મજબૂર થઈ જઈએ છીએ. આપણે દરેક ક્ષણને, દરેક પરિણામને, નિયતીના દરેક ચુકાદાને આપણી ઈચ્છા મુજબ તોડવા-મરોડવા માંગીએ છીએ. control freak બની ગયેલા આપણને એ જાણ જ નથી થતી કે આપણા કાબૂમાં હોય એવું પ્રયત્નો સિવાય બીજું કશું જ નથી. ન તો પળ, ન તો જીવન. વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ મારી ઈચ્છા અને આદેશ અનુસાર વર્તે, ફક્ત એટલી જ મથામણમાં કેટલાંય લોકોનું આખું જીવન પસાર થઈ જતું હોય છે. એવા સમયે ‘શરણાગતિ’નો આ કન્સેપ્ટ બહુ જ રાહત આપનારો છે. આ હું એટલા માટે લખી રહ્યો છું કે મારા જીવનમાં વાવાઝોડાની જેમ ત્રાટકેલા એક પુસ્તકે મને આધ્યાત્મનું એક સાવ જ અલગ, સાવ જ નવું પરિમાણ બતાવ્યું છે. અત્યાર સુધી જેને આપણે આપણી હાર કે કાયરતા ગણતા આવ્યાં છીએ, એવી શરણાગતિ હકીકતમાં એક સદ્્ગુણ છે અને આ શરણાગતિ શીખવતું એક અદ્્ભુત પુસ્તક એટલે ‘ધ સરન્ડર એક્સપરીમેન્ટ’. અમેરિકન લેખક અને આધ્યાત્મિક ગુરુ માઈકલ સિંગરે લખેલાં બે પુસ્તકો ‘The Untethered Soul’ અને ‘The Surrender Experiment’ આપણું જીવન બદલી શકે છે. આ બંને પુસ્તકો ન્યૂ યોર્ક ટાઈમ્સ બેસ્ટ-સેલર રહ્યાં છે. પુસ્તક ‘ધ સરન્ડર એક્સપરીમેન્ટ’માં એક એવી અનુભવયાત્રાની વાત છે, જેનો નિર્ણય માઈકલ સિંગરે વીસ વર્ષની ઉંમરે લીધેલો. એ નિર્ણય હતો શરણાગતિનો. સમયના પ્રવાહ અને નિયતીના ચુકાદા સામે એકપણ પ્રશ્ન પૂછ્યા વગર, દલીલ કર્યા વગર કે એને બદલવાનો પ્રયત્ન કર્યા વગર જીવનના પ્રત્યેક પડાવ પર સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લેવાનો નિર્ણય. એનો અર્થ એ થયો કે આપણને જે જોઈએ છે એ પામવા માટે કે પછી જે નથી જોઈતું એને ટાળવા માટે ઈશ્વર, કુદરત, બ્રહ્માંડ કે વૈશ્વિક ચેતના સામે બાથ ભીડવાને બદલે, જે મળ્યું છે એનો પૂરી સમગ્રતાથી સ્વીકાર કરવો અને એ સ્વીકાર જ આપણા માટે ઉજ્જવળ ભવિષ્ય અને ઉન્નતિના દરવાજા ખોલશે. નથી સમજાતું? તો, ચાલો પુસ્તકમાં રહેલો એક પ્રસંગ કહું. ઉનાળુ વેકેશનમાં મિકી (માઈકલ) એકવાર એક મહિના માટે એક આધ્યાત્મિક શિબિરમાં કેલિફોર્નિયા ગયા. તેઓ પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે તેમની એક ખાસ મિત્રએ છેતરપિંડી કરીને મિકીના કબજાની જમીન પર પોતાનું ઘર બાંધવાની શરૂઆત કરી દીધી છે. આ જાણીને મિકીને ખૂબ ગુસ્સો આવ્યો. તેઓ પેલી મિત્રને લાત મારીને પોતાની જમીન પરથી ખસેડવા માંગતા હતા, કાયદાકીય લડત આપવા માંગતા હતા, મિત્ર સાથે ખૂબ ઝઘડો કરવા માંગતા હતા, પણ પોતે લીધેલા એક સંકલ્પને કારણે તેમણે કશું જ ન કર્યું. એ સંકલ્પ એટલે જીવનની દરેક આફત વખતે શરણાગતિ સ્વીકારી લેવાનો પ્રયોગ. ધ સરન્ડર એક્સપીરીમેન્ટ. તેમણે નક્કી કર્યું કે ‘ગો વિથ ધ ફ્લો’. જે થાય, તે સારા માટે. એવું વિચારીને પોતાની જમીન પર ઘર બાંધવામાં મિકીએ પેલી મિત્રની મદદ કરી! મારી જેમ તમને પણ એવું જ થશે કે આ તો કાયરતા છે. આમાં શું સારું થવાનું? તો થયું એવું કે ઘર બન્યાના થોડા જ સમય પછી પેલી મિત્રની એક ડોના નામની સહેલી એની સાથે એ જ ઘરમાં રહેવા આવી. એ જ ડોના, આજે મિકી સિંગરના પત્ની છે. ડોનાના સ્વરૂપમાં મિકીને એમના જીવનનો એ પ્રેમ મળ્યો જેની તેમને લાંબા સમયથી પ્રતીક્ષા હતી. આ પ્રસંગ યાદ કરીને મિકી લખે છે કે આ બધું એટલે બન્યું કે જિંદગીને મારી ઈચ્છા કે ધારણા પ્રમાણે ચલાવવાને બદલે, હું જિંદગીના તાબે થયો. શરણાગતિ કરવાના આ સંકલ્પને છેલ્લાં પચાસ વર્ષોથી મિકી વળગી રહ્યા છે. તેઓ આજે 75 વર્ષના છે અને આજે પણ એ જ મંત્ર સાથે જીવન વિતાવે છે, સરન્ડર. આવું કરી શકવું, એ આપણા માટે તો બહુ મોટો પડકાર છે. આજીવન નહીં, તો એટલીસ્ટ એક દિવસ માટે તો આપણે આવો સંકલ્પ લઈ જ શકીએ. આધ્યાત્મની શરૂઆત જ સ્વીકાર અને સમર્પણથી થાય છે. પછી એ એક જન્મારા માટે હોય, એક દિવસ માટે કે એક ક્ષણ માટે. સ્વીકાર અને સમર્પણ વધતી ઉંમર સાથે નહીં, પણ સમજણ સાથે આવે છે. સમર્પણ કરી શકવું એ કોઈ કલા નથી. એ સાધના છે. એક કસરત છે. એક અભિગમ છે, જેની આદત પાડવી પડે છે. આવનારા અંધારાની ફરિયાદ કે ચિંતા કર્યા વગર જેઓ ડૂબતા સૂરજને માણી શકે છે, તેઓ શરણાગતિને સમજી શકે છે

અન્ય સમાચારો પણ છે...