તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં ચિંતાજનક બાબતો અને દુર્ઘટનાઓની કોઈ તંગી નથી. ચોવીસ કલાક ચાલી રહેલી ન્યૂઝ ચેનલ્સ અને સોશિયલ મીડિયા આપણા પર વૈશ્વિક, રાષ્ટ્રીય અને સ્થાનિક સમસ્યાઓનો મારો ચલાવે છે. દેશ અને દુનિયાભરમાં ચાલી રહેલા ષડયંત્રો, અપરાધો અને સંકટો ચીસો પાડી-પાડીને આપણા સુધી પહોંચાડવામાં આવે છે. સોશિયલ મીડિયાની ‘ન્યૂઝ-ફીડ’, વોટ્સ-એપમાં ફોરવર્ડ થતા મેસેજીઝ અને ન્યૂઝ-ચેનલ પર બૂમો પાડી રહેલા સંવાદદાતાઓ આપણને પ્રત્યેક ક્ષણે એવી પ્રતીતિ કરાવે છે કે આપણી ઉપર સતત કોઈ જોખમ તોળાઈ રહ્યું છે. કાં તો રાજકીય, કાં તો રાષ્ટ્રીય. સમસ્યા એ છે કે આપણે એક એવા શરીરમાં પુરાયેલા છીએ, જે મન અને ચેતનાના દ્વંદ્વયુદ્ધમાં ફસાયેલું છે. ‘નકારાત્મકતા’ મનને આકર્ષે છે, પણ ચેતનાને રુંધી નાખે છે. મનને વિખવાદ, વિવાદ અને સમસ્યા જોઈએ છે, જ્યારે ચેતનાને શાંતિ. દરેકનું ચિત્ત બીમાર છે અને ચેતના તંદુરસ્ત. જગતમાં ચાલી રહેલા નિરાશાજનક ઘોંઘાટમાં, આત્માનો આશાવાદ સાંભળી નથી શકાતો. આ બ્રહ્માંડનો સૌથી ધીમો અવાજ અંતરાત્માનો હોય છે. એને સાંભળવા માટે બીજા દરેક અવાજોને મ્યુટ કરી દેવા પડે છે. આસપાસ સંભળાતા નિરર્થક અને કર્કશ અવાજો, આધ્યાત્મિક આરોહણની પ્રક્રિયાને ગૂંગળાવી નાખે છે. કોમેન્ટ-બોક્સમાં થયેલી નકારાત્મક ટિપ્પણીઓ, ટ્રોલિંગ અને ટ્વિટર પર ચાલતું ડીજિટલ યુદ્ધ એ બીજું કશું જ નથી, પણ ગુમરાહ થયેલી ચેતનાની ચીસો છે, જે મદદ માટે પોકારી રહી છે. ઘોંઘાટના દરિયામાં આપણો શાંત અંતરાત્મા બહુ જલ્દી ડૂબી જતો હોય છે. એક આફ્રિકન કહેવત મારી પ્રિય છે, ‘વિસ્તરી રહેલા વન કરતાં, એક ઝાડનું પડવું વધારે અવાજ કરે છે.’ આ જગતમાં જેટલું વિકસી અને વિસ્તરી રહ્યું છે, એ બધું જ શાંત છે. અવાજ એ જ પ્રવૃત્તિઓ કરે છે, જે વિનાશકારી છે. આ જગતમાં રહેલા સર્જનાત્મક લોકો, કલાકારો, સજ્જનો અને સદ્્ગૃહસ્થો મૌન છે અને વિનાશક વૃત્તિઓ વાચાળ, પણ આ જગતની સાર્થકતા એના ઘોંઘાટથી નહીં, એના મૌનથી નક્કી થાય છે. સોશિયલ મીડિયા હોય કે ન્યુઝ ચેનલ, એ બધા ઝાડ પડવાના અવાજો છે. માનવતાનું મૂલ્યાંકન એ અવાજો નક્કી નહીં કરે. એ મારું અને તમારું મૌન નક્કી કરશે. કારણ કે વિસ્તરી રહેલું વન હંમેશાં શાંત હોય છે. ચાલી રહેલા કારસ્તાનો અને કૌભાંડોથી આ વિશ્વ અનેકગણું વિશાળ અને વધારે સુંદર છે અને સુંદરતા અવાજ નથી કરતી. ક્યાંક ફૂલને વળગેલું ઝાકળનું ટીપું શરમાયું હશે, તો ક્યાંક કોઈ બાળક ચાલતાં શીખ્યું હશે. કોઈ સંસ્થાએ નિરાશ્રિતોને આશરો આપ્યો હશે, તો ક્યાંક ગુપ્તદાન કરનારા મૂંછમાં મલકાયા હશે. કોઈએ વૃક્ષારોપણ કર્યું હશે, તો કોઈએ પરોપકાર. આ બધું જ વિસ્તરી રહેલું વન છે. કરુણા મૂંગા મોંઢે કામ કરે છે અને નફરત ચીસો પાડીને. નકારાત્મકતા અને નિરાશાથી જ્યારે પણ મન ઘેરાય, ત્યારે આસપાસ રહેલા વૃક્ષોનો અવાજ સાંભળવો. તેઓ ચૂપચાપ વૃદ્ધિ પામી રહ્યા છે. સાથે આપણો અંતરાત્મા અને ચેતના પણ. ⬛vrushtiurologyclinic@yahoo.com
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.