એક વિદ્યાર્થિની લખે છે: ‘હું અને મારા જેવા હજારો વિદ્યાર્થીઓએ ફાઇનલ પરીક્ષા પહેલાં લેવાતી મિડ-ટર્મ પરીક્ષા સારા સ્કોર સાથે પાસ કરી હોવા છતાં ફાઇનલ એક્ઝામ પહેલાં અમારી નીંદ
હરામ થઈ જાય છે. આમ જોવા જાઓ તો કોઈપણ ફાઈનલ પરીક્ષા સ્કૂલ-કૉલેજમાં અવારનવાર લેવાતી પરીક્ષા જેવી જ એક વધુ પરીક્ષા હોય છે એમ છતાં પેલી પરીક્ષાઓમાં અમને જરા પણ ડર લાગતો નહોતો તો પછી આ ફાઇનલ એક્ઝામ, ખાસ કરીને બોર્ડની ફાઇનલ એક્ઝામમાં અમને આટલો બધો ડર શા માટે સતાવે છે?’
આવો સવાલ મોટાભાગના વિદ્યાર્થીઓને સતાવતો હોય છે. એ ડર દૂર કરવા માટે અને પરીક્ષા આવતા સુધીમાં અભ્યાસના ટાઈમ ટેબલ સિવાય બીજી
અમુક અગત્યની બાબતમાં શું તૈયારી કરવી એની ચર્ચા અહીં સવાલ-જવાબના રૂપમાં જોઈએ.
શું આવા ડર પાછળ માબાપની અપેક્ષાઓ જવાબદાર હોય છે?
આ એક મહત્ત્વનું કારણ છે. એમાંય બોર્ડની પરીક્ષા હોય એટલે માબાપને એમ થાય કે સારી કૉલેજ-યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની પાયાની જરૂરિયાત છે સારા મેરિટ સાથે બોર્ડની પરીક્ષામાં પાસ થવું. સારા મેરિટ આગળની ઊજળી કરિયર માટે એક અનિવાર્ય હકીકત છે, પણ એના કારણે બાળકને સતત દબાણ હેઠળ રાખવું એ યોગ્ય રસ્તો નથી. બાળકને સારા માર્ક્સ લાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય પણ એના પર દબાણ સર્જવાથી તો ઊલટાનું એ મનોતાણ-સ્ટ્રેસ અને વ્યાકુળતા-એંગ્ઝાયટીનો ભોગ બની જાય ને પરીક્ષામાં બરાબર દેખાવ ન કરી શકે એવું પણ બને.
પરીક્ષા પહેલાં મન-ચિત્તને શાંત અને નિશ્ચલ કેમ રાખી શકાય?
સામાન્ય રીતે પરીક્ષાનો ગભરાટ પરીક્ષામાં સારો દેખાવ કરવા સામેનો મોટો અવરોધ છે. વર્ષ દરમિયાન સારી રીતે અભ્યાસ કર્યો છે ને પ્રેક્ટિસ ટેસ્ટમાં સારો દેખાવ કર્યો છે તો આવા ગભરાટની કોઈ જરૂર નથી. મનને શાંત કરવા ને પોતાની તૈયારીમાં આત્મવિશ્વાસમાં વધારો કરવા યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ સ્ટ્રેસ ઘટાડવામાં ઘણી જ મદદરૂપ થઈ શકે છે. રોજની નિશ્ચિત સમય માટેની આવી નિયમિત પ્રેક્ટિસથી મન સ્વચ્છ થતાં નવી શક્તિનો સંચાર થાય છે જે પરીક્ષાનો દૃઢતાથી સામનો કરવામાં મદદ કરશે.
પરીક્ષા નજીક હોય ત્યારે એકધાર્યા કેટલું વાંચન-અભ્યાસ કરવા યોગ્ય ગણાય?
સ્વાભાવિક છે કે પરીક્ષા નજીક હોય એટલે પરીક્ષાના વાતાવરણમાં રહેવા માટે ઝાઝા કલાકો અભ્યાસ કરવાની સલાહ શિક્ષક આપતા હોય, પણ એમાં એક બાબત બહુ જ અગત્યની છે કે સતત અભ્યાસ કરવાનું ટાળો. દરેક વ્યક્તિની એક બોડી ક્લોક હોય છે જે આપણને ચેતવણી આપે છે કે બસ, હવે બહુ થયું. આથી બહુ બધું પરાણે ખેંચવાને બદલે વચ્ચે વચ્ચે 10-15 મિનિટનો વિરામ લેવો જરૂરી છે. આવો બ્રેક હળવાશ અનુભવવા માટે ને ફરીથી અભ્યાસમાં મન પરોવવાની ઊર્જા પ્રાપ્ત કરવા અતિ આવશ્યક છે.
તમને અભ્યાસની કઈ રીત સૌથી વધારે માફક આવે છે?
અભ્યાસની રીતો જેવી કે લખવા માટે જુદા જુદા રંગની શાહીનો ઉપયોગ, ચિત્રો, બ્રેઇન સ્ટોર્મિંગ કે માઈન્ડ મેપિંગ, અમુક લોકોને જુદા જુદા રંગની શાહીથી કરેલું લખાણ વધારે મદદરૂપ થાય તો કેટલાકને ડાયાગ્રામ અને ચિત્રોની રીત સરળ પડે છે. જે પણ રીત વધારે અસરકારક હોય એ અપનાવો. યાદ રાખો કે તમારા દોસ્તને જે મેથડ અનુકૂળ હોય એ તમને ન પણ હોય, એટલે તમને પોતાને શું અનુકૂળ છે એ જાણીને એને અનુસરવું એ સૌથી ઉત્તમ રસ્તો છે.
પોતાને સારી રીતે સુવ્યવસ્થિત – વેલ ઓર્ગેનાઈઝ્ડ કેમ રાખશો?
ખાતરી કરો કે પરીક્ષા માટે જે જરૂરી છે એ બધી વસ્તુઓ, સાધનો હાથવગાં છે કે કેમ. પેન્સિલ, બૉલપેન, કેલ્ક્યુલેટર, કંપાસ બોક્સ એમ જેની જરૂર હોય એ બધું ઠેકાણે તો છે ને એ જોઈ લો, કારણ કે જરૂરી વસ્તુમાંની એકપણ વસ્તુ પરીક્ષામાં જતાં પહેલાં શોધવી પડશે તો એનાથી ઘાંઘા થઈ જવાશે ને મન વ્યાકુળ થઈ જશે, જે પરીક્ષાના સમયે મોટું નડતર ઊભું કરશે. ઉપરાંત અભ્યાસ કરવા બેસો ત્યારે પુસ્તકો, નોટબુક અને બીજું બધું મટિરિયલ એવી રીતે વ્યવસ્થિત રાખો કે એની જરૂર જણાય ત્યારે શોધવા માટે સમય ગુમાવવો ન પડે.
પરીક્ષા પહેલાં ખોરાક લેવામાં શું ધ્યાનમાં રાખવું?
યાદ રાખો કે, શ્રેષ્ઠ વિચારો માટે સારું પોષણ ઘણું મહત્વપૂર્ણ છે. આચરકૂચર ખાવાને બદલે જેનાથી સ્ફૂર્તિ જળવાઈ રહે એવો પોષણયુક્ત ખોરાક લેવો હિતાવહ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.