પ્રતિમાઓ:આખરે

ઝવેરચંદ મેઘાણી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

[2] પતિએ પોતાની નવલકથાનાં નવાં પ્રકરણો વાંચવા માંડ્યાં. એ વાંચનની શાંતિને અખંડિત રાખવા સારુ મેડી ઉપર ઓરડાના બંધ દ્વારની પછવાડે બેઠી બેઠી મા એક પછી એક પાંચેય બચ્ચાંને પંપાળતી, ધમકાવતી, ‘પ્રભાતે ખાઉખાઉ’ની લાલચ દેતી ધીરે સ્વરે વાર્તા કહેતી ઉંઘાડી રહી હતી. કેવાં ડાહ્યાં! મારાં પાંચેય બચુડિયાં કેવાં ડાહ્યાં! પોતાના બાપુની શાંતિ ખાતર જલદી જલદી સૂઈ ગયાં.’ એવું ગણગણતી એ પ્રત્યેક બાળકને ચૂમતી હતી. પ્રત્યેકના વાળમાં આંગળીઓ સેરવીને માથાં ખંજવાળતી હતી. ત્યાં બેઠકમાં જેમ જેમ વાર્તાનું વાંચન ચાલતું ગયું તેમ તેમ અતિથિ યૌવનાની આંખોમાં રોશની ઊભરાતી ચાલી. ‘ઓહોહો!’ એણે આખરે કહ્યું: ‘આટલું કુશળ પાત્રાલેખન: આવો કલ્પનાવૈભવ: ને આવી શૈલી: આ બધી વિભૂતિઓને તમે છ કલાકની કારકુનીમાં દફનાવી દો છો? તમારે ખાતર તો ઠીક, પણ ભાવિ પ્રજાને ખાતર તો તમારે આ પુસ્તક પૂરું કરવું જ જોઈએ.’ ‘પણ હું શું કરું? આ વેજા વળગી છે તેના પેટના ખાડા હું કેમ કરી પૂરું?’ ‘અરે શું કહો છો? તમને આગળથી એડવાન્સ રકમ આપનારા પ્રકાશકો તૈયાર છે. હું શોધી આપું. આવી હતાશાની વાણી શું કાઢો છો? તમારી સર્જનશક્તિનું ભાન તમને નથી, પણ જગત તો આ વાંચીને ચકિત બનશે.’ પુરુષનો આત્મા કોઈ નવજન્મ પામતો હોય તેવી મંગલ સુખવેદના એની આંખોમાં પ્રગટી ઊઠી. પોતાને જીવનદ્વારે જાણે કોઈ સ્વર્ગદૂત ઊતર્યો હતો. બચ્ચાંને સુવાડી, ધીરેથી ઓરડો બંધ કરી, મા નીચે આવી અને પછી બેઉને જમવાનું પીરસ્યું. પતિ અને અતિથિ વચ્ચે આખો વખત જે વાર્તાલાપ ચાલી રહ્યો તેમાં ભાગ લેવાની પોતાની સમજશક્તિ ન હોવાથી પોતાની હાજરી ત્યાંનું વાતાવરણ ખરેખરું ખીલવા નહોતી દેતી, એવી સમજને લીધે એને ઘણું દુ:ખ થયું. છતાં એ બેઉનાં મોં સામે જોઈ જોઈ જ્યાં બન્ને હસે ત્યાં હસતી અને વિસ્મય બતાવે ત્યારે મોં ચમકાવતી બેસી રહી. આજે પતિના જીવનમાં ઘણે વર્ષે પ્રાણ આવ્યો જોઈ પોતે હરખાવા લાગી. મોડી રાતે મહેમાને રજા લીધી. ‘લાવો પેલી હસ્તપ્રત’ કહી એણે નવલકથાનું પરબીડિયું બગલમાં દબાવ્યું. એને વિદાય દેતી ગૃહપત્નીએ કહ્યું કે ‘કોઈ કોઈ વાર અહીં જરૂર આવતાં રહેજો, હો! એમને બહુ જ સુખ થશે.’ તે રાત્રિની નીંદરમાં પુરુષે કૈં કૈં સ્વપ્ન દીઠાં. એક સુંદર મુખ જાણે એને અવાજ દેતું હતું: ‘બહાર નીકળ! તું આ અંધારા ઘરમાંથી બહાર આવ! વિશાળ દુનિયા તારો બોલ ઝીલવા ઝંખી રહી છે. તને હું જગતના શિખર પર બેસાડીશ.’ [3] વળતે જ દિવસે સાંજે ઓફિસમાંથી છૂટીને કારકુન બંધુ બારોબાર પોતાની નવી મિત્રને ઘેર ગયા, એની લાકડી, ટોપી ને કોટ એ મિત્રે સ્વહસ્તે જ ઉતરાવીને ખીંટી પર ગોઠવી દીધાં, પછી એને પોતે મકાનમાં ફેરવવા લાગી, ઠેરઠેર એ પુરુષે સાહિત્યરસની સાક્ષી પૂરતાં પુસ્તકો, કલાત્મક ચિત્રો વગેરે સામગ્રીના શણગાર દીઠા. ઘરની ચીજે ચીજ સુવ્યવસ્થિત, જરા પણ અવાજની અડચણ નહીં, આહાહા! સાહિત્યનું સર્જન કરવા માટે કેવું પ્રેરક વાતાવરણ! પુરુષને દરેક ઓરડો દેખાડતી એ મિત્ર પૂછતી હતી કે ‘અહીં તમને લખવાનું ન ફાવે? અહીં એકાદ-બે કલાક બેસો તો નવલકથા પૂરી ન કરી શકો? પૂરી કર્યા વિના તો નહીં જ ચાલે. એ પુસ્તકના હજાર રૂપિયા તો હું તમને અપાવ્યે જ રહીશ અને એની સાત આવૃત્તિ તો હું તમને ત્રણ વર્ષમાં બતાવી આપીશ. બોલો, અહીં બેસીને લખશો?’ ‘ને જુઓ’, એને ઉપલે માળે તેડી જતાં જતાં કહ્યું : ‘મારી બેઠક તો નીચે છે, ને તમે તમારી બેઠક આ કેબિનમાં રાખી શકો.’ એમ કહી એણે નાજુક ખંડનાં દ્વાર ખોલ્યાં. શો સુંદર સ્ટડીરૂમ! પુરુષનું મનપંખી જાણે એ જીવનમાળામાં ગોઠવાઈ ગયું. ‘હું’ સ્ત્રીએ ખાતરી આપી : ‘હું પણ તમને લેખનકામમાં અડચણ પાડવા જરીયે નહીં આવું. જુઓ, આજે એકાદ કલાક બેસીને અનુભવ કરો, ફાવે તો પછી કાલથી નિયમિત બબે કલાક આવીને લખજો.’ પુરુષે તે દિવસનો અનુભવ લઈ જોયો, ગમી ગયું, ખાતરી થઈ કે અહીં તો કલમ અને કલ્પનાશક્તિ જાગી ઊઠશે. [4] રાત પડી ગઈ છે. રાંધ્યુંચીંધ્યું ક્યારનું તૈયાર છે. થોડું થોડું પીરસીને પણ ગોઠવી રાખ્યું છે. રોજ સાંજે બાપુની જોડે બેસીને જમવા ટેવાયેલ છોકરાં આજે બહુ મોડું થવાથી ઉપરાઉપરી બગાસાં આવવા છતાં બાપુ વગર જમવા બેસતાં નથી. ઓચિંતું માને યાદ આવ્યું : પતિ રોજ જ્યાં લખવા જતો ત્યાં જ હશે, પણ લખવાનો પ્રવાહ વેગબંધ ચાલી રહ્યો હશે, સમયનું ભાન નહીં રહ્યું હોય, ટેલિફોન કરીએ. પાડોશીને ઘેર ટેલિફોન પર એ દોડી ગઈ. પછવાડે પાંચેય છોકરાં પણ ગયાં. ટેલિફોનની આસપાસ પાંચેય જણાં વીંટળાઈ વળ્યાં. ‘બા, મને બાપુ જોડે વાત કરવા દે!’ ‘ના, બા, મારે બાપુનો સાદ સાંભળવો છે.’ ‘હેં બા, બાપુ એમાં સંતાઈ બેઠા છે?’એવા એવા હર્ષોદ્્ગાર કાઢતાં એ પાંચેયની વચ્ચે ઊભેલ માતાને સામો જવાબ મળ્યો : ‘હલ્લો! હલ્લો! આજ તો તમે સહું જમી લેજો. મેં આંહીં જ જમી લીધું છે. હું કાલે સાંજે આવીશ.’ ‘પણ હલ્લો! હલ્લો!’ એટલું બોલીને પત્ની અટકી ગઈ. કેમ કે સામેથી પતિએ રિસીવર પડતું મૂકી દીધું હતું. અહીં માના હાથમાંથી રિસીવર ખૂંચવી લઈને એકબીજાની ઉપર પડતાં છોકરાં એ યંત્રમાં બૂમો પાડવા લાગ્યાં : ‘હલ્લો! હલ્લો બાપુ! હલ્લો બાપુજી! હું કીકો. મારું નામ બબલી. બાપુજી, જમવા ચાલો, અમે વાટ જોઈએ છીએ. અમને ભૂખ લાગી છે. હલ્લો! હલ્લો! હલ્લો!’માએ ધીરેથી એ રિસીવર બબલીની મૂઠીમાંથી છોડાવીને ટેલિફોનની ઘોડી પર લટકાવી દીધું. માએ કહ્યું : ‘ચાલો.’ ‘બાપુએ શું કહ્યું, બા?’ કીકો પૂછવા લાગ્યો. ‘એણે જમી લીધું.’ ‘ક્યાં? અમારા વિના?’ પાછાં છોકરાં ટેલિફોન પર ધસતાં હતાં, તેને રોકી લઈ માએ ઘરમાં લીધાં, સહુને ખવરાવી લીધું. સુવરાવ્યાં, પોતે જમ્યા વગર રસોઈ કાઢી નાખી, ઢાંકણઢૂંબણ કરી મોડી રાતે ઊંઘી ગઈ.⬛(ક્રમશ:) (‘પ્રતિમાઓ’ પુસ્તકમાંથી સાભાર)

અન્ય સમાચારો પણ છે...