અગોચર પડછાયા:દુલ્હન

જગદીશ મેકવાન21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે પણ એ ખંડેરમાં દુલ્હન ફરે છે અને જો કોઈ પુરુષ એને જોવા મળે તો એ પુરુષને ફાડી ખાય છે

રાજસ્થાનના રણ વિસ્તારમાંથી પસાર થતા હાઇવે પરથી જીપ સડસડાટ પસાર થઈ રહી હતી. થોડી વાર પછી બે-ચાર ઝાડી-ઝાંખરા પાસે આવેલા એક ગલ્લા પર એ જીપ ઊભી રહી. કારમાંથી પાંચ જણ નીચે ઉતર્યા. ઊતરતાની સાથે જ ડ્રાઈવરે કેમેરામેનના નિતંબ પર ટપલી મારી. કેમેરામેને છોકરીની જેમ ગુસ્સામાં એક ગંદી ગાળ બોલીને કહ્યું, ‘જેલમાં જવું છે? જ્યારથી મેં સેક્સચેન્જનું ઓપરેશન કરાવ્યું છે, ત્યારથી તું મારી પાછળ પડ્યો છે. આજે છેલ્લી વાર કહું છું કે હવે પછી જો તેં મારી સાથે કોઈ પણ ગંદી હરકત કરી તો હું મેનેજમેન્ટને કમ્પલેઈન કરીશ.’ ‘કંટ્રોલ યોરસેલ્ફ.’ ડિરેક્ટરે પણ ડ્રાઈવરને ટોક્યો. પાંચેય જણે એ ગલ્લા પર ચા પીધી. પછી ડિરેક્ટરે ચા બનાવનારને પ્રશ્ન કર્યો, ‘ધુલી ગામ આગળ જ છે ને?’ પેલો માણસ ફાટી આંખે એ લોકોને તાકી રહ્યો. પછી બીકથી ધ્રૂજતા સ્વરે પ્રશ્ન કર્યો, તમારે મરવું છે?’ ‘અમારે દુલ્હન વિશે એક સ્ટોરી તૈયાર કરવાની છે. અમે ન્યૂઝ ચેનલમાંથી આવીએ છીએ. અમે સાંભળ્યું છે કે ધુલી ગામમાં દુલ્હન જોવા મળે છે. જે એક ભૂત, ચુડેલ, ડાકણ કે એવું કંઈક છે. જે બધાં લોકોને મારી નાખે છે.’ ‘ના. ફક્ત પુરુષોને જ મારે છે. ખૂબ જૂની દંતકથા છે. લોકો કહે છે કે આજથી 70 વર્ષ પહેલાં એ ગામ હર્યું ભર્યું હતું. એ ગામમાં સારા લોકો વસવાટ કરતાં હતાં, પણ એ ગામમાં એક બદમાશ કુટુંબ પણ હતું, જેમાં એક પિતા અને ચાર પુત્રો હતા. તેમના ઘરમાં બધી સ્ત્રીઓનું અપમૃત્યુ થયું હતું. એ લોકોએ એમના નાના દીકરાનું લગ્ન દોડી ગામે નક્કી કર્યું. એ ગામના એક ખેડૂતની જમીન ગીરવે હતી. જેને છોડાવવા માટે એ ખેડૂતને પૈસાની ખૂબ જ જરૂર હતી. માટે પૈસાના બદલામાં એ ખેડૂતે પોતાની પુત્રીને પેલા બદમાશ કુટુંબના સૌથી નાના દીકરા સાથે પરણાવી. એ છોકરી દુલ્હન બનીને આ ધુલી ગામમાં આવી. પરંતુ એ કુટુંબ ખૂબ જ હરામી હતું. એ પાંચેય પુરુષોએ એ નવી નવેલી કોડભરી દુલ્હન પર સુહાગરાતે જ જઘન્ય સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને બીજા દિવસે એ કોઈને આ વાત જણાવી ન શકે એ માટે એને કેરોસીન છાંટીને સળગાવી દીધી. બીજી રાત્રે દુલ્હન ડાકણ બનીને ત્રાટકી અને એણે એ પાંચેય જણને ખૂબ જ ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા. પરંતુ એટલા માત્રથી દુલ્હનનો ગુસ્સો શાંત ન પડ્યો. એ દુલ્હનને તો જાણે દુનિયાભરના પુરુષો પ્રત્યે નફરત થઈ ગઈ હોય એમ એણે ગામના બધા જ પુરુષોને એક પછી એક ખતમ કરવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે એ ગામમાં દુલ્હનની દહેશત ફેલાઈ ગઈ. જે પુરુષો બચ્યા તે લોકો પોતાના પરિવાર સાથે પલાયન કરી ગયા. આખું ગામ ખાલી થઈ ગયું અને સમયાંતરે ખંડેર બની ગયું. આજે પણ એ ખંડેરમાં દુલ્હન ફરે છે અને જો કોઈ પુરુષ એને જોવા મળે તો એ પુરુષને ફાડી ખાય છે. એટલે તમે લોકો એ ગામમાં જવાનો વિચાર પડતો મૂકો.’ ‘હું ડિરેક્ટર છું. આવી ઘણી બધી અફવાઓને લખતા સમાચારો પર સ્ટોરી બનાવીને અમે પ્રસારિત કરીએ છીએ. આજ સુધી મેં ક્યારેય કોઈ ભૂત જોયું નથી અને એવું કંઈ હોતું પણ નથી.’ ડિરેક્ટરે જવાબ આપ્યો અને એ પાંચેય જણ જીપમાં બેસીને રવાના થયા. લગભગ અડધા કલાકની મુસાફરી પછી એ લોકો ધુલી ગામે પહોંચ્યા. એ ગામની બહાર લાગેલા એક જૂના પાટિયા પર કોઈએ હાથથી ચેતવણી લખી હતી- ‘આ વિસ્તારમાં કોઈ પણ પુરુષે પ્રવેશ કરવો નહીં, દુલ્હનનો શિકાર બની જવાની પૂરેપૂરી શક્યતા છે.’ એ વાંચીને ડિરેક્ટરે કેમેરામેનને કહ્યું, ‘સૌથી પહેલાં આ પાટિયાના થોડા મોન્ટાજ લઈ લો. ત્યાર પછી આપણે ગામમાં જઈશું.’ કેમેરામેને ડિરેક્ટરની સૂચનાનું પાલન કર્યું. ત્યારબાદ એ લોકો ધુલી ગામમાં પહોંચ્યા. ગામમાં સન્નાટો હતો. ભેંકાર વાતાવરણ હતું. પ્રવેશતાની સાથે જ વાતાવરણમાં એક જાતના બોજનો અહેસાસ થતો હતો. ટીમના સભ્યોને આછા ડરનો અનુભવ થયો, પરંતુ એ ડરને ખંખેરીને તેઓ આગળ વધ્યા. સાંજ સુધી તેમણે ગામના ખંડેર બની ગયેલાં ઘરોના મોન્ટાજ લીધા. આછું અંધારું થયું એટલે એમણે સાથે લાવેલા તંબુ તાણી દીધા. સૂરજ આથમ્યો. એ લોકોએ તાપણું કર્યું અને પેક્ડ ફૂડ અને બિયરનાં ટીન ખતમ કર્યાં. અને રાત્રે દસેક વાગ્યાની આસપાસ બધા ઊંઘી ગયા. જેવા રાતના 12:00 વાગ્યા કે એકદમ જ વાતાવરણમાં ઠંડક વધી ગઈ અને કાનના પડદા ફાડી નાખે એવું તીણું કર્કશ રૂદન સંભળાયું. પાંચેય જણ સફાળા જાગી ગયા. એમણે જોયું તો દૂરથી દુલ્હન જમીનથી બે ફૂટ અદ્ધર હવામાં ચાલતી ચાલતી આવી રહી હતી. એનો ભયંકર દેખાવ જોઈને પાંચેય જણના હાંજા ગગડી ગયા. દુલ્હનની ઝાંઝરનો અવાજ એ સન્નાટામાં ભયંકર ખૌફ પેદા કરતો હતો. દુલ્હનને પોતાની તરફ આવતી જોઈને પાંચેય જણા જીવ બચાવીને નાઠા, પણ દુલ્હનના પંજામાંથી બચી ન શક્યા. દુલ્હને કેમેરામેન સિવાયના ચારેય જણને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા. ફક્ત કેમેરામેન જીવતો બચ્યો. દુલ્હને કેમેરામેન સામે જોયું. કેમેરામેન બીકથી રડી પડ્યો. એણે દુલ્હન સામે બે હાથ જોડ્યા, પણ દુલ્હનના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ગુસ્સો ન હતો. દુલ્હન કેમેરામેન સામે કરુણાભરી નજરે જોઈને બોલી, ‘મારી દુશ્મની ફક્ત પુરુષો સાથે છે. તારી સાથે મારે કોઈ દુશ્મનાવટ નથી.’ અને એક મધુર સ્મિત આપીને એ જે દિશામાંથી આવી હતી એ દિશામાં ગાયબ થઈ ગઈ.⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...